Categories
વાચન સમૃદ્ધિ

મેઘધનુષના રંગો

બોરધીલ્ડ ડાહલે એના જીવનનાં લગભગ પચાસ વર્ષ અંધારી દુનિયામાં ગાળ્યાં. એણે એક આંખની રોશની ગુમાવી દીધી હતી અને બીજી આંખ પર થયેલા ઊંડા ઘાને કારણે એ પોણી ઢંકાયેલી રહેતી અને માત્ર બીજી આંખમાં આવેલા નાના કાણાથી એ માત્ર ડાબી બાજુનું જ જોઈ શકતી. આથી કંઈ પણ વાંચવું હોય, તો એને એ આંખની છેક નજીક રાખવું પડતું અને મહામુશ્કેલીએ થોડુંક વાંચી શકતી. ખેલકૂદના મેદાન પર જતી, ત્યારે મેદાન પર આંકેલી લીટીઓ એ જોઈ શકતી નહોતી, પછી રમવું કઈ રીતે? ડાહલ આ સ્થિતિથી મૂંઝાઈ નહીં. બધા રમીને જતા રહે પછી એ જમીન પર બેસીને અને ભાંખોડિયાભેર ચાલીને મેદાન પર આંકેલી એ લીટીઓ બરાબર જોતી અને મનમાં યાદ રાખી લેતી. એ પછી ધીરે ધીરે પ્રૅક્ટિસ કરવા લાગી અને બન્યું એવું કે ડાહલ એ રમત ખેલવા લાગી અને એમાં કામયાબ થવા લાગી. આંખની સાવ નજીક રાખીને પુસ્તક વાંચવું પડતું. ક્યારેક તો એની પાંપણ પાનાંને અડી જતી, આમ છતાં એણે યુનિવર્સિટીની બે-બે પદવી હાંસલ કરી. પહેલી પદવી મિનેસોટા યુનિવર્સિટીમાંથી મેળવી અને એ પછી કોલંબિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઑફ આર્ટ્સની પદવી મેળવી. સમય જતાં કૉલેજમાં અધ્યાપિકા બની. એ છેક બાવન વર્ષની થઈ ત્યારે એના જીવનમાં એક ચમત્કાર સર્જાયો. જાણીતા ક્લિનિકમાં એની આંખનું ઑપરેશન થયું અને એને ચાળીસ ટકા જેટલું દેખાવા લાગ્યું. બસ, પછી તો એની દુનિયા આનંદથી ઊભરાઈ ગઈ. સાબુના પરપોટાને પ્રકાશની વિરુદ્ધની દિશામાં રાખીને જોવા લાગી અને એમાં રચાતાં નાનાં નાનાં મેઘધનુષના રંગો આનંદભેર નીરખવા લાગી. બરફ વચ્ચે ઊડતી ચકલીને જોઈને આનંદથી નાચી ઊઠતી અને નાની નાની સુંદરતાઓનો અનુભવ મેળવીને પોતાની જિંદગીને આનંદથી ભરપૂર માણવા લાગી.

Categories
વાચન સમૃદ્ધિ

શ્રદ્ધા સાથે સાવચેતી જરૂરી છે

જીવનમાં અન્ય પ્રતિ આદર અને સન્માન હોવાં જોઈએ, પરંતુ કોઈના પ્રભાવથી પૂર્ણ રીતે અભિભૂત થઈને જીવવું જોઈએ નહીં. આદર સાહજિક છે, કિંતુ પ્રભાવિત થવું અસાહજિક છે. પ્રભાવિત થાવ ત્યારે પૂર્ણ સાવચેત રહેવું. એ ખતરાથી ખાલી નથી. સાહિત્યમાં કોઈ નવો સિદ્ધાંત આવે, પ્રજાજીવનમાં કોઈ નવો નાયક પેદા થાય કે કોઈ વિભૂતિનું જીવન સ્પર્શી જાય અને તમે તેનાથી પૂર્ણ રૂપે પ્રભાવિત થઈ જશો તો તમારું વ્યક્તિત્વ ખંડિત રહી જશે. અખંડિત વ્યક્તિત્વની સાધના કરનાર રામ કે બુદ્ધ પાસે જશે, પરંતુ શ્રદ્ધાની સાથે સાવચેતી રાખશે. એમની પાસેથી જે કંઈ સાંપડશે, તેમાંથી જરૂરી ગ્રહણ કરશે. એમનું અનુકરણ કરવાને બદલે સ્વજીવનમાં એમની ગુણસમૃદ્ધિનો સાદર કરવાનો પ્રયત્ન કરશે. એમને આત્મસાત્ જરૂર કરો, પણ એમાં તમારી જાતને ડુબાડશો નહીં. વિભૂતિઓ કે સદગુરુની ભાવનાઓને પામવી, સમજવી અને આચરવી જોઈએ, પરંતુ એ ભાવનાને માર્ગે ચાલતાં વિભૂતિપૂજામાં દોરવાઈ જઈએ નહીં એનો ખ્યાલ રાખવો જોઈએ. હૃદયની ઊર્ધ્વતા માટે ભાવ જરૂરી છે, ભીતરની મસ્તી માટે ભક્તિ જરૂરી છે, આત્માને પંથે ચાલવા માટે મુમુક્ષુતા જરૂરી છે, પરંતુ એ બધું મેળવવા જતાં ક્યાંય ભૂલા પડી જઈએ નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. આત્મસાત્ કરવું તે શ્રદ્ધા છે. જાતને ડુબાડવી તે અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા સત્ય પાસે લઈ જાય છે. અંધશ્રદ્ધા અંધકારમાં ડુબાડી દે છે. કોઈ બાબત જીવનમાં ઉતારવા જેવી લાગે તો એને જીવનમાં ઉતારીને આત્મસમૃદ્ધ બનવું, પરંતુ અમુક જ વ્યક્તિની કે વિભૂતિની વાત આંખો મીંચીને માનવી કે પાળવી તે તમારામાં અપૂર્ણતા સર્જશે. પૂર્ણ પાસે જાવ, ત્યારે અભિભૂત થઈને અતિભક્તિ ન કરશો. એમના હૃદયવૈભવને આત્મસાત્ કરીએ.

Categories
વાચન સમૃદ્ધિ

સ્થિરવાસનું સરનામું

ગ્રીસના તત્ત્વચિંતક ડાયોજિનિસ તત્ત્વવેત્તા સૉક્રેટિસના શિષ્ય એમ્ટિસ્થેનિસના શિષ્ય હતા. એમણે સ્વાવલંબી જીવન જીવવાનો આગવો માર્ગ બનાવ્યો. દિવસે ફાનસ લઈને ઍથેન્સ શહેરની શેરીઓમાં ઘૂમતા હતા અને કહેતા કે દિવસે ફાનસના અજવાળે પ્રમાણિક માણસને શોધવા નીકળ્યો છું. એક વાર તત્ત્વવેત્તા ડાયોજિનિસ પાસે ઉતાવળે આવેલા એક યુવાને પ્રશ્ન કર્યો, ‘મને જલદી કહો, ધર્મ એટલે શું ?’ ડાયોજિનિસે કહ્યું, ‘અરે ભાઈ, એમ ઉતાવળે ધર્મની વ્યાખ્યા થઈ શકે નહીં.’ આગંતુકે કહ્યું, ‘પણ હું બહુ ઉતાવળમાં છું. મને પાંચેક મિનિટમાં ધર્મની વ્યાખ્યા સમજાવો.’ ડાયોજિનિસે અકળાઈને યુવાનને કહ્યું, ‘જેમ તમે ઉતાવળમાં છો એમ હું પણ ઉતાવળમાં છું. આટલા ઓછા સમયમાં ધર્મ વિશે સમજાવવું મુશ્કેલ છે, માટે તમારું સરનામું આપો તો હું તમને લેખિત રૂપે ધર્મની વ્યાખ્યા મોકલી આપીશ.’ આગંતુકે કાગળ અને પેન લીધાં, સરનામું લખ્યું અને ડાયોજિનિસને આપ્યું. ત્યારે ડાયોજિનિસે પૂછ્યું, ‘આ તારા સ્થાયી નિવાસનું સરનામું છે ને ? અહીંથી બીજે ક્યાંય જતો નથી ને !’ ‘એવું બને છે કે ક્યારેક હું બીજે સ્થળે જાઉં છું. લાવો એનું પણ સરનામું તમને આપી દઉં.’ એ સમયે ડાયોજિનિસે કહ્યું, ‘મામલો સ્થાયીનો છે, અસ્થાયીનો નહીં. જ્યાં તમારો સ્થિરવાસ હોય તે કહો. નહીં તો હું પત્રવ્યવહાર કેવી રીતે કરી શકીશ ?’ ડાયોજિનિસની એકની એક વાત સાંભળીને યુવાને અકળાઈને પોતાની જાતને બતાવતાં કહ્યું, ‘જુઓ, હું અહીંયાં રહું છું. કંઈ કહેવું હોય તો કહો, નહીં તો આ ચાલ્યો.’ ડાયોજિનિસ બોલ્યા, ‘બસ ભાઈ, આ જ તો ધર્મ છે. ધર્મનો અર્થ છે પોતાનામાં રહેવું, પોતાની જાતને ઓળખવી અને આત્મચિંતન કરવું. આ જ એની વ્યાખ્યા છે.’