Categories
વાચન સમૃદ્ધિ

સુરિન્દરિંસહ નરૂલા

જ. ૮ નવેમ્બર, ૧૯૧૭ અ. ૧૬ જૂન, ૨૦૦૭

પંજાબના પ્રગતિવાદી સાહિત્યકાર સુરિન્દરસિંહ નરૂલાનો જન્મ અમૃતસરમાં થયો હતો. અમૃતસરની ખાલસા કૉલેજમાંથી ત્રણ સુવર્ણચંદ્રકો મેળવીને બી.એ. થયા અને ૧૯૩૮માં રાજ્ય સચિવાલયમાં કાર્યરત બન્યા. ૧૯૪૨માં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે લુધિયાણાની સરકારી કૉલેજમાં અંગ્રેજી અને અમેરિકન સાહિત્યના અનુસ્નાતક વિભાગના વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું. રાવલપિંડીની ખાલસા કૉલેજમાં પણ થોડા સમય માટે કામ કર્યું. સુરિન્દરસિંહે પંજાબી કથાસાહિત્યમાં યથાર્થવાદનો આરંભ કર્યો અને નવલકથાના વિષયવસ્તુ અને શૈલીની દૃષ્ટિએ અસંખ્ય પ્રયોગો કર્યા. એમની કથાઓની વિશેષતા એમાંની દૃશ્યક્ષમતાને કારણે છે. તેમની પ્રથમ નવલકથા ‘પિયો પુત્તર’(પિતા-પુત્ર)માં અમૃતસરના શહેરીજીવનનું સર્વવ્યાપી ચિત્રનું ઐતિહાસિક દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. તેમની બીજી નવલકથા ‘સિલાલૂની’માં ભારતના વિભાજન પછી પંજાબમાં થયેલાં હત્યાકાંડનાં હૃદયદ્રાવક દૃશ્યોનો ચિતાર આલેખ્યો છે. તેમની કેટલીક પ્રસિદ્ધ નવલકથાઓમાં ‘રંગમહલ’, ‘જગબીતી’, ‘રાહે કુરાહે’, ‘નીલીબાર’, ‘દીનદુખિયા’ વગેરેનો સમાવેશ થાય છે. તેમનાં લખાણોનો હિન્દી, ગુજરાતી, બંગાળી તથા મલયાળમ ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમનાં કેટલાંક પુસ્તકોનો રશિયન તેમજ કેટલીક વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમણે ૧૨ નવલકથાઓ, ૭ ટૂંકી વાર્તાનાં પુસ્તકો, કવિતાસંગ્રહો તથા વિવેચનકાર્ય પંજાબી અને અંગ્રેજી ભાષામાં લખ્યાં છે. તેમનાં લખાણોમાં ડાબેરી વિચારસરણીની છાંટ જણાય છે.

તેમની પ્રસિદ્ધ નવલકથા ‘સિલાલૂની’ માટે પંજાબ સરકાર તરફથી ૧૯૫૫માં તેમને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. ૧૯૮૧માં પંજાબ સરકારના સાહિત્ય વિભાગ તરફથી વર્ષના શ્રેષ્ઠ સાહિત્યકારનો ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સી. વી. રામન

જ. ૭ નવેમ્બર, ૧૮૮૮ અ. ૨૧ નવેમ્બર, ૧૯૭૦

‘રામન પ્રભાવ’ના શોધક અને ભારતીય ભૌતિકવિજ્ઞાની ચંદ્રશેખર વેંકટ રામનનો જન્મ થીરુવનૈક્કવલમાં થયો હતો. પિતા ચંદ્રશેખર અને માતા પાર્વતીદેવી. બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતા. માત્ર ૧૧ વર્ષની ઉંમરે હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૮મા વર્ષે રાજ્યમાં પ્રથમ નંબર સાથે અનુસ્નાતક  થયા અને ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. ૧૯૦૬માં ‘લાઇટ સ્પેક્ટ્રમ’ પરનો લેખ લંડનથી પ્રકાશિત પત્રિકા ‘ફિલૉસૉફિકલ’માં અને બીજો લેખ ‘સરફેસ ટેન્શન’ પરનો લેખ લંડનની ‘નેચર’ પત્રિકામાં પ્રસિદ્ધ થયો હતો. ૧૯૦૭માં સિવિલ સર્વિસની પરીક્ષા પ્રથમ ક્રમાંકે  ઉત્તીર્ણ કરતાં અંગ્રેજ સરકારે નાણાખાતામાં કૉલકાતામાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલના હોદ્દા પર નિમણૂક કરી. ૧૯૧૧માં એકાઉન્ટન્ટ જનરલ બન્યા. તેમણે નોકરીની સાથે સાથે ૨૭ સંશોધન લેખો લખ્યા. એ બદલ ‘કર્ઝન રિસર્ચ ઍવૉર્ડ’ અને ‘તુડબર્ન રિસર્ચ મેડલ’થી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ૧૯૧૭માં કૉલકાતા યુનિવર્સિટીની વિજ્ઞાન કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા. તેમણે શોધેલ ‘રામન પ્રભાવ’ પર હજારો સંશોધનપત્રો પ્રસિદ્ધ થયાં છે.

તેમણે ૧૯૪૮માં બૅંગાલુરુમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. તેમને મળેલા નોબેલ પ્રાઇઝ અને લેનિન પીસ પ્રાઇઝની રકમ તેમણે આ ઇન્સ્ટિટ્યૂટને ચલાવવા આપી હતી. તેમણે ‘સાયન્સ’, ‘કરન્ટ સાયન્સ’, ‘ઇન્ડિયન જર્નલ ઑવ્ ફિઝિક્સ’ જેવાં સામયિકો અને જર્નલો શરૂ કર્યાં. તેમણે ‘ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીસ’ની સ્થાપના કરી. તેઓ સંગીતનાં અનેક વાદ્યોના નિષ્ણાત હતા.  અમેરિકાની સંગીતની સંસ્થા ‘કેટગટ એકોસ્ટિકલ સોસાયટી’એ તેમની માનદ સભ્યપદે નિયુક્તિ કરેલી. તેઓ બૅંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના પ્રથમ ભારતીય ડાયરેક્ટર હતા.

૧૮થી વધુ યુનિવર્સિટીઓએ તેઓને માનદ ડૉક્ટરેટની પદવી આપી હતી. ૧૯૨૯માં નાઇટહુડ ‘સર’, ૧૯૩૦માં હ્યુજ ચંદ્રક અને નોબેલ પારિતોષિક, ૧૯૪૧માં ફ્રેંકલીન ચંદ્રક, ૧૯૫૪માં ભારતરત્ન, ૧૯૫૭માં લેનિન પીસ પ્રાઇઝ જેવાં અનેક સન્માનો મળ્યાં હતાં. પોતાને મળેલું નોબેલ પારિતોષિક તેમણે સ્વાતંત્ર્યસંગ્રામના ક્રાંતિકારીઓને અર્પણ કર્યું હતું.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

શિવરામ લાલા કશ્યપ

જ. ૬ નવેમ્બર, ૧૮૮૨ અ. ૨૬ નવેમ્બર, ૧૯૩૪

પંજાબ રાજ્યમાં ઝેલમ નગરમાં પ્રતિષ્ઠિત સૈનિક પરિવારમાં તેઓનો જન્મ થયો હતો. ભણવામાં તેઓ ખૂબ તેજસ્વી હોવાથી જે વિષય હાથમાં લે તેમાં સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા હતા. તેઓએ આગ્રા મેડિકલ સ્કૂલની ડિગ્રી મેળવી સાથે સાયન્સની પરીક્ષા આપીને બી.એસસી.ની ડિગ્રી પણ લીધી. ત્યારબાદ વનસ્પતિશાસ્ત્ર વિષય લઈને એમ.એ. તથા એમ.એસસી.ની ડિગ્રીઓ મેળવી. ઈ. સ. ૧૯૧૦માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી નેચરલ સાયન્સ ટ્રાઇપોસની ડિગ્રી પ્રાપ્ત કરી. સ્વદેશ આવીને ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાં વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર થયા તથા સિન્ડિકેટના સભ્ય તરીકે નિમણૂક પામ્યા. વિજ્ઞાન વિભાગના ડીન તરીકે લાંબો સમય સેવા આપી. આગ્રા, લખનઉ તથા બનારસ વિશ્વવિદ્યાલય સાથે તેઓ સંકળાયેલા હતા. વિજ્ઞાનમાં તેમના બહુમૂલ્ય પ્રદાનને લીધે પંજાબ વિશ્વવિદ્યાલયના ફેલો તથા સિન્ડિકેટના સભ્ય પણ થયા. લાંબા સમય સુધી વિજ્ઞાન વિભાગના ડીન રહ્યા. વિજ્ઞાનમાં તેઓના બહુમૂલ્ય પ્રદાનને લીધે પંજાબ વિશ્વવિદ્યાલયે ઈ. સ. ૧૯૩૩માં તેઓને ડૉક્ટર ઑવ્ સાયન્સની માનદ પદવી આપી. ઈ. સ. ૧૯૧૯માં ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસના વનસ્પતિ વિભાગના અધિવેશનમાં તેઓ અધ્યક્ષ રહ્યા. ૧૯૨૦માં ઇન્ડિયન બૉટેનિકલ સોસાયટીમાં સભાપતિ થયા. આ સંસ્થાના જર્નલના મુખ્ય સંપાદક તેમજ હોલૅન્ડના ક્રોનિકા બૉટેનિકા નામના પત્રના સલાહકાર સંપાદક રહ્યા હતા. ડૉ. કશ્યપે વનસ્પતિને લગતા મૌલિક સંશોધન તથા અનેક મૂલ્યવાન લેખો લખ્યા હતા. તેમાં શેવાળ લીવરવોર્ટ અને હોનવર્ટનો સમાવેશ કર્યો. પશ્ચિમ હિમાલય તથા તિબેટના વનસ્પતિસમૂહ પર લખેલા લેખોને લીધે તેઓની ખ્યાતિ દેશ અને વિદેશમાં ફેલાઈ ગઈ. જાણીતી અભિનેત્રી કામિની કૌશલ તેમની પુત્રી છે.

અંજના ભગવતી