Categories
વાચન સમૃદ્ધિ

શીમળો

ભારતમાં ઘણાખરા ભાગોમાં ઊગતું એક મોટું વૃક્ષ.

શીમળાનાં બીજાં નામોમાં ‘શાલ્મલી’ (સં.), ‘સેમલ’ (હિં.) અને ‘સિલ્ક કૉટન ટ્રી’(અં.)નો સમાવેશ થાય છે.

આ વૃક્ષો ઘણાં ઊંચાં (૪૦ મી. સુધી) અને ખૂબ ફેલાયેલાં હોય છે. આ વૃક્ષનું મુખ્ય થડ ૨૪-૩૦ મી. ઊંચું હોય છે. તેના પર શંકુ આકારના સખત અને મજબૂત કાંટા આવેલા હોય છે. થડનો ઘેરાવો ૬.૦ મી. કે તેથી વધારે હોય છે. થડના નીચેના ભાગે આધાર આપતી પહોળી રચનાઓ આવેલી હોય છે. તેની શાખાઓ મોટી હોય છે અને આડી ચક્રાકારે ફેલાયેલી હોય છે. તેનાં પાન મોટાં અને પંજાકાર, સંયુક્ત પ્રકારનાં હોય છે. દરેક પાન ૫-૭ ભાલાકાર પર્ણિકાઓનું બનેલું હોય છે. શિયાળામાં તમામ પાન પાકીને ખરી જાય છે ત્યારે ઝાડ ઠૂંઠા જેવું લાગે છે. વસંત ૠતુમાં ઝાડ પર જ્વાળાઓના જેવાં લાલ રંગનાં આકર્ષક મોટાં ફૂલ આવે છે. તેનાથી આખું ઝાડ ભરાઈ જાય છે અને તે દૂરથી અત્યંત સુંદર લાગે છે. શીમળાના ઝાડ પર ત્યારે વિવિધ પક્ષીઓ ફૂલનો મીઠો રસ પીવા આવે છે. તેના ફૂલનો આકાર નાની પ્યાલી જેવો હોય છે. તે પાંચ પાંખડીઓ ધરાવે છે. તેની ઉપર શાખાઓને છેડે લીલા રંગનાં ઊભાં સોગઠાં હોય તેવાં નાનાં ફળ આવે છે. ત્યારબાદ આ ફળ લંબગોળ આકારનું થાય છે. તેની અંદર પાંચ પોલાણો અને પાંચ પડદા હોય છે. જ્યારે ફળ ફાટે ત્યારે તેમાંથી અસંખ્ય બીજ નીકળે છે. તેમની ફરતે ખૂબ મૃદુ, ચળકતા, આછા સફેદ રંગના ઘટ્ટ, રેશમી રેસાઓ આવેલા હોય છે. બીજનો પવન દ્વારા દૂર દૂર સુધી ફેલાવો થાય છે. ચોમાસામાં જમીન પર પડેલાં બીજ અંકુરણ પામે છે.

શીમળાનું વૃક્ષ

તેના મૂળને ‘મૂસલા’ કે ‘સેમૂલ મૂસલા’ કહે છે. તેઓ રસદાર અને કંદ જેવાં હોવાથી ભૂંજીને ખાવાના ઉપયોગમાં લેવાય છે. ફૂલોની કળીઓને ‘સેમરગુલ્લા’ કહે છે. તેનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. તેનું લાલ રંગનું કાષ્ઠ સફેદ રંગના કાષ્ઠ કરતાં ઊંચી ગુણવત્તાવાળું ગણાય છે. તેનો ઉપયોગ દીવાસળીનાં ખોખાં, પ્લાયવૂડ, રમકડાં, બ્રશના હાથા, ચા તથા ફળનાં ખોખાં બનાવવામાં અને બળતણ તરીકે થાય છે. શીમળાના રેસા રૂનું કામ આપે છે. તેમને જીવાત ન લાગતી હોવાથી તેમનો રજાઈ, ગાદી, તકિયા અને ઓશીકાં ભરવામાં ઉપયોગ થાય છે. શીમળાની છાલ અને થડમાંથી નીકળતો ગુંદર ઔષધ તરીકે ઉપયોગી છે. તે રક્તપિત્ત, ઉગ્ર મરડો, ફેફસાંનો ક્ષય અને ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોની સારવારમાં વપરાય છે. તેની છાલ ઘા ઉપર શેક કરવા માટે તથા તેનો મલમ ચામડી ઉપર થતા ફોલ્લાઓ પર લગાડવામાં આવે છે. છાલના રેસામાંથી દોરડાં બનાવાય છે. બીજમાંથી નીકળતું તેલ પીળા રંગનું હોય છે. તે કપાસિયાના તેલની અવેજીમાં, સાબુની બનાવટમાં અને દીવામાં વપરાય છે. બીજના ખોળમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોવાથી ઢોરોનો તે ઉત્તમ ખોરાક છે.

શીમળો રસ્તાની બંને બાજુએ, ઉદ્યાનોમાં અને જંગલોમાં ઉગાડવામાં આવે છે. પુરાણો, કાવ્યો વગેરેમાં તેનો ઉલ્લેખ થયેલો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જળરંગ

ચિત્રકલાનું મહત્ત્વનું માધ્યમ. તેને માટે અંગ્રેજીમાં transparent water colour શબ્દ વપરાય છે. તેમાં પિગ્મેન્ટને ગુંદરથી બાંધવામાં આવે છે અને પાણી ઉમેરી પીંછી દ્વારા વાપરવામાં આવે છે. તૈલ રંગોની શોધ પૂર્વે ઘણા દેશોમાં આ માધ્યમ વપરાતું. આ માધ્યમ કાગળ અને સિલ્ક ઉપર વપરાયું છે. ભારતમાં બંગાળી ચિત્રકારોએ ઓગણીસમી અને વીસમી સદીમાં તેનો સારો એવો ઉપયોગ કર્યો. ચીન દેશમાં ઇન્ક અને વૉશ દ્વારા મોટા કદનાં સ્ક્રૉલ પેઇન્ટિંગ થયાં.

અંગ્રેજી ચિત્રકારો દ્વારા તથા ચીન અને એશિયાઈ દેશોમાં આ માધ્યમ ખૂબ વપરાયું. યુરોપના ચિત્રકારો મોટા ચિત્રના કી સ્કૅચમાં જળરંગનો ઉપયોગ કરતા. ડ્રૉઇંગમાં પણ તેના ઉઠાવ માટે વાપરતા. યુરોપમાં અઢારમી સદીમાં આ માધ્યમનો સારો ઉપયોગ થયો.

ચિત્રકાર વિન્સ્લો હોમરનું એક ચિત્ર

જળરંગમાં પારદર્શક અને અપારદર્શક રંગો વપરાય છે. વધુ મહત્ત્વ પારદર્શક રંગોને આપવામાં આવે છે. પારદર્શક જળરંગમાં એક રંગના પટ પર બીજો રંગ ચડાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં નીચેનો રંગ અને કાગળની તેજસ્વિતા રહે છે. આ રીતે રંગને પાણીથી ખૂબ પાતળા કરી વાપરવામાં આવે છે. તેને વાપરવાની બે પદ્ધતિ છે. ભીની સપાટીમાં રંગો સરસ રીતે મળે અને ભળી જઈ સરસ ઉઠાવ આપે ને જ્યારે સૂકી સપાટી પર વિલક્ષણતા સ્પષ્ટ કરી આપે. તેની સામાન્ય રીત એ આછા રંગ પર ઘેરો રંગ ચડાવવાની હોય છે. પૂર્વે એક પદ્ધતિમાં એક જ રંગમાં ચિત્ર તૈયાર કરી તે પર બીજા રંગો ચડાવતા. આજે હવે મુક્ત રીતે તે માધ્યમ વપરાય છે. ફ્રેસ્કો પદ્ધતિમાં જળરંગનો ઉપયોગ થતો. યુરોપમાં પેઇન્ટીના અંડર પેઇન્ટિંગમાં પણ જળરંગ વપરાતા. ફ્રેસ્કોમાં ચીનમાં જળરંગ સાથે તેના ખાસ પ્રકારનાં બ્રશ તૈયાર થયાં. જળરંગ માટેનાં રંગો અને બ્રશ વિન્સર ઍન્ડ ન્યૂટન કંપની ઉત્તમ કોટિનાં તૈયાર કરે છે.

પાઉલ સનબાય એ એનો જૂનો કલાકાર. તે ઉપરાંત જે. આર. કઝેન્સ, ટૉમસ ગિરટિન, જૉન સેલ કૉટમૅન, જે. એમ. ડબ્લ્યૂ. ટર્નર છે. ટર્નર જળરંગનો ખ્યાતનામ કલાકાર ગણાય છે. આલ્બર્ટ ડ્યુરર, જૅમ્સ, એમ. સી. બે, રે સ્મિથ, જ્હૉન કૉન્સ્ટેબલ, ક્લૉડ લૉરીન, હૉલમૅન હંટ, કવિ-ચિત્રકાર વિલિયમ બ્લેક, ઍન્થની વાનડાયેક કૉપ્લે, વિન્સ્લો હોમર વગેરે કલાકારોએ આ માધ્યમને ઉત્તમ રીતે વાપર્યું છે.

આ માધ્યમમાં બહુ જ ઓછા અર્થાત્ ૬થી ૧૨ રંગોથી પણ કામ ચાલે. સાધનો ખૂબ જ ઓછાં, ત્રણથી છ બ્રશ પૂરતાં ગણાય. પરિણામે કલાકારો કુદરતમાં જઈ દૃશ્યચિત્ર કરવામાં આ માધ્યમનો ઉપયોગ કરે છે. ભારતમાં બંગાળી ચિત્રકારોએ વૉશ મેથડથી જળરંગ દ્વારા ખૂબ સુંદર ચિત્રો કર્યાં. રાજપૂત અને મુઘલ કલામાં જળરંગો ટૅમ્પરા પદ્ધતિથી વપરાયા. ઓગણીસમી સદીમાં સૅમ્યુઅલ પલમૅટ અને ડી. જી. રોઝેટી નામાંકિત કલાકારો છે. વિન્સલર અને વિન્સ્લો હોમર પણ જાણીતા છે. સીઝાં જે અદ્યતન કલાના પિતા ગણાય છે તેણે જળરંગનું આ માધ્યમ નવીન રીતે વાપર્યું. ક્લી નામના કલાકારે પણ જળરંગમાં અગમ્ય કલા તરફનો અભિગમ અપનાવ્યો ને માધ્યમને ઉન્નત કક્ષાએ રજૂ કર્યું. જળરંગ વાપરવામાં ટૅકનિકધારી રીતે કેટલાક મુદ્દા મહત્ત્વના છે. ફલક તરીકે જુદા જુદા પોતવાળા કાગળો વાપરવા. ભારતમાં તેને ખાદી-પેપર કહે છે અને પરદેશમાં કોલ્ડ-પ્રેસ્ડ ઍસિડમુક્ત. રંગો પાતળા વાપરવા. ઝડપથી કામ કરવું જેથી રંગો એકબીજામાં ભળે. મૂળ ચિત્રમાં રંગ પૂરતાં પહેલાં ટુકડા પર રંગ મૂકવો જેથી પરિણામનો ખ્યાલ આવે. જરૂર પડ્યે સ્પંજનો ઉપયોગ કરી કાગળની સપાટી ભીની કરવી. આ માટે સામાન્ય રીતે ૨૫ કાગળનો પેપર બ્લૉક મળે છે અગર સારા જાડા કાગળની સ્કૅચબુક. કલાકારે પોતાને અનુકૂળ કદની સ્કૅચબુક તૈયાર કરાવવી. આ બાબતમાં ટર્નર ૧૦ સેમી.  ૧૮ સેમી.ના કદમાં સ્કૅચબુક રાખતો. નાના કદમાં એક જ દિવસમાં તે ૧૦ જેટલાં ચિત્રો કરતો. એ માનતો કે એક મોટા ચિત્ર કરતાં ૧૦ નાનાં કરવાં જરૂરી છે. ફિનિશિંગ વખતે નાનાં બ્રશ અને રંગો ભરવા મોટાં બ્રશ વાપરવાં.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નટુભાઈ પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

શિષ્ટાચાર

સભ્યતાપૂર્ણ ચાલચલગત – સદ્વ્યવહારવાળું વર્તન.

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તે સમાજમાં રહે છે. સમાજમાં પ્રસંગોપાત્ત, કેમ રહેવું, કેમ બોલવું, કેમ મળવું, કેમ વર્તવું વગેરે વ્યાવહારિક જીવન-સંબંધ સાથે સંકળાયેલા નિયમોને શિષ્ટાચાર કહે છે. શિષ્ટાચાર એટલે સુઘડ રીતભાત, સભ્ય રીતભાત અને સંસ્કારી આચાર. શિષ્ટાચારપાલનથી માન અને મોભો સચવાય છે. અંગ્રેજીમાં શિષ્ટાચારને ‘એટિકેટ’ કહે છે. તે મૂળ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. તેનો અર્થ ‘નાની ટિકિટ’ થાય છે. પહેલાં ફ્રાન્સમાં આમંત્રિતોને સમારંભમાં કેમ વર્તવું તેની સૂચનાવાળી ટિકિટ અપાતી. તે ઉપરથી આ શબ્દ પ્રચલિત બન્યો.

પ્રાચીન ભારતના ગ્રંથોમાં પણ શિષ્ટાચારના નિયમો આપેલા છે. સમાજના વિવિધ વર્ગોએ કેવું વર્તન કરવું એ એમાં વર્ણવેલું છે. બ્રહ્મચારી, ગૃહસ્થ, સાધુ, સંન્યાસી, રાજા વગેરેએ પાળવાના શિષ્ટાચારની ઝીણી વિગતો આપેલી છે. આજે પણ ઘણા અંશે આવા શિષ્ટાચારના નિયમો પળાય છે. મા-બાપ નાનપણથી બાળકોને સારી રીતભાત શીખવે  છે. ઓળખીતા મળે ત્યારે કેમ વર્તવું, મોટા લોકોને કઈ રીતે આદર આપવો, જમતી વખતે કેવી કાળજી રાખવી, વિવિધ પ્રસંગે કેવો પોશાક ધારણ કરવો વગેરેનો બાળકો-કિશોરો વગેરેને ખ્યાલ આપવામાં આવે છે.

દરેક સમાજમાં શિષ્ટાચારના પોતપોતાના નિયમો હોય છે. જોકે સમય જતાં તેમાં  જરૂરી ફેરફારો થતા રહેતા હોય છે. શિષ્ટાચારના નિયમો સામાજિક વ્યવહારની સરળતા માટે બનાવવામાં આવ્યા હોય છે. સમાજમાં બધા જેમ ફાવે તેમ વર્તન કરે તો અરાજકતા ફેલાઈ જાય. વાહનવ્યવહારના નિયમોનું પાલન કરવું એ પણ શિષ્ટાચાર જ ગણાય છે. ઍમ્બુલન્સને પ્રથમ જવા દેવાના નિયમને આંતરરાષ્ટ્રીય શિષ્ટાચાર ગણવામાં આવે છે. આરોગ્ય, સ્વચ્છતા અંગેના નિયમો પાળવા એ પણ શિષ્ટાચારનો જ એક ભાગ છે. ગાંધીજી લખે છે કે ‘પાણી, ભોજન કે વિવાહવ્યવહાર ફાવે ત્યાં ન કરવો એને હું શિષ્ટાચાર ગણું છું. તેમાં આરોગ્ય અને પવિત્રતાની રક્ષા રહેલી છે.’ વિશ્વમાં જોવા મળતી, પળાતી જુદી જુદી રીતભાતો નવાઈ પમાડે તેવી હોય છે. ચીની લોકો બીજાને મળે ત્યારે માથું હલાવે છે. જાપાની લોકો કમરથી વળે છે. એસ્કિમો લોકોમાં જમવા આવેલો મહેમાન જમ્યા પછી હોઠ વડે બુચકારો બોલાવે છે. આફ્રિકાની એક કોમમાં સામસામા એકબીજા પર થૂંકવાની પ્રથા છે ! પશ્ચિમમાં એકબીજાને મળે છે ત્યારે હૅટ ઉપાડી અભિવાદન કરવાની પ્રથા છે. શિષ્ટાચારમાં અભિવાદનનું ખૂબ મહત્ત્વ છે. વિધિવત્ ઉચ્ચારણ સાથે નમસ્કાર કરવા તેને અભિવાદન કહે છે. માનાર્થે ઊભા થવું તે પણ અભિવાદન છે. અભિવાદન યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને કરવું જોઈએ.

શિષ્ટાચારનો અતિ આગ્રહ જડતા લાવે છે. પ્રસંગોપાત્ત, સ્વાભાવિક બનવાથી ઘણી હળવાશ જળવાઈ રહે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ