ટૉમસ કૂપર અંગ્રેજી સાહિત્યના પ્રખર વિદ્વાન સંશોધક હતા. તેઓ અંગ્રેજીમાં શબ્દકોશ તૈયાર કરતા હતા અને લંડનમાં રહીને એમની આ સંશોધન-યાત્રા ચાલતી હતી. શબ્દકોશનું ભગીરથ કામ એકલે હાથે કરવું ઘણું મુશ્કેલ હતું, છતાં અપાર ખંત અને ચીવટથી આ કામ કરતા હતા. આઠ આઠ વર્ષના કઠોર પરિશ્રમ પછી અંગ્રેજી ભાષાના શબ્દકોશનો લગભગ બે તૃતીયાંશ ભાગ તૈયાર કર્યો. રાત-દિવસ ટૉમસ કૂપર પોતાના કામમાં ડૂબેલા રહેતા. બસ, એક જ ધૂન કે ક્યારે શબ્દકોશ પૂર્ણ કરું અને મારી માતૃભાષાને ચરણે ધરું. એક વાર ટૉમસ કૂપરનાં પત્નીએ એમને બજારમાંથી જરૂરી ચીજ-વસ્તુઓ લાવવાની યાદી આપી. ખાસ તાકીદ કરી કે સાંજે ઘેર પાછા ફરો ત્યારે આ બધું સાથે અવશ્ય લેતા આવજો. આમાંની એકે ચીજવસ્તુ ભૂલશો નહીં. સંશોધક ટૉમસ કૂપર તો એમના કામમાં ડૂબી ગયા. સાંજ પડી ગઈ, ઘેર પાછા ફરવાનો સમય થયો. પેલી યાદી જ યાદ નહોતી આવતી, ત્યારે ચીજ-વસ્તુઓ ખરીદવાની શી વાત ? આથી કશુંય લીધા વિના ટૉમસ કૂપરે એમના ઘરમાં પ્રવેશ કર્યો. એમને સાવ ખાલી હાથે જોઈને એમની પત્નીના ગુસ્સાનો પાર ન રહ્યો અને એણે ટેબલ પર પડેલી શબ્દકોશની બધી જ ફાઈલો લઈને સગડીમાં નાખી દીધી. ટૉમસ કૂપર આ જોઈને હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘કંઈ વાંધો નહીં. સારું થયું કે તેં આ ફાઈલો સળગાવી દીધી. કારણ કે હું પોતે જ આ શબ્દકોશમાં હજી વધુ શુદ્ધિ-વૃદ્ધિ કરવા ચાહતો હતો. હા, હવે એટલું બનશે કે મારા કામને પૂર્ણ થતાં આઠ વર્ષથી વધુ સમય લાગશે.’ શબ્દકોશનું ધૈર્યભર્યું કાર્ય કરનાર ટૉમસ કૂપરની અપાર સહિષ્ણુતાએ એમને કાર્યસિદ્ધિ અપાવી !
કુમારપાળ દેસાઈ
