Categories
વાચન સમૃદ્ધિ

દર્પણમાં ચહેરો જુઓ !

ગ્રીસના મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ સદૈવ વિચારનો મહિમા અને મહત્ત્વ કરતા હતા અને દૃઢપણે માનતા હતા કે વિચાર જીવનમાં પ્રતિબિંબિત થવો જોઈએ. ‘જે વિચાર જીવન સાથે સંકળાયેલો ન હોય, એ વિચારનું કોઈ મૂલ્ય હોતું નથી.’ અને એટલે જ એણે એમ કહ્યું હતું કે ‘મારું જીવન એ જ મારું તત્ત્વજ્ઞાન છે.’ શિલ્પી પિતા અને દાયણ માતાના પુત્ર સૉક્રેટિસ પોતાને વિશે એમ કહેતા કે જેમ દાયણ માતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢે છે, તેમ તેઓ લોકોના મનમાંથી અજ્ઞાન બહાર ખેંચી કાઢે છે અને જેમ શિલ્પી પથ્થરમાં માનવઆકૃતિ કંડારે છે તેમ તેઓ માનવવ્યક્તિત્વને કંડારે છે. આવા દાર્શનિક સૉક્રેટિસનો બાહ્ય દેખાવ અત્યંત બેડોળ હતો. ઠીંગણું કદ, ચીબુ નાક, આગળ પડતી મોટી આંખો – આમ છતાં એ વારંવાર દર્પણમાં પોતાનું મુખ જોતા હતા. એક વાર એના કેટલાક શિષ્યો એની પાસે ગયા, ત્યારે એમને સૉક્રેટિસનું આ વર્તન સમજાયું નહીં. વિચારવા લાગ્યા કે શા માટે કુરૂપ ચહેરા ધરાવતા ગુરુ વખતોવખત દર્પણમાં પોતાનો ચહેરો જોતા હશે. આખરે એક શિષ્યએ સાહસ કરીને પૂછી લીધું, ‘ગુરુજી, શા માટે આપ વારંવાર દર્પણમાં તમારો ચહેરો જુઓ છો ?’ શિષ્યની વાત સાંભળીને સૉક્રેટિસ હસી પડ્યા અને બોલ્યા, ‘વાત તો તારી સાચી. જેનો ચહેરો કુરૂપ હોય, એને દર્પણ જોવાની વળી શી જરૂર ? પરંતુ મારા પ્રિય શિષ્ય, સહુએ દર્પણ જોવું જોઈએ, પછી તે રૂપવાન હોય કે કુરૂપ હોય.’ શિષ્ય અધવચ્ચે બોલી ઊઠ્યો, ‘પણ ગુરુજી કુરૂપને તો પોતાના બદસૂરત ચહેરાની વાસ્તવિકતાની ખબર છે, પછી એ શા માટે દર્પણમાં જોતો હશે ? એમ કરવાથી તો દુ:ખ પહોંચે.’ સૉક્રેટિસે કહ્યું, ‘કુરૂપે એ માટે દર્પણ જોવું જોઈએ કે એને ખ્યાલ આવે કે પોતે કુરૂપ છે અને એણે ઉત્તમ કાર્યો દ્વારા પોતાની કુરૂપતાને સુંદર બનાવીને ઢાંકવાની છે અને રૂપવાન વ્યક્તિએ દર્પણ એ માટે જોવું જોઈએ કે ઈશ્વરે એને સૌંદર્ય આપ્યું છે, તેથી એ હંમેશાં એને અનુરૂપ સુંદર કાર્યો કરે.’

Categories
વાચન સમૃદ્ધિ

પરવાનગીનો ઇન્કાર

1922માં જાપાન સરકારના નિમંત્રણથી વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન પ્રવાસે ગયા. સ્ટીમરમાંથી આઇન્સ્ટાઇન જાપાનના દરિયાકિનારે ઊતર્યા, ત્યારે એમનું ભવ્ય બહુમાન થયું. જાપાન સરકારે આ મહાન વિજ્ઞાનીના આગમનના દિવસે રજા જાહેર કરી હતી અને આઇન્સ્ટાઇનના સ્વાગત માટે સ્વયં સમ્રાજ્ઞી પધાર્યાં હતાં. વિશાળ વ્યાખ્યાનખંડમાં જાપાનીઝ લોકો વચ્ચે આઇન્સ્ટાઇને એમના વક્તવ્યનો પ્રારંભ કર્યો. જાપાનના એ શહેરમાં ચારેક કલાક સુધી વક્તવ્ય આપ્યું. એ પછી એમને મનોમન થયું કે તેઓ બહુ લાંબું બોલ્યા. આટલું લાંબું ભાષણ આપવું જોઈએ નહીં. પરિણામે એ પછીના શહેરમાં આઇન્સ્ટાઇને માત્ર બે કલાકમાં પોતાનું ભાષણ સમેટી લીધું. એમને લાગ્યું કે એ આ વખતે લાંબું બોલ્યા નથી, તેથી શ્રોતાઓને અનુકૂળ રહ્યું હશે. પણ વાત સાવ વિપરીત બની. નગરજનોએ આવીને આઇન્સ્ટાઇનને ફરિયાદ કરી કે અગાઉના નગરમાં તમે ચાર કલાક બોલ્યા હતા અને અમને માત્ર બે કલાકનો જ સમય કેમ આપ્યો ? આમાં અમારો કંઈ વાંકગુનો ખરો? જાપાનમાં પર્વતના ઢાળ પર કે સાંકડી ગલીમાં માણસ ઠેલા-ગાડીમાં જતો હતો. સહુએ આઇન્સ્ટાઇનને કહ્યું કે ‘તમે આ રિક્ષામાં બેસો’ અને ત્યારે આઇન્સ્ટાઇને સ્પષ્ટ ઉત્તર આપ્યો, ‘બીજા કોઈ માનવીને પ્રાણી તરીકે વાપરવાની અને મને ખેંચવાની પરવાનગી હું કદી આપું નહીં.’ અને આઇન્સ્ટાઇન ચાલીને જાપાનની સાંકડી ગલીઓમાં ઘૂમતા રહ્યા અને પર્વતના ઢાળ ઉપર ચડતા રહ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

સાચા સાધુનું લક્ષણ

હજરત ઇબ્રાહીમ એમ માનતા હતા કે પ્રત્યેક ધર્મ એ માનવીને નેકી અને ઈમાનદારીના રાહ પર ચાલવાનો સંદેશ આપે છે અને બૂરાઈથી બચવા માટેની જાતજાતની તરકીબ બતાવે છે. આથી ભલે ધર્મોનું બાહ્ય રૂપ ભિન્ન હોય, પરંતુ એનું આંતરિક રૂપ સમાન છે. સઘળા ધર્મોના પાયામાં માનવકલ્યાણની ભાવના જ રહેલી છે. હજરત ઇબ્રાહીમના મનમાં સતત એવી જિજ્ઞાસા રહેતી કે આટલા બધા ઉપદેશકો અને ઉપદેશો હોવા છતાં લોકોને કેમ ધર્મનો સાચો સાર સમજાતો નથી ? પોતાના આ પ્રશ્નના ઉત્તર માટે હજરત ઇબ્રાહીમ જુદા જુદા સંતોને મળતા હતા અને સમસ્યાનો ઉકેલ મેળવવા માટે સતત પ્રયાસ કરતા હતા. એક વાર આ સંદર્ભમાં તેઓ એક સંતને મળવા ગયા. બંને વચ્ચે ધર્મતત્ત્વની બાબતમાં જ્ઞાનપૂર્ણ સંવાદ ચાલ્યો. વિચારવિમર્શ ઘણો કર્યો, પરંતુ તેઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નહીં. આ વાર્તાલાપ દરમિયાન હજરત ઇબ્રાહીમને સંતની વિચારધારા અને એમના દૃષ્ટિકોણનો બરાબર પરિચય મળી ગયો. સંતના સીમિત જ્ઞાનનો સંકેત પામી ગયા, આમ છતાં એમણે એ સંતને પ્રશ્ન કર્યો, ‘સાચા સાધુનાં મહત્ત્વપૂર્ણ લક્ષણો કયાં હોય ?’ ત્યારે સંતે મસ્તીથી જવાબ આપ્યો, ‘ભોજન મળે તો ખાઈ લે અને ન મળે તો સંતોષ માને.’ હજરત ઇબ્રાહીમને લાગ્યું કે સંતની દૃષ્ટિ ઘણી સંકુચિત છે, એથી એમણે કહ્યું, ‘અરે, આવું તો શેરીનો કૂતરો પણ કરે છે. આમાં શું ?’ સંત નિરુત્તર બની ગયા અને હજરત ઇબ્રાહીમને વિનંતી કરી કે ‘મારા ઉત્તરથી તમને સંતોષ થયો નથી, તો તમે જ સાચા સાધુનું લક્ષણ કહો ને !’ ઇબ્રાહીમે કહ્યું, ‘મળે તો વહેંચીને ખાય અને ન મળે તો પ્રભુની કૃપા માનીને પ્રસન્ન ચિત્તે વિચારે કે દયામયે એને તપશ્ચર્યા કરવાનો કેવો સુંદર અવસર પૂરો પાડ્યો !’ ઇબ્રાહીમની ભાવના જોઈને સંત ખુશ થઈ ગયા.