Categories
વાચન સમૃદ્ધિ

શેરડી

ધાન્ય કુળની એક ઊંચા તૃણસ્વરૂપવાળી વનસ્પતિ.

તેના સાંઠા જુદી જુદી જાડાઈ અને આછા કે ઘેરા લીલાથી માંડી ઘેરો પીળો, રતાશ પડતો કે જાંબલી રંગ ધરાવે છે. આ સાંઠામાં રેસા ઓછા અને ખાંડ (સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ) વધારે હોય છે. તેનાં પાન સાદાં, મોટાં, લાંબાં-સાંકડાં, પટ્ટી આકારનાં અને એકાંતરે ગોઠવાયેલાં હોય છે. પુષ્પોનો સમૂહ મોટો અને પીંછાં જેવો હોય છે. શેરડી તીવ્ર પ્રકાશમાં પણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી શકે છે. તેનો પ્રકાશસંશ્લેષણનો દર વધારે ઝડપી હોવાથી તે ઘણું વધારે ઉત્પાદન આપે છે. તેના પાકને ગરમ ભેજવાળી આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૭૫૦-૧૦૦૦ મિમી. વરસાદવાળા વિસ્તારની આબોહવા સૌથી ઉત્તમ ગણાય છે. તે સારી નિતારવાળી મધ્યમ કાળી કે ગોરાડુ જમીનમાં સારી રીતે થાય છે. વધારે ક્ષારવાળી ઍસિડિક જમીન શેરડી માટે અનુકૂળ આવતી નથી. શેરડીના રસમાં ખાંડનું પ્રમાણ ૧૨-૧૫ % જેટલું અને તેની સારી જાતોમાં લગભગ ૨૦-૨૧ % જેટલું હોય છે. શેરડીના રસમાં વિટામિન B-સંકુલ અને વિટામિન D સારા પ્રમાણમાં હોય છે.

શેરડીનું ખેતર

તે એક લાંબા ગાળાનો અગત્યનો રોકડિયો પાક છે. કૃષિ-આધારિત કાપડ-ઉદ્યોગ પછી ખાંડ-ઉદ્યોગ બીજા ક્રમે આવે છે. દુનિયામાં થતા ખાંડના ઉત્પાદન પૈકી લગભગ ૬૦ % ખાંડ શેરડીમાંથી બને છે. શેરડીમાંથી ખાંડ અને ગોળ પ્રાપ્ત કર્યા પછી આશરે ૩૦-૩૫ % જેટલા શેરડીના કૂચા મળે છે. આ કૂચાઓનો ઊર્જાના સ્રોત તરીકે અને બળતણ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. કૂચામાંથી પૂંઠાં, ફિલ્ટર-પેપર વગેરે બને છે. કૂચામાંથી મળતી રાખ ખાતર તરીકે વાપરવામાં આવે છે. રાખમાંથી ઊંચી ગુણવત્તાવાળા ગ્લાસ બનાવી શકાય છે. ગોળની રસી (મૉલૅસિઝ) સૌથી સસ્તો કાર્બોદિત પદાર્થનો સ્રોત છે. તે પશુઓ અને મરઘાંના આહારમાં ચોક્કસ પ્રમાણમાં વાપરી શકાય છે. શેરડીના કૂચાનાં કે ગોળની રસીનાં ચોસલાં બનાવી ખાણ-દાણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ગોળની રસીમાંથી પેટ્રો-રસાયણો પણ બનાવી શકાય છે. શેરડીનાં મૂળિયાં અને સૂકાં પાનમાંથી ખાતર બનાવવામાં આવે છે. શેરડીના સાંઠાના કટકા કરી ચાવીને ખાઈ શકાય છે. શેરડીનો રસ ઠંડો, મીઠો તથા તૃપ્તિ અને આનંદ આપનાર છે. તે બળવર્ધક છે અને થાક દૂર કરે છે. આયુર્વેદમાં નવા ગોળ કરતાં જૂનો ગોળ ઔષધો બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. શેરડીનો કમળામાં, સૂર્યના તાપથી લૂ લાગવા ઉપર, આંખ અને મૂત્ર સંબંધી રોગો, કાચ કે કાંટો વાગ્યો હોય અથવા કાનખજૂરો કરડે ત્યારે, હેડકી અને ઘૂંટીના દર્દમાં ઉપયોગ કરવામાં આવે છે. દિનપ્રતિદિન ખાંડની વધતી જતી માંગ અને તેના થઈ રહેલા ભાવવધારાથી શેરડીની ખેતીનું મહત્ત્વ ઘણું વધ્યું છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જાત્રા

બંગાળી લોકનાટ્યનો એક પ્રકાર. તે મધ્યકાળથી શરૂ થઈ આજ સુધી જુદે જુદે સ્વરૂપે પ્રવર્તમાન રહ્યો છે. ભૂતકાળમાં કોઈ ઉત્સવ પ્રસંગે ભક્તો નાચતાંગાતાં, સરઘસાકારે એક સ્થળેથી બીજે સ્થળે જતાં. સમય જતાં તેમાં પુરાણોમાંથી કે કોઈ દંતકથામાંથી વાર્તાને જોડવામાં આવી, અને તેમાંથી ઉદભવ્યું જાત્રા–નાટક. આ જાત્રા તે લોક-રંગભૂમિ. તે ગામડાંમાં લોકોને મનોરંજન તેમજ ઉપદેશ પૂરાં પાડતી. અભિનય, પોશાક, રૂપસજ્જા (મેકપ) ટૅકનિક વગેરે બાબતમાં જાત્રાનો સ્તર નિમ્ન હતો. વળી રંગમંચ તો હતો જ નહિ. પણ પ્રેક્ષકો અને અભિનય વચ્ચેનું અનુસંધાન સંપૂર્ણ હોવાથી શ્રોતા-પ્રેક્ષકને ખૂબ આનંદ મળતો. મધ્યકાળમાં ઘણી વાર જાત્રાને નટ-ગીત કે ગીત-નટ પણ કહેવામાં આવતું, જેમાં જુદાં જુદાં પાત્રો પ્રેક્ષકો સમક્ષ આવી તેમની ભૂમિકાનો ભાગ ગાતાં.

લોકનાટક, લોકગીત, લોકનૃત્ય જેવાં તત્ત્વો જાત્રામાં ભળ્યાં. ‘મંગળચંડી’ અને ‘મનસા’નાં ગીતો આ રીતે ગવાતાં. ‘ગંભીર’, ‘ગજેગણ’, ‘ઝુમુર’, ‘પાંચાલી’ અને ‘ધમાલી’માં જાત્રાનાં લક્ષણો હતાં, જે પાછળથી પૂર્ણવિકસિત જાત્રા–નાટકમાં પરિણમ્યાં.

ચૈતન્યના સમય પહેલાં ભજવાતી જાત્રાઓ ચંડી જાત્રાઓ અથવા રામ-જાત્રાઓ હતી. પણ ચૈતન્ય પછી, રાધા-કૃષ્ણના દૈવી પ્રેમને નિરૂપતી અથવા ચૈતન્યના સંન્યાસને પ્રગટ કરતી જાત્રાઓ  સ્તિત્વમાં આવી. કૃષ્ણ-જાત્રા ‘કાલિયદમન’ નામથી વધુ પ્રચલિત બની. લાંબી પરંપરા પણ રહી, જેમાં ગોવિંદ અધિકારી આ ‘કાલિયદમન’ના બહુ મોટા પ્રણેતા થયા; તે પોતે વૃંદા દૂત્તીની ભૂમિકા ભજવી શ્રોતાઓને રમૂજભર્યાં કથનોથી રંજન પૂરું પાડતા. ‘કાલિયદમન’ જાત્રા-પ્રકાર ચીલાચાલુ બનતાં, ‘સખાર જાત્રા’ નાટક જન્મ્યું, જેમાં હાસ્યગીતો વધારે હતાં. ધાર્મિક મનોવૃત્તિવાળા બંગાળીઓને આ બહુ રુચ્યું નહિ; પરિણામે ધાર્મિક-જાત્રા જેવું ‘ગીતાભિનય’ જાત્રા વિકસ્યું જેમાં રંગમંચ પરના નાટક અને જાત્રાનો સમન્વય કરીને ખુલ્લી જગ્યામાં તેમજ રંગમંચ પર ભજવવામાં આવતાં. મોતીલાલ રાય (૧૮૪૩-૧૯૧૧) ‘ગીતાભિનય’ જાત્રાના પ્રખ્યાત ઉદગાતા થયા. પછી તો, જાત્રા રંગમંચીય પદ્ધતિઓને પણ પ્રયોજવાનું શરૂ કરે છે, ધાર્મિક-પૌરાણિક કથાઓ ઉપરાંત ઐતિહાસિક વિષયો પણ જાત્રામાં લેવામાં આવે છે, દા.ત., ‘પદ્મિની’. લોકજાગૃતિ માટેનું પ્રભાવશાળી માધ્યમ હોવાથી, મુકુંદદાસે (૧૮૮૮-૧૯૩૪) જાત્રા–નાટકને ‘સ્વદેશી જાત્રા પાર્ટી’ નામ આપીને ગામડાંમાં રાષ્ટ્રભાવના જગાડી. જોકે આધુનિક જાત્રા પરંપરાગત જાત્રાથી તદ્દન ભિન્ન થઈ ગઈ છે; તે હવે શિક્ષણ, નીતિ વગેરેના પ્રચારનું લોકમાધ્યમ રહ્યું નથી. આજે ‘બંગાળી જાત્રા’ એ રંગભૂમિનો જ નવો અવતાર છે. ઉત્પલ દત્ત અને રામેન લાહિરી જેવા રંગભૂમિના મોટા અભિનેતાઓ અને લેખકોએ જાત્રા-નાટકો લખ્યાં છે અને તેમાં ભૂમિકા ભજવી છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

અનિલા દલાલ

Categories
વાચન સમૃદ્ધિ

શૅરબજાર

શૅરો અને જામીનગીરીઓ(Securities)ના ખરીદ-વેચાણ માટે માન્ય, સુસંગઠિત, સ્વાયત્ત સંસ્થા. શૅરબજારનો હેતુ શૅરો અને જામીનગીરીઓના કામકાજમાં પ્રવૃત્ત સંસ્થાઓ અને રોકાણકારો વચ્ચે કડીરૂપ બની તેના ખરીદ-વેચાણ તથા લેવડ-દેવડ માટે યોગ્ય ભૂમિકા અને સુવિધા પૂરી પાડવાનો છે. તે કામ માટે કેટલાંક શૅરબજારોએ જાહેર લિમિટેડ કંપનીઓ, ગૅરંટી સાથેની લિમિટેડ કંપનીઓ અને સ્વાયત્ત મંડળોની સ્થાપના કરી છે. આમ શૅરબજાર એ લોકોની બચત અને ઔદ્યોગિક મૂડીરોકાણ વચ્ચે મહત્ત્વની કડી બની નાણાંની તરલતા પૂરી પાડે છે. સામાન્ય રીતે લોકો બચત કરવા માટે સ્થાવર (જમીન અથવા મકાન), જંગમ (સોના, ચાંદી — ઝવેરાત) મિલકતોમાં તથા શૅરો અને જામીનગીરીઓમાં નાણાંનું રોકાણ કરે છે. શૅરો અને જામીનગીરીઓમાં રોકાણ અને વેચાણ માટે શૅરબજાર તથા શૅરદલાલોની જરૂરિયાત ઊભી થઈ.

મુંબઈના શૅરબજારની ઇમારત

ભારતમાં શૅરબજારનો આરંભ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શૅરોની ફેરબદલીથી થયો હતો. ઈ. સ. ૧૮૭૫માં મુંબઈ સ્ટૉકએક્સ્ચેન્જની સ્થાપના થઈ, જે એશિયામાં પહેલું જ સ્ટૉકએક્સ્ચેન્જ હતું. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઘણીબધી સંગઠિત કંપનીઓની સ્થાપના સાથે શૅરો બજારમાં આવતાં ચેન્નાઈ, દિલ્હી, નાગપુર, કાનપુર, હૈદરાબાદ અને બૅંગાલુરુમાં પણ શૅરબજારો શરૂ થયાં; પણ કાયદાનું કોઈ નિયંત્રણ ન હોવાથી તેમની પ્રવૃત્તિ મોટા ભાગે સટ્ટાલક્ષી રહેતી હતી. શ્રી. જી. એસ. પટેલ કમિટીની ભલામણોને અનુલક્ષીને કેન્દ્રસરકારે ભારતીય જામીનગીરી નિયંત્રણ મંડળ (Securities and Exchange Board of India – SEBI) – સેબીની સ્થાપના કરી. તેને શૅરબજારની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને અંકુશ રાખવાની સત્તા આપવામાં આવી. તેનું ધ્યેય શૅરબજારોનો વિકાસ તેમ જ નિયમન અને નિયંત્રણ દ્વારા રોકારણકારોનાં હિતોની રક્ષા કરવાનું હતું. દરેક શૅરબજારે સેબીને લવાજમ ભરીને માન્યતા મેળવવી ફરજિયાત હોય છે, વળી તેમણે તેમની પ્રવૃત્તિઓનો ઑડિટ-રિપોર્ટ તેમ જ મુશ્કેલીઓ વગેરેની માહિતી સમયાંતરે સેબીને મોકલવી ફરજિયાત બની રહે છે.શૅરબજારમાં શૅરોના દૈનિક ભાવમાં ચઢાવ-ઉતારને દર્શાવતો આંક શૅરભાવસૂચકાંક (Price Index) તરીકે જાણીતો છે. આ સૂચકાંક રોજ ટેલિવિઝન તથા અખબારોમાં વાંચવા મળે છે, જે શૅરોના ભાવની વધઘટનો અંદાજ આપે છે. રાષ્ટ્રીય શૅરબજારમાં નોંધાયેલ શૅરોમાંથી પસંદ કરેલ ૫૦ અગ્રશૅરોના ભાવની સરેરાશનો સૂચકાંક નિફ્ટી (NIFTY) તરીકે જાણીતો છે. મુંબઈ શૅરબજારમાં નોંધાયેલ શૅરોમાંથી પસંદ કરેલ ૩૦ શૅરોના ભાવોનો સૂચકાંક બીએસઇ (BSE) ઇન્ડૅક્સ તરીકે જાણીતો છે. આઝાદી મળી ત્યારે ભારતમાં ૭ શૅરબજારો હતાં. અત્યારે અમદાવાદ, મુંબઈ, બૅંગાલુરુ, કૉલકાતા, દિલ્હી, ચેન્નાઈ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં ઉપરાંત નૅશનલ સ્ટૉકએક્સ્ચેન્જ ઑવ્ ઇન્ડિયા લિમિટેડ(મુંબઈ)  શૅરબજારો આવેલાં છે. શૅરબજાર કોઈ પણ દેશના અર્થતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે શૅરબજારમાં ભાવાંક ઉપર જાય ત્યારે તે દેશમાં વેપાર-ધંધામાં રોકાણકારો વધુ સક્રિય થાય છે. આથી જ જ્યારે શૅરબજારમાં ભાવાંક ઉપર જાય ત્યારે દેશનું અર્થતંત્ર પણ પ્રગતિ કરતું હોવાનું મનાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

રાજશ્રી મહાદેવિયા