જ. 3 નવેમ્બર, 1927 અ. 7 ઑક્ટોબર, 2007

જાણીતા અનુવાદક ઉમાબહેનનો જન્મ અમદાવાદમાં નાગર પરિવારમાં થયો હતો. માતા સૌદામિનીબહેન અને પિતા ગગનવિહારી મહેતા. સર લલ્લુભાઈ સામળદાસ તેમના દાદા થાય. પિતા ગગનવિહારી મહેતા ‘ટેરિફ કમિશન’ના અધ્યક્ષ, પ્રથમ પ્લાનિંગ કમિશનના સભ્ય અને 1952-58 દરમિયાન અમેરિકા ખાતે ભારતના રાજદૂત નિમાયા હતા. પિતા અને દાદાનો શૈક્ષણિક અને સંસ્કારવારસો ઉમાબહેનને પણ મળ્યો હતો. પિતાના વ્યવસાયને કારણે 1952 સુધી તેમનો નિવાસ કૉલકાતામાં હતો. માતૃભાષા ગુજરાતી હોવા છતાં પણ સમગ્ર શિક્ષણ તેમણે બંગાળી ભાષામાં લીધું. 1946માં કલકત્તા યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાનના વિષય સાથે સ્નાતક બન્યાં. 1946થી 1948 સુધી અમેરિકામાં કૉર્નેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો. જોકે તે સમયે નાદુરસ્ત તબિયતને કારણે પદવી પ્રાપ્ત કર્યા વિના જ સ્વદેશ પરત આવ્યાં. પિતા અમેરિકામાં ભારતના રાજદૂત નિયુક્ત થતાં 1952માં બે માસ માટે વૉશિંગ્ટનમાં નિવાસ કર્યો. 1953થી 1983 સુધી મુંબઈમાં રહ્યાં અને 1983થી અમદાવાદમાં સ્થાયી થયાં. તેઓ અર્થશાસ્ત્રી પ્રિયવદન રાંદેરિયા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. 1973થી 1978 સુધી ઉમાબહેને રશિયન ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેમણે કેટલીક કૃતિઓનો સુંદર અનુવાદ કર્યો છે. તેમણે અનુવાદ કરેલી જાણીતી કૃતિઓમાં ‘નવા યુગનું પરોઢ’ (2005), ‘રૂદાલી અને બીજી બાળવાર્તાઓ’, ‘કેટલીક બાળકથાઓ’, ‘ટૉલ્સ્ટૉયની વાર્તાઓ’, ‘દૂરનો માણસ અને બીજી વાર્તાઓ’ વગેરેનો સમાવેશ થાય છે. ‘નવા યુગનું પરોઢ’ એ સુનીલ ગંગોપાધ્યાયની નવલકથાનો અનુવાદ છે. આ અનુવાદ માટે તેમને 2005નો ‘દિલ્હી સાહિત્ય અકાદમી’ પુરસ્કાર મળ્યો હતો. તે ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય પરિષદનાં પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં.
શુભ્રા દેસાઈ


