Categories
વાચન સમૃદ્ધિ

હું જાગું છું !

ઇરાકના બસરાની ગરીબ વસ્તીમાં ઇસ્માઇલને ત્યાં જન્મેલી એની ચોથી પુત્રી રાબિયાને કારમી ગરીબી અને દૃઢ પ્રભુભક્તિ વારસામાં મળ્યાં હતાં. બાળપણથી જ રાબિયા નમાજ અને ઇબાદતમાં પિતાની સાથે રહેતી હતી અને મોડી રાત સુધી સતત નામસ્મરણ(જિકર)માં પિતાની સાથે એ પણ લીન રહેતી હતી. રાબિયાએ કઠોર તપશ્ચર્યા કરી. એનું જીવન આધ્યાત્મિક ચમત્કારોથી પરિપૂર્ણ હતું. સંત રાબિયાનું અધ્યાત્મ સૂફી મતમાં આગવું સ્થાન ધરાવે છે. અગાઉના સૂફી સંતો નરકના ભય અને સ્વર્ગની લાલસાથી અલ્લાહની પ્રાર્થના કરતા હતા, પણ એમનામાં અખંડ પ્રભુભક્તિ ધરાવતું જીવનસમર્પણ નહોતું. રાબિયાએ સૂફી પરંપરામાં નરકના ભય અને સ્વર્ગની લાલસાને હટાવીને માત્ર નિઃસ્વાર્થ પ્રભુભક્તિનો મહિમા કર્યો. પોતે ગરીબ હોવા છતાં કોઈની સહાય કે મદદ સ્વીકારતા નહીં, કારણ કે તેઓ માનતા કે લોકો પાસે જે ભેટસોગાદો છે, તે પણ અલ્લાહે જ આપેલી છે. એમનું પોતાનું તો આમાં કશું નથી ! ઈશ્વર પરત્વેના પ્રેમની આવી સમર્પણશીલતાની ભાવના એ ‘ઇશ્કેહકીકી’ એ સૂફી મતના પાયાનો સિદ્ધાંત બની ગયો. એ કહેતી કે ‘અલ્લાહ મારી પરિસ્થિતિથી વાકેફ છે, પછી મારે કંઈ એમને યાદ કરાવવાનું રહેતું નથી.’

એક વાર રાબિયાની ઝૂંપડીમાં ચોર આવ્યો. એની ઝૂંપડી સાવ ખાલી હતી. માત્ર રાબિયાએ ઓઢેલી એક ચાદર હતી. રાબિયાની ચાદર ઉઠાવીને ચોર ભાગવા ગયો, તો એને દરવાજો દેખાતો બંધ થઈ ગયો. એ સમયે ચોરને એક ગેબી અવાજ સંભળાયો, ‘તું એમ માનીશ નહીં કે બધા ઊંઘે છે અને તું ચોરી કરી રહ્યો છે.’ આ અવાજ સાંભળીને ચોર હેરાન-પરેશાન થઈ ગયો. એ ગેબી અવાજે કહ્યું, ‘સાંભળ, રાબિયાએ પોતાની જાત મને સમર્પિત કરી છે અને આથી એ સૂતી હોય છે, ત્યારે હું જાગતો હોઉં છું.’

આ અવાજ સાંભળીને ચોર ચાદર છોડીને ભાગ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

સંકટોની શીખ

કારમી ગરીબીને કારણે અમેરિકાની ડોરોથી ડિક્સને હંમેશાં કાળી મજૂરી કરવી પડી. વખતોવખત માંદગીથી ઘેરાઈ જતી હોવાને કારણે શરીર બીમાર હોય તોપણ જાત ઘસીને નહીં, બલ્કે તોડીને કામ કરવું પડ્યું. આને કારણે એ યુવાનીમાં જ વૃદ્ધ બની ગઈ. વળી જીવનમાં એવી કેટલીય અણધારી આપત્તિઓ આવી કે જેનો હિસાબ નહીં. એ પોતાની જિંદગીનું વિહંગાવલોકન કરતી ત્યારે એને એમ લાગતું કે જીવન એ એક યુદ્ધક્ષેત્ર જેવું છે કે જેમાં તૂટેલાં સ્વપ્નો, ભસ્મીભૂત થયેલી આશાઓ અને અણધાર્યા આઘાત ચોપાસ વિખરાયેલાં પડ્યાં છે. આકસ્મિક આફતોને કારણે એ શરીરથી નિર્બળ બની ગઈ અને સમય જતાં દિવ્યાંગ પણ થઈ ગઈ. આમ છતાં ડોરોથી ડિક્સ હંમેશાં વિચારતી રહી કે ગઈ કાલે આવેલી અઢળક મુસીબતોનો મેં સામનો કર્યો છે. આજે પણ હિંમતભેર એ મુસીબતો સામે લડી રહી છું. તો પછી આવતીકાલે આવનારી ભવિષ્યની અણદીઠ મુસીબતોની ચિંતા શા માટે કરવી? મનમાં એવો વિચાર પણ શા માટે લાવવો ? ડોરોથી ડિક્સે આજના આનંદમાં જીવતાં ને રહેતાં શીખી લીધું અને તેને પરિણામે આવતીકાલની ચિંતામાંથી ઊગરી ગઈ. એ કહેતી હતી, ‘જો હું કાલે એના પર વિજય મેળવી શકું, તો આજે કેમ નહીં?’ અને આ વિચારને કારણે એણે ક્યારેય પોતાની જાત માટે લાચારી અનુભવી નહીં કે અણધારી આફતોની કલ્પના કરીને ક્યારેય ભયભીત થઈ નહીં. એણે જોયું કે જિંદગીમાં બનતી ઘટનાઓ પ્રત્યે ક્યારેક હસવું આવે છે તો ક્યારેક રડવું આવે છે. ડોરોથી ડિક્સે નક્કી કર્યું કે ગમે તેટલાં સંકટોથી ઘેરાયેલી હોઈશ તોપણ અને ચિંતામાં ડૂબેલી હોઈશ તેમ છતાં એ સઘળી વાતો પ્રત્યે હું હસીશ. સંકટોને કારણે દુ:ખી નહીં થાઉં, કારણ કે આ સંકટો જ મને જીવનનો અખિલાઈથી પરિચય આપે છે અને સંઘર્ષો મને શીખવી ગયા છે કે જેના જીવનમાં સંઘર્ષ નથી, એ કશું પ્રાપ્ત કરી શકતા નથી.

Categories
વાચન સમૃદ્ધિ

આદર્શ માનવીનું પૉર્ટ્રેટ

નિશાળની શિક્ષિકા લિન્ડા બિરટિશ વિદ્યાર્થીઓમાં પુષ્કળ ચાહના ધરાવતી હતી. અઠ્ઠાવીસ વર્ષની લિન્ડા બિરટિશને એકાએક માથામાં સખત દુ:ખાવો ઊપડ્યો. લાંબા પરીક્ષણને અંતે ડૉક્ટરોએ એના મગજમાં ઘણી ટ્યૂમર હોવાનું નિદાન કર્યું. સાથોસાથ એમ પણ કહ્યું કે એનું ઑપરેશન કરવું મુશ્કેલ છે. ઑપરેશનમાં બચવાની આશા માત્ર બે ટકા જ છે, આથી છ મહિના સુધી રાહ જોવાનું નક્કી કર્યું. આ છ મહિના દરમિયાન લિન્ડા અતિ ઉત્સાહથી આનંદભેર કાવ્યરચના કરતી હતી અને મનગમતા વિષય પર ચિત્રો દોરતી હતી. એના વિપુલ સર્જનમાંથી માત્ર એક જ કવિતા સામયિકમાં પ્રગટ થઈ અને એનું માત્ર એક જ ચિત્ર આર્ટ ગૅલરીમાં વેચાયું, પણ તેથી શું ? લિન્ડાની સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી ગઈ. કૅન્સર ફેલાવા લાગ્યું. આખરે ઑપરેશન કરવાનું નક્કી કર્યું. ઑપરેશન પૂર્વે લિન્ડાએ પોતાના વસિયતનામામાં દેહદાન કરવું તેમ લખ્યું. કમનસીબે લિન્ડાનું ઑપરેશન નિષ્ફળ ગયું અને એ મૃત્યુ પામી. લિન્ડાની આંખો એક અઠ્ઠાવીસ વર્ષના અંધ યુવાનને મળી. એ યુવાનના જીવનમાં અજવાળું ફેલાયું. પોતાને રોશની આપનાર વ્યક્તિનાં કુટુંબીજનોનો આભાર માનવા માટે આઈ બૅંકમાંથી સરનામું મેળવીને એ યુવાન લિન્ડાના ઘેર પહોંચ્યો. એણે ‘સગી’ આંખે જોયું તો મૃત લિન્ડા પ્લૅટોનાં પુસ્તકો વાંચતી હતી. એણે પણ બ્રેઇલમાં પ્લૅટોનાં પુસ્તકો વાંચ્યાં હતાં. લિન્ડા હેગલ વાંચતી હતી. એણે પણ બ્રેઇલ લિપિમાં હેગલ વાંચ્યો હતો. લિન્ડાની માતાએ આ યુવકને જોઈને કહ્યું કે તમને ક્યાંક જોયા હોય તેવું લાગે છે. ક્યાં જોયા હશે, તે અંગે ખૂબ વિચાર કર્યો. એકાએક યાદ આવ્યું. લિન્ડાનાં માતા એકાએક દાદર ચડીને લિન્ડાના ખંડમાં ગયાં અને લિન્ડાએ દોરેલું આદર્શ માનવીનું પૉર્ટ્રેટ લઈ આવ્યાં. આ પૉર્ટ્રેટ બરાબર જેને લિન્ડાની આંખ મળી હતી તે યુવાનના જેવું હતું.