દેવો અને દાનવોએ કરેલું ક્ષીરસાગરનું મંથન.
ભાગવત પુરાણની પ્રચલિત કથા અનુસાર એક વાર ફરવા નીકળેલા ઇન્દ્રને દુર્વાસા ૠષિ મળ્યા. ૠષિએ એક ફૂલમાળા ઇન્દ્રને આપી. ઇન્દ્રે તે માળા હાથીની સૂંઢ પર ફેંકી તો હાથીએ તેને પગ નીચે કચડી. દુર્વાસાને આમાં પોતાનું અપમાન લાગ્યું. તેથી તેમણે ઇન્દ્રને શાપ આપ્યો. આ શાપના કારણે દેવતાઓ શ્રીહીન, દુર્બળ અને નિસ્તેજ થયા. અસુરોએ સ્વર્ગમાં તાંડવ મચાવી દીધું. અમરાવતી તેમનું ક્રીડાંગણ બની ગઈ. ભયભીત દેવોએ ભગવાન વિષ્ણુનું શરણું લીધું. વિષ્ણુએ અસુરો સાથે સંધિ કરી. બેઉને સાથે મળીને ક્ષીરસાગરનું મંથન કરી અમૃત કાઢવાનો ઉપાય સૂચવ્યો. પરિણામે દેવો અને દાનવોએ મંદરાચલ પર્વતને રવૈયો અને વાસુકી નાગને નેતરું (મંથન માટેનું દોરડું) બનાવી ક્ષીરસાગરનું મંથન કર્યું; તે સમયે દેવોએ નાગના પૂંછડાનો અને દાનવોએ મુખનો ભાગ પકડેલો.

સમુદ્રમંથન
મંથન વખતે નિરાધાર મંદરાચલ પર્વત પાણીમાં ડૂબવા લાગ્યો તો વિષ્ણુએ કાચબાનો અવતાર (કચ્છપાવતાર) લઈ પર્વતને પોતાની પીઠ પર ઉઠાવી લીધો. ઘણા દિવસો સુધી સમુદ્રને વલોવ્યા બાદ તેમાંથી કાલકૂટ અથવા હળાહળ વિષ નીકળ્યું; જે જગતના રક્ષણાર્થે મહાદેવે પી લીધું. (વિષ તેમણે કંઠમાં જ રોકી રાખ્યું, તેથી તેમનો કંઠ નીલા રંગનો થઈ ગયો ને તેથી તેઓ ‘નીલકંઠ’ કહેવાયા.) તે પછી કામધેનુ ગાય, ઐરાવત હાથી, ઉચ્ચૈ:શ્રવા ઘોડો, રંભા આદિ અપ્સરાઓ, કૌસ્તુભમણિ, વારુણી (મદિરા), (પાંચજન્ય) શંખ, કલ્પવૃક્ષ, ચંદ્રમા, પારિજાતક વૃક્ષ અને લક્ષ્મીજી નીકળ્યાં. છેલ્લે હાથમાં અમૃતકુંભ લઈ ધન્વંતરિ પ્રગટ થયા. આ ચૌદ રત્નો કયા ક્રમે નીકળ્યાં તે વિશે અને જે રત્નો નીકળ્યાં તેમની બાબતમાં પણ મતભેદો છે. વળી કોઈ મત પ્રમાણે સારંગધનુષ પણ નીકળેલું. આ સંદર્ભે નીચેનો એક શ્લોક પણ પ્રચલિત છે :
‘लक्ष्मीः कौस्तुभपारिजातकसुराधन्वन्तरिश्चन्द्रमाः
गावः कामदुहा सुरेश्वरगजो रम्भादिदेवाङ्गनाः ।
अश्वः सप्तमुखो विषं हरिधनुः शङ्खोडमृतं चाम्बुधेः ।
रत्नानीह चतुर्दश प्रतिदिनं कुर्यात्सदा मङ्गलम् ।।’
આમાંથી કામધેનુ ગાય ૠષિઓએ, ઉચ્ચૈ:શ્રવા ઘોડો બલિરાજાએ, ઐરાવત ઇંદ્રે, કૌસ્તુભમણિ વિષ્ણુએ, વારુણી અસુરોએ લીધાં. લક્ષ્મી વિષ્ણુ ભગવાનનાં પત્ની બન્યાં. અમૃતકુંભમાંથી અમૃત પીવા માટે અસુરોએ પ્રયત્ન કર્યો અને દેવતાઓ નાસીપાસ થયા ત્યારે ભગવાને મોહિની-સ્વરૂપ લઈ અસુરોને મોહજાળમાં ભરમાવ્યા અને અમૃત દેવતાઓને પિવડાવ્યું. રાહુએ પણ દેવસ્વરૂપ લઈ અમૃત પીવાનો પ્રયત્ન કર્યો; પણ સૂર્ય અને ચંદ્રે તે અંગે ભગવાનને સાવધ કર્યા એટલે ભગવાને ચક્રથી તેનું મસ્તક કાપી નાંખ્યું. તેનું ધડ નીચે પડ્યું; પણ મસ્તક અમર થઈ ગયું ! બ્રહ્માજીએ તેને ગ્રહ બનાવ્યો. ત્યારથી મનાય છે કે સૂર્યચંદ્ર પર વેર રાખી પર્વને દિવસે તે સૂર્ય અને ચંદ્રને ઘેરે છે. જુદાં જુદાં પુરાણોમાં આંશિક ભેદ સાથે સમુદ્રમંથનની આ કથા મળે છે. આમ સમુદ્રમંથનમાં દેશ, કાલ, હેતુ, કર્મ અને બુદ્ધિ દેવ અને દાનવોમાં સમાન હોવા છતાં ફળમાં ભેદ થયો. ભગવાનનો આશ્રય લેવાથી દેવોને તેના ફલસ્વરૂપ અમૃત મળ્યું જ્યારે દૈત્યોને એ મળ્યું નહીં.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી
શ્રદ્ધા ત્રિવેદી, શુભ્રા દેસાઈ