જન્મ 17 મે, 1930 અવસાન 12 એપ્રિલ, 2025

કલાપ્રેમી કુટુંબમાં જન્મેલાં કુમુદિનીબહેનનો નૃત્યપ્રેમ માતા લીલા જયકરે નાનપણમાં જ પારખી લીધો હતો. માતા ખુદ ગાયિકા હોવાથી તેમણે કુમુદિનીને નૃત્યકળામાં પોતાની કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યાં. સાત વર્ષની ઉંમરે તેમણે બનારસ અને બિકાનેર ઘરાનાના ગુરુજનો પાસે તાલીમ શરૂ કરી. 1947માં સત્તર વર્ષની ઉંમરે તેમને નૃત્યકાર શ્રી રામ ગોપાલ સાથે નૃત્યનાટિકામાં કામ કરવાની તક મળી, આ તક તેમના જીવનમાં સીમાચિહનરૂપ બની રહી. તેમણે દેશ-વિદેશમાં તેમની સાથે અઢળક કાર્યક્રમો કર્યાં. જયપુર ઘરાનાના ગુરુઓ પાસે તથા લખનૌ ઘરાનાના ગુરુ શંભુ મહારાજ પાસે તેમણે નૃત્યની વિશેષ તાલીમ લીધી. તેમણે કથકને વ્યક્તિગત રજૂઆત સુધી સીમિત ન રાખતાં સમૂહમાં રજૂ કરવાનું બીડું ઝડપ્યું અને ખૂબ લોકચાહના પામ્યાં. કથકની રજૂઆતોમાં ચાલ્યા આવતા પરંપરાગત વાર્તાસંદર્ભોમાં પણ તે જહેમતથી આમૂલ પરિવર્તન લાવ્યાં. 1967માં તેમણે અમદાવાદમાં ‘કદંબ’ સંસ્થા સ્થાપી. આ સંસ્થામાં નવી પેઢીને તેમણે આગવી પદ્ધતિથી કથક શીખવવાનું શરૂ કર્યું અને તેથી જ આ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પામી. આ સંસ્થાના કલાકારોએ 1988માં રશિયામાં ઉઝબેકિસ્તાનમાં અને 2007માં ટોકિયોમાં સફળ નૃત્યપ્રસ્તુતિ કરી હતી. 1980માં દિલ્હી ખાતે યોજાયેલ વાર્ષિક કથક મહોત્સવમાં તેમણે રજૂ કરેલ ‘અત: કિમ?’, 1997-98માં આઝાદીની સુવર્ણજયંતી નિમિત્તે રજૂ કરેલ ‘ડ્રીમ ઑફ ફ્રીડમ’ અને ‘સુવર્ણ’ પણ ખૂબ વખણાઈ. તેમની અન્ય જાણીતી નૃત્યનાટિકા પ્રસ્તુતિમાં ‘ઓખાહરણ’, ‘દશાવતાર’, ‘હોરી’, ‘ધબકાર’, ‘યુગલ’ વગેરે. ‘સૂરસંગમ’, ‘ઉમરાવ જાન’ જેવી હિન્દી ફિલ્મોમાં તેમણે નૃત્યકાર તરીકે કામ કર્યું. તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યા, જેમાં ઇશીરા પરીખ, મૌલિક શાહ, ઊર્જા ઠાકોર, દક્ષા શેઠ વગેરેનો સમાવેશ થાય છે. નૃત્યકળાને જીવી જનાર આ નૃત્યાંગનાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી (1987), પદ્મભૂષણ (2010) અને મરણોત્તર પદ્મવિભૂષણ(2025)થી સન્માનિત કરાયાં છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ કલાક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર ગુજરાતીને અપાતો ‘પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ’ 2022માં તેમને અર્પણ કરવામાં આવ્યો હતો.
બીજલ બુટાલા
