Categories
વાચન સમૃદ્ધિ

જિદ્દુ કૃષ્ણમૂર્તિ

જ. ૧૧ મે, ૧૮૯૫ અ. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૬

આંધ્રપ્રદેશના મદનાપલ્લીમાં જન્મેલા વીસમી સદીના મહાન તત્વચિંતક, પ્રવચનકાર અને લેખક જે. કૃષ્ણમૂર્તિનું ચિંતન કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં બંધિયાર નહોતું, પરંતુ એમણે હંમેશાં ચર્ચા અને સંવાદને પ્રાધાન્ય આપીને વિશ્વપરિપ્રેક્ષ્યમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. અક્ષરજ્ઞાન વિનાનો માણસ અજ્ઞાની નથી, પરંતુ જે પોતાની જાતને ઓળખતો નથી એ અજ્ઞાની છે એમ તેઓ કહેતા હતા.

‘સ્વ’ની સમજ એટલે શિક્ષણ અને એમણે સમજાવ્યું કે, ‘માનવસમસ્યાઓ’નાં મૂળમાં અહમ્ છે અને તેનો ઉકેલ ‘પસંદગી વગરનાં નિરીક્ષણ વડે અહમનું વિસર્જન કરવામાં આવે.’ સિત્તેર જેટલાં પુસ્તકોમાં એમનાં ભાષણો, સંવાદ, પત્ર અને રોજનીશીનો સમાવેશ થાય છે. થિયૉસૉફિકલ સોસાયટીના વડા એની બેસન્ટના સહાયક લેડબિટરને જિદ્દુમાં ઈસુ અને બુદ્ધની કક્ષાના અસાધારણ તત્ત્વનું દર્શન થયું હતું, પરંતુ ૧૯૨૫ની ૧૩મી નવેમ્બરના રોજ એમના ભાઈ નિત્યાનંદનું મૃત્યુ થતાં માનવવિષાદ અને માનવયાતનાની ઉત્કટ અનુભૂતિથી જિદ્દુ કૃષ્ણમૂર્તિના જીવનમાં પરિવર્તન થયું. એમને તરુણાવસ્થામાં વિશ્વભરમાં પથરાયેલી થિયૉસૉફિકલ સંસ્થાઓમાંની એક ‘ઑર્ડર ઑફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ’નું અધ્યક્ષપદ આપવામાં આવ્યું હતું, તેનું એમણે ૧૯૨૯ની ૩જી ઑગસ્ટે જાતે જ વિસર્જન કરી દીધું. એથીયે વિશેષ સંઘ, સંસ્થા, ગુરુ, મંત્ર, જાપ, વિધિ, વિચારસરણી કે સંપ્રદાય સત્યનાં દુશ્મન હોવાની ઘોષણા કરી અને પોતે જગદગુરુ બનવા માગતા નથી એવી જાહેરાત કરી. વિદ્યાર્થીઓ સંયમ અને સર્વાંગી શિક્ષણમાં રસ મેળવે તે માટે એમણે ઋષિવેલી-આંધ્ર, રાજઘાટ બેસન્ટ શાળા તથા બ્રોકવુડ પાર્ક જેવાં સ્થળે તેમના વિચારોને કાર્યાન્વિત કરતી શાળાઓનું નિર્માણ કર્યું. તેજસ્વી આંખો અને સોહામણું વ્યક્તિત્વ ધરાવતા આ આંતરરાષ્ટ્રીય વિચારકે સ્વિટ્ઝર્લૅન્ડમાં રહીને વિશ્વપ્રવાસ કર્યો અને સાદી, સરળ અંગ્રેજી ભાષામાં એમણે આપેલાં પ્રવચન અને પરિચર્યાઓનાં ધ્વનિમુદ્રણ પરથી ગ્રંથોનું સર્જન કર્યું. ગુજરાતી ભાષામાં પણ એમના ગ્રંથો પ્રાપ્ય છે. કૅલિફૉર્નિયામાં તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

સાયપ્રસ

ભૂમધ્ય સમુદ્રના ઈશાનકોણમાં આવેલો ટાપુદેશ.

તે ૩૫° ૦૦´ ઉ. અ. અને ૩૩° ૦૦´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તે ટર્કીથી આશરે ૬૪ કિમી. દક્ષિણ તરફ સ્થિત છે. તેનો વિસ્તાર આશરે ૯,૨૫૧ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી આશરે ૧૩,૫૮,૨૮૨ (૨૦૨૪, આશરે) જેટલી છે. નિકોસિયા તેનું પાટનગર તથા મોટામાં મોટું શહેર છે. નિકોસિયાનો ઘણોખરો ભાગ ગ્રીક વિસ્તારમાં રહેલો છે, જ્યારે તેનો થોડો ભાગ ટર્કી વિસ્તારમાં ગણાય છે. ભૌગોલિક રીતે આ દેશ એશિયામાં છે, પરંતુ ત્યાંના લોકોની જીવનશૈલી યુરોપના લોકોને વધુ મળતી આવે છે. ૧૯૬૦(૧૬-૮-૧૯૬૦)માં સાયપ્રસ સ્વતંત્ર દેશ બન્યો છે. સાયપ્રસમાં ટ્રુડોસ અને કાયરેનિયા – એમ બે પર્વતમાળાઓ આવેલી છે. તે બંનેની વચ્ચે મેસોરિયાનું ફળદ્રૂપ મેદાન આવેલું છે. નૈર્ૠત્ય સાયપ્રસની ટ્રુડોસ પર્વતમાળા પ્રમાણમાં મોટી છે. ૧,૯૫૨ મીટરની ઊંચાઈ ધરાવતું, માઉન્ટ ઑલિમ્પસ તેનું સર્વોચ્ચ શિખર છે. આ પર્વતમાળાનો ભાગ ગીચ જંગલોથી છવાયેલો છે. કાયરેનિયા પર્વતમાળા સાયપ્રસને ઉત્તર કાંઠે વિસ્તરેલી છે. અહીંનો સમુદ્રકંઠારપટ સોનેરી રેતીવાળો છે. પેડિયસ અહીંની મુખ્ય નદી છે.

સાયપ્રસની રાજધાની નિકોસિયા

આ દેશની આબોહવા લગભગ આખું વર્ષ ખુશનુમા રહે છે. શિયાળામાં ટ્રુડોસના ઊંચાઈવાળા ભાગો પર હિમવર્ષા થાય છે. મેદાની ભાગોમાં સરેરાશ વાર્ષિક વરસાદ ૩૦૦થી ૪૦૦ મિમી. જેટલો પડે છે, પરંતુ ટ્રુડોસ પર્વતો પર ૧,૦૦૦ મિમી. જેટલો વરસાદ પડે છે. દેશની મુખ્ય પેદાશોમાં સિમેન્ટ, સિગારેટ, પગરખાં, ઑલિવ ઑઇલ, કાપડ અને દારૂનો સમાવેશ થાય છે. જવ, ગ્રેપફ્રૂટ, દ્રાક્ષ, લીંબુ, ઑલિવ, નારંગી, કેળાં, બટાકા અને ઘઉં મુખ્ય ખેતપેદાશો છે. મુખ્ય ખનિજોમાં ઍસ્બેસ્ટૉસ અને ક્રોમાઇટનો સમાવેશ થાય છે. તાંબાની ખાણો પણ હતી જે હવે ખાસ પ્રમાણમાં રહી નથી. પ્રવાસન આ દેશનો મહત્ત્વનો ઉદ્યોગ છે. અહીંનો રમણીય સમુદ્રકંઠારપટ, ખાબડખૂબડ પહાડી પ્રદેશ, ટેકરીઓને મથાળે બાંધેલા કિલ્લા અને જૂનાં દેવળો  જોવાલાયક છે. દર વર્ષે અંદાજે ૨૪ લાખ લોકો અહીંનાં રમણીય દૃશ્યો, ઐતિહાસિક સ્થળો અને ખુશનુમા આબોહવાની મોજ માણવા આવે છે. સાયપ્રસમાં રેલમાર્ગો નથી, પરંતુ સડકમાર્ગો સારા છે. લિમાસોલ, કાયરેનિયા અને લાર્નેકા અહીંનાં મુખ્ય બંદરો છે. દેશનું હવાઈ મથક લાર્નેકા ખાતે આવેલું છે. દેશની વસ્તીના આશરે ૭૦% લોકો શહેરમાં વસે છે, જોકે મોટા ભાગના લોકો મેસોરિયાના મેદાની પ્રદેશમાં વસે છે. ગ્રીક અને તુર્કી અહીંની સત્તાવાર ભાષાઓ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, સાયપ્રસ, પૃ. 117)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

કાર્યપદ્ધતિનું સ્મરણ

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ (૧૮૫૮થી ૧૯૧૯) રિપબ્લિકન પક્ષ તરફથી ન્યૂયૉર્ક રાજ્યની ધારાસભામાં ચૂંટાઈ આવ્યા. એ પછી પ્રમુખના નૌકાદળના મદદનીશ સચિવ બન્યા. અમેરિકાની સ્પેન સાથેની લડાઈમાં એમણે યશસ્વી વિજય અપાવ્યો અને ન્યૂયૉર્કના ગવર્નર થયા બાદ થિયોડોર રૂઝવેલ્ટ ૧૯૦૧થી ૧૯૦૯ સુધી અમેરિકાના પ્રમુખપદે રહ્યા. આ સમય દરમિયાન એમણે મોટાં મોટાં વ્યાપારી-ગૃહોની સત્તાને પડકાર ફેંક્યો. પનામા નહેર ખોદીને એમણે આટલાન્ટિક અને પૅસિફિક મહાસાગરો વચ્ચે અમેરિકન નૌકાકાફલો જઈ શકે તેવી નહેર બનાવી. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રભાવ ધરાવનારા થિયોડોર રૂઝવેલ્ટે રશિયા અને જાપાન વચ્ચેનું યુદ્ધ બંધ કરવામાં અને સંધિ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. અનેક કપરા આંતરરાષ્ટ્રીય નિર્ણયો લેતી વખતે થિયોડોર રૂઝવેલ્ટના દિવસો મૂંઝવણમાં પસાર થતા. તેઓ ચિંતિત હોય ત્યારે ખુરશી પર ટેકો દઈને બેસી રહેતા. એ પછી અમેરિકન પ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં તેમના ડેસ્ક પાછળ ટીંગાડેલા અબ્રાહમ લિંકનની મોટા કદની તસવીર તરફ થોડી વાર જોઈ રહેતા. તેઓ વિચારતા કે અબ્રાહમ લિંકને કેવી દૃઢતા અને નિર્ભયતાથી અમેરિકાને છિન્નભિન્ન થતું બચાવી લીધું. સાહસિક નિર્ણયશક્તિ દાખવીને લાખો ગુલામોને કાયદેસરની મુક્તિ અપાવી. કેવા સંઘર્ષો ખેડીને એમણે દેશહિતના નિર્ણયો કર્યા. આમ અબ્રાહમ લિંકન એમના પ્રેરણાસ્રોત હતા અને પછી તસવીર નિહાળ્યા બાદ થિયોડોર રૂઝવેલ્ટ પોતાની જાતને પ્રશ્ન કરતા, ‘મારી જગાએ અબ્રાહમ લિંકન હોય તો શું કરે? આ સમસ્યાનો તેઓ કઈ રીતે ઉકેલ શોધે ?’ અને પછી અબ્રાહમ લિંકનના ગુણો અને કાર્યપદ્ધતિનું સ્મરણ કરતાં એમને કપરી પરિસ્થિતિ પાર કરવાનો ઉકેલ મળી રહેતો.