Categories
વાચન સમૃદ્ધિ

સત્યનારાયણ ગોયન્કા

જ. ૩૦ જાન્યુઆરી, ૧૯૨૪ અ. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૩

વિપશ્યના ધ્યાન માટે પ્રસિદ્ધ ગુરુ સત્યનારાયણનો જન્મ બર્મામાં થયો હતો. તેમનો ઉછેર હિન્દુ સનાતની મારવાડી કુટુંબમાં થયો હતો. ૧૯૫૫ સુધી તેઓ સફળ વ્યવસાયી હતા. ૩૧ વર્ષની વયે તેઓને આધાશીશી નામનો શિરદર્દનો વ્યાધિ થયો હતો. એનાથી છુટકારો મેળવવા તેઓએ જાતભાતના પ્રયાસો કર્યા પણ તેઓને ઉચિત રાહત મળી નહીં. ત્યારબાદ એક મિત્રના કહેવાથી તેઓ વિપશ્યનાના શિક્ષણ સયાગ્ગી યુ બા ખીનને મળ્યા. જેણે વિપશ્યનાથી તેમનું દર્દ મટાડ્યું. ત્યારબાદ સત્યનારાયણને વિપશ્યના શીખવાનું મન થયું. તેઓને વિદ્યાર્થી તરીકે સ્વીકારી ૧૪ વર્ષ સુધી તાલીમ આપી. ૧૯૬૯માં ગોયન્કા વિપશ્યનાની તાલીમ લઈ કાબેલ થઈ ગયા. તેમને શિક્ષક તરીકે તે વિદ્યા બીજાને શીખવવાની રજા મળી. હવે ગોયન્કા પોતાનો ધંધો તેમના કુટુંબને સોંપી ભારત આવ્યા. ભારતમાં હૈદરાબાદમાં આવેલ કુસુમનગરમાં પ્રથમ વિપશ્યના સેન્ટર ખોલ્યું, તેનાં સાત વર્ષ પછી ૧૯૭૬માં નાશિક પાસે આવેલ ઇગતપુરીમાં પ્રથમ મેડિટેશન સેન્ટર ખોલ્યું જેમાં ગોયન્કાએ લોકોને મેડિટેશન શીખવ્યું. આ રીતે પોતાના ગુરુના આગ્રહને લીધે વિપશ્યનાને તેના મૂળ સ્થાન ભારતમાં ફરીથી લાવ્યા. વિપશ્યના એક પ્રકારની સાધના છે જેને ભગવાન બુદ્ધે અઢી હજાર વર્ષ પહેલાં શોધી હતી અને તે માણસોનાં દુ:ખોનું નિવારણ કરવાની એક પ્રક્રિયા છે. ગોયન્કાજી પોતાનાં પ્રવચનો દ્વારા સમજાવે છે કે આ શિક્ષા વડે માણસ પોતે પોતાનાં દુ:ખોનું નિયંત્રણ કરી શકે છે. આજે વિશ્વમાં આ શિક્ષાનો અભ્યાસ વીડિયોના માધ્યમથી કરાવી શકાય છે. ૨૦૧૨માં તેઓને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જિયોલૉજિકલ સર્વે ઑફ

ઇન્ડિયા ================================

ભારતમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી સઘળી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ પ્રમુખ સંસ્થા. મુખ્ય મથક કૉલકાતા. તેની સ્થાપના ૧૮૫૧માં પૂર્વ ભારતમાં કોલસાના પૂર્વેક્ષણ (prospecting) માટે થઈ હતી. તેના દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો સહિત ભારતના ભૂસ્તરશાસ્ત્રીય, ભૂરાસાયણિક અને ભૂભૌગોલિક નકશાઓ (ધરા અને વાયુસહિત) તૈયાર થયા છે અને તેણે દેશના જુદા જુદા ભાગના સખત ખડક પ્રદેશ (hard rock terrain)ના ૬૮,૦૦૦ કિમી. જેટલા વિસ્તારના નકશા (mapping) તૈયાર કર્યા છે. ભૂસ્તરીય મોજણી દ્વારા તે સંસ્થા વિવિધ ખડકોની સ્તરરચના, સ્તરભંગ, ભૂગેડ, ખનિજ-ઉદભવસ્થાન અને ભૂપૃષ્ઠ-બંધારણનો અભ્યાસ કરે છે. હાલ તેના ઉપક્રમે કુદરતી વાયુ અને તેલ તેમજ પરમાણ્વીય ખનિજો સિવાયનાં ખનિજોનાં અન્વેષણ (exploration) અને મૂલ્યાંકન (evaluation), ભૂપ્રાવિધિક (geotechnical) અન્વેષણ તેમજ ભૂવિદ્યાઓ (earth sciences) અને સંબંધિત વિજ્ઞાનની અન્ય શાખાઓ; જેવી કે, ભૂકાલલેખન (geochron-ography), સ્તરવિજ્ઞાન (stratigraphy), જીવાવશેષશાસ્ત્ર (palaeontology), ખડકવિદ્યા (petrology), દૂરસંવેદન (remote sensing), ખનિજવિજ્ઞાન (mineralogy), ભૂરસાયણ (geochemistry), વૈશ્લેષિક રસાયણ અને ભૂભૌતિક વિજ્ઞાનમાં મૂળગત અને પ્રયુક્ત (applied) – એમ બંને પ્રકારનું સંશોધન ચાલી રહ્યું છે. તદુપરાંત તે ભૂતાપીય(geothermic) ક્ષેત્ર, હિમનદવિજ્ઞાન (glaciology), ભૂકંપશાસ્ત્ર (seismology), પ્રકાશ-ભૂસ્તરશાસ્ત્ર (photo-geology) વગેરેમાં પણ વિશિષ્ટ સંશોધન હાથ ધરી રહેલ છે. સંસ્થાની હૈદરાબાદ અને જયપુરસ્થિત પ્રયોગશાળાઓ ખનિજ પૃથક્કરણમાં કાર્યરત છે. આ ઉપરાંત તે વિવિધ ઇજનેરી પરિયોજનાઓમાં નિષ્ણાત તકનીકી સલાહનું પ્રદાન તેમજ ખનન, જમીન ઉપરાંત નદીઓ અને જંગલોના ઉપયોગ તથા રણનિયંત્રણ વગેરે સાથે સંબદ્ધ ભૂપર્યાવરણીય (geo-environmental) અભ્યાસના ક્ષેત્રમાં પણ પ્રવૃત્તિશીલ છે. એન્ટાર્કટિકાનાં અભિયાનો(expeditions)માં પણ તે પ્રથમથી જ ભાગ લઈ રહેલ છે.

જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા, કૉલકાતા

સંસ્થામાં કાર્ય કરતા ભૂસ્તરશાસ્ત્રીઓ, ભૂવૈજ્ઞાનિકો, ખનિજ ઇજનેરો વગેરેની ભરતી કેન્દ્રીય સેવા પસંદગી સમિતિ દ્વારા લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોમાંથી કરવામાં આવે છે. સંસ્થાનું સંચાલન ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિભાગોનાં વડાં મથકો અનુક્રમે લખનૌ, હૈદરાબાદ, રાયપુર અને જયપુર વચ્ચે વહેંચાયેલ છે. સંસ્થાનાં ૬ પ્રાદેશિક કાર્યાલયો, ૨૯ સર્કલ કાર્યાલયો અને ૨૫ જેટલી વિશિષ્ટ એજન્સીઓ છે. વિભાગોના કાર્યપાલકો તેમના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં કેન્દ્રીય ભૂસ્તરીય પ્રોગ્રામિંગ બોર્ડની મંજૂરી અન્વયે રાષ્ટ્રીય અગ્રિમતા મુજબ ભૂસ્તરીય મોજણીની જુદી જુદી યોજનાઓ કાર્યાન્વિત કરે છે. ખાણ-મંત્રાલયની ખનિજ અંગેની સમિતિઓમાં આ સંસ્થાના પ્રતિનિધિ સદસ્ય હોય છે, જ્યારે રાજ્યસરકારના ભૂસ્તરીય કાર્યક્રમ અંગેના બોર્ડમાં જે તે વિભાગના વડા સદસ્ય તરીકે હોય છે. સંસ્થા દ્વારા તેની જુદી જુદી પ્રાદેશિક શાખાઓ કે પાંખો દ્વારા એકઠા કરાયેલા આંકડાઓ એકત્રિત કરી તેમનું સમાનુકરણ (collation) અને પ્રક્રમણ (processing) કર્યા બાદ તેમનું વિતરણ (dissemination) કરવામાં આવે છે. વૈજ્ઞાનિક માનવબળના વિકાસાર્થે સંસ્થા દ્વારા તાલીમ કાર્યક્રમો ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. આમ તે ભારતીય સંસ્થાઓ તેમજ ESCAPના સભ્ય દેશોને મદદ કરી રહી છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

જયંતીભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટ

Categories
વાચન સમૃદ્ધિ

રોમાં રોલાં

જ. ૨૯ જાન્યુઆરી, ૧૮૬૬ અ. ૩૦ ડિસેમ્બર, ૧૯૪૪

વીસમી સદીના મહાન આધ્યાત્મિક સાધક, નવલકથાકાર, નિબંધકાર અને નાટ્યકાર રોમાં રોલાંનું પૂરું નામ રોમાં એદમે પોલ એમિલ રોલાં હતું. ૧૪ વર્ષની વયે તેઓ પૅરિસમાં અભ્યાસ અર્થે ગયા હતા. ઈકૉલ નૉર્મેલ સુપિરિયરમાં પ્રવેશ મેળવી તેમણે સાહિત્ય, સંગીત અને તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ૨૯ વર્ષની વયે તેમણે લખેલ સંશોધનાત્મક પ્રબંધ ‘લે ઓરિજિન્સ દુ થિયેતર લિરિક મૉદર્ન’ને ફ્રેન્ચ અકાદમી તરફથી પારિતોષિક પ્રાપ્ત થયું હતું. રોમાં થોડો સમય શિક્ષક પણ રહ્યા હતા. રોમાં રોલાંના સંગીત પરના વિવેચનની નોંધ યુરોપમાં લેવાતી હતી. ‘સમ મ્યુઝિશિયન્સ ઑવ્ ફૉર્મર ડેઝ’(૧૯૦૮)માં તેમના સંગીત વિષય પરના નિબંધો છે. સંગીત ભાવકને જીવનના મૂળ સ્રોતો સુધી કેવી રીતે લઈ જાય છે તે તેમણે આ નિબંધોમાં સુપેરે દર્શાવ્યું છે. આ સિવાય ‘બીથોવન’ (૧૯૦૩), ‘હેન્દેલ’ (૧૯૧૦), ‘માઇકલૅન્જેલો’ (૧૯૦૫-૦૬) અને ‘ટૉલ્સ્ટૉય’ (૧૯૧૧) તેમણે લખેલાં નોંધપાત્ર જીવનચરિત્રો છે. ‘ધ પીપલ્સ થિયેટર’ નામના પુસ્તકમાં તેમણે નવી રંગભૂમિ વિશેના વિચારો સ્પષ્ટ કર્યા છે. રોમાં રોલાંએ ૧૯૦૪થી ૧૯૧૨ દરમિયાન ‘જ્યૉં-કિસ્તોફ’ નામની મહાન નવલકથાનું સર્જન કર્યું હતું. જે જર્મન સંગીતકારના જીવનનું ગદ્યમાં લખાયેલું મહાકાવ્ય છે. આ વિરાટ નવલકથાએ તેમને ૧૯૧૫નું નોબેલ પારિતોષિક અપાવ્યું હતું. આ નવલકથામાં આવતાં ‘પરોઢ’, ‘સવાર’, ‘યુવાની’, ‘બંડ’, ‘બજાર’, ‘પ્રેમ અને મૈત્રી’ જેવા વિષયોનાં વર્ણનો તેમના સાહિત્યસર્જનનાં અદભુત દૃષ્ટાંતો છે. ત્યારબાદ ‘ધ સૉલ એન્ચેન્ટેડ’ (૧૯૨૨થી ૧૯૩૩) સાત ભાગમાં લખાયેલી નવલકથા છે. રોમાં રોલાંએ ૧૯૨૪માં ‘ગાંધી’નું જીવનચરિત્ર લખેલું. તેમને ગાંધીજીની અહિંસાની વાત ખૂબ ગમી ગઈ હતી. પહેલી મુલાકાતે તેમને ગાંધીજી સેંટ ડોમિનિક અને સેંટ ફ્રાંસિસ જેવા લાગેલા. મીરાબહેનને ગાંધીજીનો પરિચય પણ તેમણે કરાવ્યો હતો. તેમણે મીરાબહેનને કહેલું કે ગાંધીજી એ તો બીજા ઈશુ ખ્રિસ્ત છે. આ એક જ વાક્યે ઇંગ્લૅન્ડના નૌકાદળના અધિકારીની દીકરીને ગાંધીજીની ભક્ત બનાવી દીધી હતી. જીવનનાં છેલ્લાં વર્ષોમાં રોમાં વેઝલેમાં રહેતા હતા. જ્યાં બાળપણથી લાગુ પડેલા ક્ષયરોગને લીધે તેમનું અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી