Categories
વાચન સમૃદ્ધિ

બધા દિવસો સુંદર

પશ્ચિમ ઓન્ટારિયોની બાળકોની હૉસ્પિટલમાં દુ:ખી પેટી મેરિટ પોતાની છ વર્ષની પુત્રી કેલીની હાર્ટસર્જરી માટે પુનઃ આવી હતી. એની નાનકડી પુત્રી પર અગાઉ એક વાર તો ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. તાજેતરમાં બીજી વાર આવી ઓપન હાર્ટ સર્જરી કરી હતી. છ વર્ષની કેલીને ઇન્સેન્ટિવ કેર યુનિટમાંથી બહાર લાવવામાં આવી અને બાજુના ભાગની મરામત ચાલતી હોવાથી એને કૅન્સરના દર્દીઓ માટે આરક્ષિત એવા વિભાગમાં રાખવામાં આવી. છ વર્ષની કેલીની બાજુની જ રૂમમાં છ વર્ષનો એડમ હતો. આ એડમ લ્યુકેમિયા સામે જંગ ખેલતો હતો. એડમ કેમોથૅરપીની સારવાર લેતો હતો. આ સારવાર અત્યંત પીડાકારી હોવા છતાં એડમનો આનંદ સહેજે ઓછો થતો નહીં. રોજ કૅન્સરનો દર્દી એડમ કેલીના રૂમમાં આવતો. એની સાથે એની કેમોથૅરપી લેવા માટેની બૅગ પણ હોય. પારાવાર વેદના થતી હોવા છતાં એડમ હંમેશાં હસતો અને આનંદ કરતો જોવા મળતો. કેલીના રૂમમાં આવીને એડમ કલાકો સુધી જાતજાતની વાતો કરતો, મસ્તી-મજાક કરતો. પેટી મેરિટ અને એમની પુત્રી કેલી એમાં સામેલ થતાં. લાંબા વખતથી પુત્રીની સારવાર માટે રહેતી હોવાથી પેટી મેરિટને એક દિવસ ખૂબ કંટાળો આવ્યો હતો. બહારનું કાળું વાદળછાયું વરસાદી આકાશ એની ગમગીનીમાં ઉમેરો કરતું હતું. બારીએ ઊભી રહી દુ:ખી અને ઉદાસ મેરિટ આકાશમાં વાદળોને જોતી હતી, એવામાં રોજના નિયમ મુજબ એડમ આવ્યો. પેટી મેરિટે કહ્યું, ‘‘એડમ ! કેવો ગમગીન દિવસ છે ! આજે હું ખૂબ દુ:ખી મૂડમાં છું. વળી આવું વાતાવરણ મારા દુ:ખમાં વધારો કરે છે.’’ એડમે પેટી મેરિટને કહ્યું, ‘મારે માટે તો બધા જ દિવસ સુંદર હોય છે.’ છ વર્ષના એડમના હિંમતવાન એ શબ્દોએ પેટી મેરિટની નિરાશા દૂર કરી. આજે અત્યંત ગમગીનીભર્યો દિવસ હોય, ત્યારે પણ લ્યુકેમિયાના દર્દી એડમના એ શબ્દો પેટી મેરિટને દુ:ખનો ભાર ખંખેરીને ઉત્સાહભેર જીવવાનું બળ આપે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સૌથી મહત્ત્વની સંપત્તિ

ઈ. સ. 1936માં અમેરિકાના ઉદ્યોગપતિ ચાર્લ્સ સ્ક્વૈબે એક વ્યક્તિની સલાહકાર તરીકે નિમણૂક કરી. એને મહિનાના પચીસ હજાર ડૉલરનો પગાર આપવાનું નક્કી કર્યું. માત્ર સલાહ આપવા માટે કંઈ આટલો મોટો પગાર હોય ખરો ? પરંતુ આ કરોડાધિપતિ માનતો હતો કે જીવનમાં એક સલાહ અનેક સમસ્યાઓને ઉકેલી આપે છે. કોઈ અનુભવી આ મૂંઝવણનું મૂળ કારણ શોધીને સતત પજવતી સમસ્યાઓ રાતોરાત દૂર કરી દે છે. અમેરિકન કરોડાધિપતિ ચાર્લ્સ સ્ક્વૈબે ઊંચા પગારે નીમેલા સલાહકારને પૂછ્યું, ‘‘જીવનમાં સહુથી અમૂલ્ય સંપત્તિ કઈ છે ? જે સંપત્તિ એક વાર ગુમાવીએ તો ફરી મળતી નથી. ગયેલું ધન પાછું મેળવી શકાય છે, કથળેલું સ્વાસ્થ્ય પુન: સંપાદિત થાય છે, પરંતુ જીવનમાં ફરી પ્રાપ્ત ન થતી એવી અમૂલ્ય સંપત્તિ કઈ ? એ જાણવામાં આવે તો એના ઉપયોગ અંગે પૂરી સાવધાની રખાય.’’ સલાહકારે કરોડપતિને કહ્યું, ‘‘જીવનમાં સૌથી મહત્ત્વની સંપત્તિ તે સમયનો યોગ્ય ઉપયોગ છે. આના માટે રોજ પ્રભાતે કામોની યાદી બનાવવી જોઈએ. એમાંથી જે અત્યંત મહત્ત્વનાં કામો હોય તેને તેના મહત્ત્વ પ્રમાણે ક્રમસર ગોઠવવાં જોઈએ અને તે પછી બીજાં સામાન્ય કામોની નોંધ કરવી જોઈએ. એ મહત્ત્વનાં કાર્યો પહેલાં ક્રમસર પૂર્ણ કરવાં જોઈએ. આમ કરનાર વ્યક્તિ જ સમયનો યોગ્ય ઉપયોગ કરી શકે છે.’’ કરોડપતિને સવાલ જાગ્યો કે આવી અગ્રતાક્રમે યાદી બનાવવાનો અર્થ શો ? ત્યારે એને સમજાયું કે સિત્તેર વર્ષ જીવતો માનવી પચીસ વર્ષ નિદ્રામાં, આઠ વર્ષ અભ્યાસમાં, સાત વર્ષ વૅકેશન અને મોજમસ્તીમાં, છ વર્ષ આરામ અને બીમારીમાં, પાંચ વર્ષ રોજના વાહનવ્યવહારમાં, ચાર વર્ષ ભોજનમાં અને ત્રણ વર્ષ સામાન્ય કામકાજમાં પસાર કરી દે છે. આથી મહત્ત્વનું કાર્ય કરવા માટે વ્યક્તિ પાસે માત્ર બાર જ વર્ષ હોય છે. માટે વ્યક્તિએ પોતાનાં કામોના ક્રમને યોગ્ય રીતે ગોઠવવા જોઈએ.

Categories
વાચન સમૃદ્ધિ

જીવ બળે તે સારું !

યહૂદી ધર્મગુરુ પાસે આવીને એક મોચીએ દયામણા ચહેરે અને ભીની આંખે કહ્યું, ‘આપ હંમેશાં અમને ઉપદેશ આપો છો અને કહો છો કે રોજ સવારે પ્રાર્થના કરવી જોઈએ, પણ મારે માટે અત્યંત મુશ્કેલ છે, હવે શું કરું ?’ ધર્મગુરુએ કારણ પૂછતાં મોચીએ કહ્યું, ‘રોજ સવારે પ્રાર્થના કરવાની ઇચ્છા હોય છે, પણ હું કરી શકતો નથી. આખી રાત જાગીને હું કામ કરું છું અને સવારે પણ મારું એ કામ ચાલુ જ હોય છે. સહેજે નવરો પડતો નથી અને તેથી પ્રાર્થના કરી શકતો નથી.’ ‘એટલે ? તું શું આખી રાત કામ કરે છે ?’ મોચીએ કહ્યું, ‘હા, મારા વિસ્તારમાં ગરીબો વસે છે. એ આખો દિવસ કોઈના ઘરનું કામ કરે છે અથવા તો ખેતરમાં મજૂરી કરવા જાય છે. રાત્રે ઘેર પાછા ફરે પછી મને એમનાં તૂટેલાં બૂટ-ચંપલ સાંધવા માટે આપી જાય છે. જો બીજે દિવસે સવાર પછી એ બૂટ-ચંપલ સાંધવાનું રાખું તો એ નોકરો અને મજૂરોને આખો દિવસ બૂટ-ચંપલ વિના ચલાવવું પડે, રસ્તાના કાંટા કે બળબળતો તાપ વેઠવો પડે. આથી આખી રાત હું એમનાં તૂટેલાં બૂટચંપલ સાંધું છું. એટલું બધું કામ હોય છે કે સવારે પણ બૂટ-ચંપલ સાંધવાનું ચાલુ રહે છે. સવારે નવ વાગે એ બધા મારે ઘેર આવે ત્યારે હું એમને એમનાં બૂટ-ચંપલ સાંધીને આપી દઉં છું. સવારે પ્રાર્થના કરી શકતો નથી, તેથી મારો જીવ તો બહુ બળે છે.’ ધર્મગુરુએ પૂછ્યું, ‘કેમ જીવ બળે છે ? શું થાય છે તને ?’ ‘ક્યારેક ઉતાવળે પ્રાર્થના કરું છું ત્યારે મારા જીવને આખો દિવસ ગોઠતું નથી. અને જો પ્રાર્થના કરવાનું ચૂકી જાઉં તો મારા મનને એક પળ નિરાંત મળતી નથી. સતત પ્રાર્થના યાદ આવે છે. વિચારું છું કે કેવો કમનસીબ છું હું અને આને કારણે મારો જીવ સતત બળ્યા કરે છે.’ ધર્મગુરુએ કહ્યું, ‘જો હું ભગવાન હોત તો તારી વહેલી સવારની પ્રાર્થના કરતાં તારા બળેલા જીવથી તારા પર વધારે પ્રસન્ન થાત.’