Categories
વાચન સમૃદ્ધિ

બાસુ ચેટરજી

જ. ૧૦ જાન્યુઆરી, ૧૯૨૭ અ. ૪ જૂન, ૨૦૨૦

સમાંતર સિનેમાને સફળ બનાવીને વ્યાવસાયિક પ્રતિષ્ઠા અપાવનાર ગણનાપાત્ર સર્જકોમાં બાસુ ચેટરજીનો સમાવેશ કરવામાં આવે છે. તેમનો જન્મ અજમેર, રાજસ્થાનમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મનાર બાસુ ચેટરજીની ફિલ્મો પણ મધ્યમવર્ગીય પરિવારની કથા, તેમની મુસીબતો, નાની નાની મહેચ્છાઓને વર્ણવે છે. ફિલ્મસર્જક બન્યા તે પહેલાં ૧૮ વર્ષ સુધી તેમણે લોકપ્રિય અંગ્રેજી સાપ્તાહિક ‘બ્લિટ્ઝ’માં કાર્ટૂનિસ્ટ તરીકે કામગીરી બજાવી હતી. ઇટાલિયન ચિત્ર ‘બાઇસિકલ થીફ’ તથા સત્યજિત રેના ‘પથેર પાંચાલી’ના પ્રભાવ હેઠળ તેમણે ફિલ્મ-સર્જનમાં ઝંપલાવ્યું. તેમણે રાજ કપૂર અને વહિદા રહેમાન અભિનીત ફિલ્મ ‘તીસરી કસમ’માં બાસુ ભટ્ટાચાર્યના સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. નિર્દેશક તરીકે ફિલ્મ ‘સારા આકાશ’ સાથે તેમણે કારકિર્દી શરૂ કરી. ‘સારા આકાશ’ ફિલ્મનિર્માતાઓ તથા અનેક ચિત્રસંસ્થાઓને બાસુદા તરફ આકર્ષી ગયું. આ ચિત્રને ફિલ્મફેર ‘બેસ્ટ સ્ક્રીન પ્લે’ પુરસ્કાર પણ મળ્યો હતો. આ પછી બાસુદાએ સંખ્યાબંધ ચલચિત્રો બનાવ્યાં. તેમનાં ચલચિત્રોમાંની હળવાશ, રમૂજ કે મનોરંજક શૈલીએ કહેવાયેલી વાત પ્રેક્ષકોને ખૂબ ગમી ગઈ, જેમાંથી દેશભરમાં તેમના કરોડો પ્રશંસકો થયા. બાસુદાનાં સવિશેષ  ઉલ્લેખનીય ચલચિત્રોમાં ‘સારા આકાશ’ ઉપરાંત ‘પિયા કા ઘર’, ‘રજનીગંધા’, ‘છોટી સી બાત’, ‘ચિત્તચોર’, ‘સ્વામી’, ‘સફેદ જૂઠ’, ‘ખટ્ટામીઠા’, ‘ચક્રવ્યૂહ, ‘બાતો બાતો મેં, ‘પસંદ અપની અપની’, ‘અપને પરાયે’, ‘મનપસંદ’, ‘શૌકીન’ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે સર્જેલી ટેલિફિલ્મ ‘ઇક રુકા હુઆ ફૈંસલાથી સારી  એવી ચર્ચા જાગી હતી. તેમણે દૂરદર્શન માટે સર્જેલી કથાશ્રેણીમાં ‘રજની’, ‘દર્પણ’ તથા ‘વ્યોમકેશ બક્ષી’ ખૂબ જ સફળ અને લોકપ્રિય નીવડી હતી. તેમણે ઘણી બધી બંગાળી ફિલ્મો પણ દિગ્દર્શિત કરી હતી. તેમને મળેલા પુરસ્કારોમાં બેસ્ટ સ્ક્રીન પ્લે ઍવૉર્ડ ‘સારા આકાશ’ (૧૯૭૨), ‘છોટી સી બાત’ (૧૯૭૬), ‘કમલા કી મોત’ (૧૯૯૧), ફિલ્મ ફેર ક્રિટીક ઍવૉર્ડ ‘રજનીગંધા’ (૧૯૭૫), ફિલ્મફેર બેસ્ટ દિગ્દર્શક ઍવૉર્ડ ‘સ્વામી’, ૨૦૦૭ IIFA લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડનો સમાવેશ થાય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

વૃંદાવનલાલ વર્મા

જ. ૯ જાન્યુઆરી, ૧૮૮૯ અ. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૬૯

હિન્દી નાટ્યકાર તથા નવલકથાકાર વૃંદાવનલાલનું ઐતિહાસિક અને પૌરાણિક ઉપન્યાસના વિકાસ માટે યોગદાન મહત્ત્વનું છે. તેઓએ ઐતિહાસિક ઘટનામાં અને પાત્રોની પ્રમાણભૂતતાની પરખ કરીને તેનો ઉપયોગ પોતાની નવલકથાઓમાં કર્યો છે. તેઓ ઐતિહાસિક નવલકથાકાર તરીકે પ્રખ્યાત છે અને ભારતીય સંસ્કૃતિમાં આસ્થા રાખનારા રચનાકાર છે. એમણે મધ્યકાળનો સમય પસંદ કર્યો છે. જે અરાજકતા અને અંધકારનો માહોલ છે. પંદરમી સદીમાં સિકંદર લોદીના સમયમાં ગુજરાત, માલવા, રાજસ્થાન વગેરેમાં અરાજકતા હતી. તે સમયે સ્ત્રીઓનાં અપહરણ, મારફાડ, વટાળપ્રવૃત્તિ જેવી દુનીતિઓ વચ્ચે ગ્વાલિયરના રાજવી માનસિંહ તોમર અને એમની રાણી મૃગનયનીનાં પ્રેમ, શૌર્ય અને ઉચ્ચ મૂલ્યોની કથા ‘મૃગનયની’ નવલકથામાં પ્રસ્તુત કરી છે. ‘રાની દુર્ગાવતી’, ‘વિરાટ કી પદ્મિની’, ‘કચનાર’ અને ‘ભુવન વિક્રમ’ જેવી ઐતિહાસિક નવલકથાઓ જાણીતી છે. તેમની નવલકથાઓમાં પ્રેમ અને યુદ્ધ કેન્દ્રમાં છે, જેના કારણે ઇતિહાસ વધારે રસિક બને છે. તેમની નવલકથાઓમાં બુંદેલખંડનાં લોકજીવન, પ્રકૃતિ અને પરિવેશનું જીવંત ચિત્રણ કર્યું છે. તેઓને ઉત્કૃષ્ટ સાહિત્ય માટે હિન્દી સાહિત્ય સંમેલન તથા આગ્રા વિશ્વવિદ્યાલય તરફથી ડિ.લિટ.ની માનદ પદવી મળી છે. ભારત સરકાર દ્વારા તેઓને ‘પદ્મભૂષણ’નો ખિતાબ મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય જગતમાં તેઓના કામની પ્રશંસા થઈ છે. ‘ઝાંસી કી રાની’ માટે તેઓને ‘સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર’ પ્રાપ્ત થયો હતો. તેમની લખેલી સામાજિક ઉપન્યાસ પર આધારિત હિન્દી ફિલ્મ ‘સંગમ’ અને ‘લગાન’ બની છે. એમની નવલકથાઓનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

ચંદ્રકાંત ગોખલે

જ. ૭ જાન્યુઆરી, ૧૯૨૧ અ. ૨૦ જૂન, ૨૦૦૮

ચંદ્રકાંત ગોખલે મરાઠી રંગભૂમિ અને ચલચિત્રના પીઢ અને ચરિત્ર અભિનેતા તરીકે જાણીતા છે. તેમણે તેમની અભિનેતા તરીકેની કારકિર્દી દરમિયાન ૧૯૩૮થી ૨૦૦૮ સુધીમાં ૮૦ મરાઠી ફિલ્મ, ૧૬ હિંદી  ફિલ્મ અને ૬૪ મરાઠી નાટકોમાં અભિનય કર્યો હતો. તેમણે અભિનય કરેલ પ્રથમ ફિલ્મ ‘લક્ષ્મીચે ખેળ’ (૧૯૩૮) અને છેલ્લી ફિલ્મ ‘વળૂ’ (૨૦૦૮) હતી. ચંદ્રકાંત ગોખલેએ મરાઠી સંગીત-રંગભૂમિના સમયમાં સંગીતનાટકોમાં પણ સરસ ભૂમિકા ભજવી હતી. તેમની ખૂબ જ લોકપ્રિય બનેલી ભૂમિકાઓમાં રાજેમાસ્ટરની ભૂમિકા, જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા ‘કુસુમાગ્રજ’ દ્વારા લિખિત ‘નટસમ્રાટ’ નાટકમાંની બેલવલકરના પાત્રની ભૂમિકા, વિજયા મહેતા દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ‘બૅરિસ્ટર નાટકમાંની તાત્યાની ખલનાયકની ભૂમિકા તથા મનોહર સ્ત્રી નાટક કંપની દ્વારા પ્રસ્તુત ‘પુન્હા હિંદુ’ નાટકમાંની મહાદજીની ભૂમિકા વિશેષ ઉલ્લેખનીય છે. જે મરાઠી ફિલ્મમાં ચંદ્રકાંત ગોખલેની યાદગાર ભૂમિકા રહી હતી તેમાં ‘સુવાસિની’, ‘માનિની’ અને ‘ધર્મકન્યા’ ખાસ નોંધપાત્ર છે. ‘વિશ્વાસઘાત’ અને ‘ઈર્ષા’ આ બે હિન્દી ફિલ્મની ભૂમિકાઓ પણ ઉલ્લેખનીય છે. ‘માનિની’ ફિલ્મના અભિનય માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર દ્વારા દર વર્ષે અપાતા આઠ પુરસ્કારોમાંનો એક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૨૦૦૧માં તેમને જીવનગૌરવ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમનો અભિનયવારસો તેમના પુત્ર અને જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેમાં સુપેરે ઊતર્યો છે.

અશ્વિન આણદાણી