Categories
વાચન સમૃદ્ધિ

નોર્મન ગિલ્બર્ટ પ્રીચાર્ડ

જ. 23 જૂન, 1875 અ. 30 ઑક્ટોબર, 1929

બ્રિટિશ ભારતીય રમતવીર અને અભિનેતા નોર્મન પ્રીચાર્ડનો જન્મ કૉલકાતામાં જ્યોર્જ પીટરસન પ્રીચાર્ડ અને હેલેન પ્રીચાર્ડને ત્યાં થયો હતો. તેમણે કૉલકાતાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. જુલાઈ, 1897માં સોવાબજાર સામે ઓપન ફૂટબૉલ ટુર્નામેન્ટમાં સેન્ટ ઝેવિયર્સ વતી રમતા પ્રથમ હૅટ્રિક મારી હતી. 1894થી 1900 સુદી પ્રીચાર્ડે સતત સાત વર્ષ સુધી બંગાળ પ્રાંત 100 યાર્ડસ સ્પ્રિન્ટ ટાઇટલ જીત્યું હતું અને 1898-99માં રેકૉર્ડ બનાવ્યો હતો. તેમણે 440 યાર્ડ ડેશ અને 120 યાર્ડસ્ હર્ડલ્સ પણ જીત્યા હતા. પ્રીચાર્ડ ઑલિમ્પિક રમતોમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી હતા અને ઑલિમ્પિક મેડલ જીતનાર અને એશિયન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર પણ પ્રથમ ખેલાડી હતા. તેમણે 1900 સમર ઑલિમ્પિક્સમાં બે રજત પદક જીત્યા હતા. 200 મીટર દોડમાં અને 200 મીટર હર્ડલ્સ દોડમાં તેઓ બીજા ક્રમે રહ્યા હતા. તેઓ 110 મીટર હર્ડલ્સની ફાઇનલમાં પહોંચ્યા હતા, પરંતુ રેસ પૂર્ણ કરી શક્યા ન હતા. 100 મીટર સ્પ્રીન્ટસમાં તેઓ ફાઇનલ માટે ક્વૉલિફાય થવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે 1900થી 1902 સુધી ભારતીય ફૂટબૉલ ઍસોસિયેશનના સચિવ તરીકે સેવા આપી હતી. 1905માં તેઓ કાયમી ધોરણે બ્રિટનમાં સ્થાયી થવા ગયા હતા. ત્યારબાદ તેઓ અભિનયમાં કારકિર્દી બનાવવા માટે અમેરિકા ગયા અને નોર્મન ટ્રેવર નામથી મૂક હોલિવુડ ફિલ્મોમાં અભિનય કરનાર પ્રથમ ઑલિમ્પિયન બન્યા હતા. તેમણે 1924 દરમિયાન બ્રોડવે પર છ મહિના સુધી ચાલેલા ‘ધ ગુસ હેંગ્સ હાઈ’માં મુખ્ય પુરુષ અભિનેતા તરીકે નોંધપાત્ર સફળતા મેળવી હતી. ટ્રેવર થિયેટરમાં સ્ટાર સિસ્ટમનો વિરોધ કરતા હતા. 2005માં IAAFએ 2004 સમર ઑલિમ્પિક્સ માટે સત્તાવાર ટ્રૅક અને ફિલ્ડ આંકડા પ્રકાશિત કર્યા. ઐતિહાસિક રેકૉર્ડ વિભાગમાં પ્રીચાર્ડને 1900માં ગ્રેટ બ્રિટન માટે સ્પર્ધા કરનાર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. જોકે 1900માં મોટા ભાગના બ્રિટિશ પ્રેસ તેમના રાષ્ટ્રને ભારત તરીકે નોંધે છે. (IOC) ઇન્ટરનેશન ઑલિમ્પિક કમિટી  પ્રીચાર્ડને ભારત વતી સ્પર્ધા કરનાર માને છે અને તેમના બે મેડલનો શ્રેય ભારતને આપવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

કાલેકી માઇકલ

જ. 22 જૂન, 1899 અ. 18 એપ્રિલ, 1970

પોલૅન્ડમાં જન્મેલા કાલેકી માઇકલ વિખ્યાત માર્કસવાદી અર્થશાસ્ત્રી હતા. તેમણે વૉર્સો શહેરના ઝેન્સ્ક પોલિટૅકનિકમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, પણ પદવી પ્રાપ્ત કરે તે પહેલાં કૌટુંબિક સંજોગોને લીધે અભ્યાસ છોડી દેવો પડ્યો. હવે તેમણે ઘરે રહીને સ્વશિક્ષિત બનવાનો પ્રયત્ન કર્યો. અર્થશાસ્ત્રનાં પુસ્તકો વાંચીને તેમાં નિપુણતા મેળવી. 1929થી 1937 સુધી વૉર્સોના ઇન્સ્ટિટ્યૂટ ઑફ બિઝનેસ સાઇકલ્સ ઍન્ડ પ્રાઇસીઝ નામની સંસ્થામાં તેમણે સંશોધનનિષ્ણાત તરીકે કાર્ય કર્યું. 1946થી 1954 સુધી યુનાઇટેડ નૅશન્સ ઑર્ગેનાઇઝેશનમાં અર્થશાસ્ત્રી તરીકે સેવા બજાવી. ત્યારબાદ 1955થી 1967 સુધી પોલૅન્ડના આયોજન પંચમાં સલાહકાર તરીકે કાર્યરત રહ્યા. આર્થિક આયોજનના સિદ્ધાંતોના વિકાસમાં તેમનો ફાળો ખૂબ મહત્ત્વનો હતો. 1930ના દાયકામાં તેમણે બચત, મૂડીરોકાણ અને રોજગારી અંગે કેઇન્સના જેવા જ સિદ્ધાંતો વિકસાવ્યા હતા. તેમણે ઇજારાશાહીની માત્રા અંગેનું સૂત્ર આપ્યું, જેથી ઉત્પાદક કેટલી ઇજારાશાહી ધરાવે છે તે માપી શકાય. આર્થિક ગતિશીલતા(ઇકૉનૉમિક ડાયમેનિક્સ)ના સિદ્ધાંતોમાં તથા પોલૅન્ડના સમાજવાદી અર્થતંત્રના વિકાસમાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. તેમણે આ વિષયો પર પુસ્તકો પણ લખ્યાં છે. જેમાં ‘એસેઝ ઑન ધ થિયરી ઑફ ઇકૉનૉમિક ફ્લકચ્યુએશન’ (1939), ‘ધ થિયરી ઑફ ઇકૉનૉમિક ડાયનેમક્સ’ (1954), ‘ધ થિયરી ઑફ ગ્રોથ ઇન એ સોશિયાલિસ્ટ ઇકૉનૉમી’ (1969) અને ‘સિલેક્ટેડ એસેઝ ઑન ધ ડાયનેમિક્સ ઑફ ધ કેપિટાલિસ્ટ ઇકૉનૉમી (1971)નો સમાવેશ થાય છે. તેઓ પોતાના જીવન દરમિયાન લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ, યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજ, યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ અને વૉર્સો સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ સાથે સંકળાયેલા રહ્યા હતા. આ ઉપરાંત પોલૅન્ડ, ફ્રાન્સ, ક્યુબા, ઇઝરાયલ, મેક્સિકો અને ભારત જેવા દેશોની સરકારો માટે અર્થશાસ્ત્રના સલાહકાર તરીકે પણ કાર્ય કર્યું હતું. કાલેકીના વિશિષ્ટ પ્રદાન માટે તેમને 20મી સદીના અદ્વિતીય અર્થશાસ્ત્રી ગણવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

વિષ્ણુ પ્રભાકર

જ. 21 જૂન, 1912 અ. 11 એપ્રિલ, 2009

હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ સાહિત્યકાર વિષ્ણુ પ્રભાકરનો જન્મ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના મીરાપુર ગામમાં થયો હતો. પિતા દુર્ગાપ્રસાદ અને માતા મહાદેવી. તેમનું પ્રાથમિક શિક્ષણ મીરાપુરમાં થયું. વધુ અભ્યાસ માટે મામાને ત્યાં હિસ્સાર ગયા. 1929માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સરકારી નોકરીમાં જોડાયા. નોકરી દરમિયાન હિન્દીમાં ‘પ્રભાકર’ અને ‘ભૂષણ’ પરીક્ષા પાસ કરી. અંગ્રેજી સાથે સ્નાતક થયા. તેમણે સંસ્કૃતની ‘પ્રજ્ઞા’ પદવી પણ મેળવી. તેઓ હિન્દુસ્તાની નાટક કંપનીમાં જોડાયા હતા. તેમણે 1931માં પહેલી ટૂંકી વાર્તા ‘પ્રેમબંધુ’ ઉપનામથી લખી. 1939માં પહેલું નાટક ‘હત્યા કે બાદ’ લખ્યું. પ્રાથમિક શાળામાં તેમનું નામ વિષ્ણુ દયાલ લખાવ્યું હતું. પછી આર્યસમાજની પ્રાથમિક શાળામાં ‘વિષ્ણુગુપ્ત’ નામ નોંધાયું. નોકરીમાં વિષ્ણુ ગુપ્ત નામની બીજી વ્યક્તિ પણ હોવાથી વિષ્ણુધર્મદત્ત નામ કર્યું. લેખનસર્જન શરૂ કર્યું ત્યારે ‘વિષ્ણુ’ નામ લખતા પરંતુ તંત્રીએ એમના નામ સાથે એમની ડિગ્રી પ્રભાકર જોડીને વિષ્ણુ પ્રભાકર બનાવ્યા. પછી સાહિત્યજગતમાં એ જ નામે ખ્યાતિ પામ્યા. તેમણે વાર્તા, નવલકથા, નાટક, એકાંકી, જીવનચરિત્ર ક્ષેત્રે પોતાની કલમ ચલાવી. તેમણે તેમની આત્મકથા ‘પંખીહીન’ ત્રણ ભાગમાં લખી છે. બંગાળી સર્જક શરદચંદ્રનું જીવનચરિત્ર ‘આવારા મસીહા’ ખૂબ પ્રશંસા પામી. ‘સંઘર્ષ કે બાદ’, ‘ખંડિત પૂજા’, ‘ધરતી અબ ભી ઘૂમ રહી હૈ’ વાર્તાસંગ્રહો, ‘ઢલતી રાત’, ‘ક્ષમાદોષ’, ‘અર્ધનારીશ્વર’ નવલકથાઓ, ‘જ્યોતિપુંજ હિમાલય’ પ્રવાસકથા તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે પ્રેમચંદના ‘ગબન’નું ‘ચન્દ્રહાર’ અને ‘ગોદાન’નું ‘હોરી’ નામે નાટ્ય રૂપાંતર કર્યું છે. તેમણે બાળકો માટે ‘પાપ કા ગડા’, ‘જાદુ કી ગાય’, ‘સ્વરાજ કી કહાની’, ‘નૂતન બાલ એકાંકી’, ‘મોતિયોં કી ખેતી’ પુસ્તકો આપ્યાં છે. તેમને અનેક સન્માનોથી પોંખવામાં આવ્યા છે. પદ્મભૂષણ, સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ, શલાકા ઍવૉર્ડ, પાબ્લો નેરુદા સન્માન, મૂર્તિદેવી સન્માન, મહાપંડિત રાહુલ સાંસ્કૃતાયન ઍવૉર્ડ, સાહિત્ય અકાદમી, દિલ્હીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.