Categories
વાચન સમૃદ્ધિ

આર. ડી. બર્મન

જ. ૨૭ જૂન, ૧૯૩૯ અ. ૪ જાન્યુઆરી, ૧૯૯૪

ભારતીય સિનેમાજગતના સંગીતનિર્દેશક, ગાયક, વાદક, એરેન્જર, મૂર્ધન્ય સંગીતકાર. એસ. ડી. બર્મન તથા કવયિત્રી મીરા દેવ બર્મનને ત્યાં જન્મેલા રાહુલ દેવ બર્મન ‘પંચમ’ના નામથી પણ જાણીતા છે. ભારતીય સંગીતને પાશ્ચાત્ય તેમ જ વિદેશી સંગીત સાથે કલાત્મક રીતે વણીને પોતાની એક અલગ ઓળખ ઊભી કરનાર આર. ડી. બર્મન દરેક જમાનામાં પ્રસ્તુત રહ્યા. વિશ્વસંગીતના અભ્યાસી પંચમે ‘રેસો-રેસો’, માદલ તથા અન્ય પરકશ્ન્સનાં વાદ્યોનો સાંગીતિક સૌંદર્ય વધારવામાં ઉપયોગ કર્યો. બાળપણમાં પિતાએ ઉસ્તાદ અલી અકબર ખાન પાસે સરોદ તેમજ પંડિત સામતા પ્રસાદ પાસે તબલાંની  શિસ્તબદ્ધ તાલીમ અપાવી. શરૂઆતનાં વર્ષોમાં સંગીતનિર્દેશનમાં પિતાના સહાયક તરીકે સેવા આપી અને અનુભવ મેળવ્યો. ૧૯૬૧માં ‘છોટે નવાબ’ ફિલ્મમાં સંગીતનિર્દેશન કરીને તેમણે ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું. પિતા સાથે અનેક વખત ઑરકેસ્ટ્રામાં હાર્મોનિયમ, તબલાં અને વિવિધ વાદ્યો વગાડ્યાં. પ્રયોગશીલ એવા આર. ડી. બર્મન પરંપરાને એવી રીતે બદલતા કે ક્યાંય રસભંગ ના થાય.  જે જમાનામાં રેકૉર્ડિંગમાં તકનીકી સધ્ધરતા ન હતી એ જમાનામાં આર. ડી. બર્મને રેકૉર્ડિંગમાં પ્રયોગો કર્યા. પોતાના સંગીતવાદકોને પોતાને ભોગે આર્થિક મદદ કરીને એક નિસ્વાર્થ સાચા કલાકારનો ગુણ સાકાર કરતા હતા. દરેક પ્રકારનાં રસ અને ફ્લેવર એમના સંગીતમાંથી મળતાં. ‘કિનારા’, ‘શાન’, ‘સાગર, ‘અમરપ્રેમ’, ‘કટીપતંગ’, ‘આરાધના’, ‘શોલે’ એવી અનેક ફિલ્મોમાં પંચમે સંગીતનિર્દેશન કર્યું. અનેક ફિલ્મફેર તથા લતા મંગેશકર ઍવૉર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૯૪માં એમના અવસાન પછી એમની અંતિમ ફિલ્મ ‘૧૯૪૨ અ લવસ્ટોરી’ તરત રજૂ થઈ હતી. વિવિધ ભાષા, ગાયકો તેમજ કવિઓ સાથે એમણે કામ કર્યું હતું. ગુલઝાર એમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભારતીય તેમ જ વિદેશી ટી. વી. સિરિયલ તેમજ આલબમમાં એમણે સંગીત આપ્યું. ૨૦૧૩માં ભારત સરકારે એમની સ્ટૅમ્પ પ્રકાશિત કરી. એમણે વિશિષ્ટ અવાજમાં અનેક ગીતો ગાયાં અને અભિનય પણ કર્યો. અલગ અનોખા સંગીત માટે આર. ડી. બર્મન સદાય યાદ રહેશે.

Categories
વાચન સમૃદ્ધિ

ઉદયપ્રભા મહેતા

જ. ૨૬ જૂન, ૧૯૧૪ અ. ૧૫  એપ્રિલ, ૧૯૮૬

રૂઢિચુસ્ત સમાજમાં નારી જાગૃતિની શક્તિ દેખાડી અને ગુજરાતની એક ગૌરવવંતી અને ક્રાંતિકારી નારી તરીકે નામના પામનાર ઉદયપ્રભાબહેનનો જન્મ અમદાવાદની માંડવીની પોળમાં એક ચુસ્ત વૈષ્ણવ કુટુંબમાં થયેલો. માત્ર ચાર વર્ષની વયે તેમના પિતાનું  અવસાન થયું હતું. માતાનાં સંસ્કાર, જતન અને વહાલને કારણે એમને સામાજિક જીવનમાં વિકસવાની સુવિધા મળી હતી. મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી એસ. એલ. યુ. આર્ટ્સ કૉલેજમાંથી ૧૯૩૪માં ગ્રૅજ્યુએટ થયાં. ભણતર પૂરું થયા પછી એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરી, પરંતુ તેમાં ખાસ  રસ ન પડ્યો. ૧૯૩૨માં સ્થપાયેલ જ્યોતિસંઘમાં તેમણે ખંડ સમય માટે કામ કર્યું. પાછળથી તેનાં પ્રમુખ પણ બન્યાં અને સંઘ સાથે કાયમ જોડાયેલાં રહ્યાં. ગાંધીજીની પ્રેરણાથી તેમણે આજીવન ખાદી અપનાવી હતી. તેમનું જીવન સાદગીપૂર્ણ હતું. ૧૯૩૦થી ૧૯૪૨ની લડતમાં તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રોજ સવાર પડે પ્રભાતફેરીમાં જવું, દેશભક્તિનાં ગીતો ગાવાં, આઝાદીના નારા લગાવવા, સરઘસો કાઢવાં, પત્રિકાઓ લખવી-વહેંચવી, વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, ઘેર ઘેર ખાદી વેચવી, દારૂનાં પીઠાં પર પિકેટિંગ કરવું વગેરે પ્રવૃત્તિઓમાં તેઓ નીડરપણે ભાગ લેતાં. તેઓ સ્ત્રીઓની સ્વતંત્રતા, સમાનતા જેવા મૂળભૂત અધિકારોમાં માનતાં. તે સમયે તેમણે ભાઈદાસભાઈ મહેતા સાથે સ્નેહલગ્ન કરેલાં અને આઝાદીની લડત સાથે સાથે એક પત્ની, માતા તથા ગૃહિણીની ફરજ પણ નિભાવતાં રહ્યાં. તેઓ આજીવન સમાજસેવાના કાર્ય સાથે જોડાયેલાં રહ્યાં હતાં. અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડમાં ૧૯૪૬થી સ્ત્રીઓનાં પ્રતિનિધિ ચૂંટાયાં. ૧૯૫૪માં ચૅરમૅન થયાં. ૧૯૫૬માં અખિલ હિંદ મહિલા પરિષદ, એલિસબ્રિજ શાખામાં ઉપપ્રમુખ અને પછી પ્રમુખ બન્યાં. ૧૯૬૯માં ગુજરાત સ્ત્રી કેળવણી મંડળમાં પ્રમુખ થયાં. કેટલીક બૅંક તથા સંસ્થાઓ સાથે એમણે સક્રિય કામગીરી કરી. તેઓ આકાશવાણી, મહીપતરામ રૂપરામ આશ્રમ અને વિકાસગૃહ સાથે પણ ગાઢ રીતે સંકળાયેલાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

મૂળશંકર મોહનલાલ ભટ્ટ

જ. ૨૫ જૂન, ૧૯૦૭ અ. ૩૧ ઑક્ટોબર, ૧૯૮૪

તેઓ ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી, બાળસાહિત્યકાર, અનુવાદક અને જીવનચરિત્રકાર હતા. તેમણે બાળસાહિત્ય અને સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ ગુજરાતીમાં જૂલે વર્નની કૃતિઓનું ભાષાંતર કરવા માટે જાણીતા છે. ભાવનગરમાં મોહનલાલ અને રેવાબહેનને ત્યાં જન્મેલા મૂળશંકરભાઈએ ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિમાંથી શાળાકીય શિક્ષણ (વિનીત) પૂર્ણ કર્યું હતું. તેમણે ૧૯૨૧માં મૅટ્રિક પાસ કરીને ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૭માં મુખ્ય વિષય તરીકે સંગીત અને દ્વિતીય વિષય તરીકે હિન્દી-ગુજરાતી સાથે સ્નાતક(સંગીતવિશારદ)ની પદવી પ્રાપ્ત કરી હતી. મૂળશંકર ભટ્ટે તેમના શિક્ષણકાર્યની શરૂઆત ૧૯૨૯માં મુંબઈના વિલેપાર્લે સ્થિત બૉમ્બે નૅશનલ સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કરી હતી. ત્યારબાદ તેઓએ ભાવનગરમાં આવેલી દક્ષિણામૂર્તિ સંસ્થામાં ૧૯૩૦થી ૧૯૩૯ સુધી શિક્ષક અને રેક્ટર તરીકે, ઘરશાળામાં ૧૯૩૯થી ૧૯૪૫ સુધી શિક્ષક તરીકે, ૧૯૪૫થી ૧૯૫૩ સુધી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં આચાર્ય તરીકે અને ત્યારબાદ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં શિક્ષક અને રેક્ટર તરીકે સેવા આપી અને એ જ સમયગાળા દરમિયાન તેમણે લોકસેવા મહાવિદ્યાલયના આચાર્ય તરીકે પણ સેવા આપી. ૧૯૬૫માં નિવૃત્ત થયા પછી પણ અનેક સંસ્થાઓમાં તેમણે માનદ સેવા આપવાનું ચાલુ રાખ્યું. જૂલે વર્ન(ફ્રેન્ચ નવલકથાકાર, કવિ અને નાટ્યકાર)ની વિજ્ઞાન-સાહસકથાઓ જેમાં ‘સાગરસમ્રાટ’, ‘ગગનરાજ’, ‘પાતાળપ્રવેશ’, ‘સાહસિકોની સૃષ્ટિ’, ‘૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’, ‘બલૂન પ્રવાસ’ વગેરે તેમની મુખ્ય અનુવાદની કૃતિઓ છે. આ ઉપરાંત વિક્ટર હ્યુગોની વિશ્વવિખ્યાત નવલકથા ‘લા-મિઝરેબલ’નો ‘દુ:ખિયારાં’ નામે તેમનો અનુવાદ જાણીતો છે. આવા મહાન ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી મૂળશંકર મોહનલાલ ભટ્ટે ભાવનગરમાં અંતિમ શ્વાસ લીધો. મૂળશંકર ભટ્ટને નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદોની પરંપરામાં અંતિમ કડી માનવામાં આવે છે. તેમની શિક્ષણપદ્ધતિઓ અને સાહિત્યિક યોગદાન આજે પણ પ્રેરણારૂપ છે.