Categories
વાચન સમૃદ્ધિ

પોપટને પાંજરું જ વહાલું લાગશે

વ્યક્તિને સૌથી મોટો ભય છે કારાગૃહ રચી આપનારા ગુરુઓથી. આ ગુરુ તમને એક સુવિધાયુક્ત કેદખાનું રચી આપશે, જેની આસપાસ એમની વાણી, એમના ગ્રંથો અને એમની વિચારધારાની દીવાલો ચણશે. એમનો હેતુ તો તમને એ જ સૂર્યપ્રકાશ બનાવવાનો છે, જેને તેઓ સૂર્યપ્રકાશ માને છે. એ જ રાતનો અનુભવ કરાવવો છે, જેમાં એમને અંધકાર ભાસે છે. આ કારાગૃહમાં સળિયા નથી કે જેથી તમે બહારનું જગત જોઈ શકો. આ કારાગૃહમાં ચોતરફ એમણે રચેલી રૂઢિચુસ્તતાની દીવાલો છે, જેમાં રક્ષક બનીને તેઓ એની આસપાસ ઘૂમી રહ્યા છે. આમાંથી મુક્ત થવાનો વિચાર કરવો તે મહાપાપ કહેવાય તેમ ઠસાવી દેવામાં આવશે. થોડું મૌલિક વિચારશો, તો તમને પ્રગતિશીલ કહીને હળવી ઉપેક્ષા આપશે કે નાસ્તિક કહીને તમારા પર પ્રહાર કરશે. એમ છતાં મુક્તિ માગશો તો રૂઢિ, પરંપરા અને નરકનો મહા ભય બતાવશે. પાંજરામાં વસતો પોપટ એનાથી એટલો ટેવાઈ જાય છે કે એ પાછો પાંજરામાં જ આવી જાય, તેમ કેદખાનાના વાસીઓને આ કારાગૃહ કોઠે પડી જશે. મુક્ત ગગનમાં ઊડીને ભોજનની શોધ કરવાને બદલે આ કારાગૃહના ગુલામ પોપટને કારાગૃહનું તૈયાર ભોજન ભાવી જશે. અન્ય શસ્ત્રો તરફ તમને સૂગ પેદા કરશે અને અન્ય જ્ઞાન પ્રત્યે તમારી આંખે પાટા બાંધશે. સમય જતાં આ કારાગૃહમાં જ સુરક્ષા લાગશે, તેથી બહારની મુક્તિ વિચારની દુનિયાને બદલે આ ગુલામી જ સુખરૂપ લાગવા માંડશે. આવા કોઈ જાતના, રૂઢિના, સંપ્રદાયના, ગુરુના કે અમુક ખ્યાલના કારાગૃહમાં આપ કેદ નથી ને ? તે સ્વયંને જ પૂછવું પડે !

Categories
વાચન સમૃદ્ધિ

કક્કો ખરો કરનાર બારાક્ષરી ગુમાવે છે

પોતાનો કક્કો ખરો કરાવનારી વ્યક્તિ કોઈ સભામાં જાય, ત્યારે બીજાના વિચારો તરફ આદર આપવાને બદલે માત્ર પોતાના વિચારો જ ઝીંકે રાખે છે. પોતાની વાત કરતાં કરતાં એ ઉશ્કેરાઈ જાય છે. ગુસ્સે થઈ જાય છે. ક્યારેક આંખમાં બનાવટી આંસુ લાવે છે, પરંતુ ગમે તેમ કરીને પણ એ પોતાનું ધાર્યું સિદ્ધ કરે છે. આવી ધાર્યું સિદ્ધ કરવાની એની ટેવ એના ઘરમાં પણ અખંડિત હોય છે. ઘરની બાબતોમાં પણ એ પોતાની વાત કોઈ પણ રીતે બીજાઓ પર ઠસાવવા માગે છે. આને માટે જરૂર પડે એ ધાકધમકીનો ઉપયોગ કરે અથવા તો પોતાના ક્રોધની મદદ લે છે, પરંતુ ઑફિસમાં હુકમ ચલાવવાની એની ટેવ ઘરમાં પણ બરકરાર રાખે છે. મનોમન એ ફુલાય છે કે એની કેટલી બધી ધાક છે અને એનો ગર્વ વિકસે છે, કારણ કે બધે જ એનું ધાર્યું થાય છે. સમય જતાં પરિસ્થિતિ પલટાય, તોપણ એ એનું વલણ છોડતો નથી અને પરિણામે ખૂબ દુ:ખી થાય છે. એ વાત ભૂલી ગયો હોય છે કે કોઈ પણ પ્રશ્નને અનેક બાજુઓ હોય છે અને કોઈ પણ સમસ્યાના ઘણા ઉકેલ હોય છે. એ માત્ર પોતાની ‘શૈલી’ પ્રમાણે ઉકેલ વિચારતો હોય છે, પરંતુ એમ કરવા જતાં એ ઉકેલને યોગ્ય એવી બીજી શૈલીઓની ઉપેક્ષા કરે છે. વ્યવસાયમાં ધૂંવાંપૂંવાં રહેતી વ્યક્તિ ઘરમાં પણ એ જ રીતે વર્તતી હોય છે. એની છવાઈ જવાની કે ધાક બેસાડવાની ટેવ બધે સરખી પ્રવર્તતી હોય છે. પ્રભાવ પાડવાનો પ્રયત્ન ઘણી વાર માનવીની પામર વૃત્તિમાંથી પ્રગટતો હોય છે. પોતાની હાજરીની કોઈ પણ ભોગે નોંધ લેવાય તે માટે વિવાદો જગાવીને ક્ષુદ્ર વર્તન કરતો હોય છે. આમ કરવા જતાં એના જીવનની સાહજિકતા ગુમાવતો જાય છે અને પછી એ પોતે જ પોતાના પ્રભાવક પાંજરામાં પુરાઈ જાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

ધૂળનું વાવેતર

‘ફિલાડેલ્ફિયા બુલેટિન’ સામયિક એની કેટલીક વિશેષતાઓ માટે પ્રસિદ્ધ હતું. એની એક વિશેષતા હતી સત્યોને આકર્ષક રીતે પ્રસ્તુત કરવાની. એના સંપાદક ફ્રેડ ફૂલર શેડ છટાદાર શૈલીમાં એવી રીતે વિચારોનું આલેખન કરતા કે વાચકને તે અત્યંત હૃદયસ્પર્શી બની જતું. સાંપ્રત સંવેદનાઓ અને સમસ્યાઓનું તેઓ પ્રભાવક રીતે આલેખન કરતા. સંપાદક ફ્રેડ ફૂલર શેડ આ કલામાં માહિર હતા. એક વાર આ સંપાદકને કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન માટે નિમંત્રણ આપવામાં આવ્યું. ફ્રેડ ફૂલર શેડે કૉલેજના યુવાન વિદ્યાર્થીઓને પૂછ્યું, ‘તમારામાંથી કોઈએ એમના જીવનમાં કોઈ લાકડું કાપ્યું છે ખરું ?’ આ વિસ્તારમાં એ સમયે ઘણા યુવાનો ખેતીકામ કરતા હતા. સંપાદકનો આ સવાલ સાંભળતાં ઘણાએ આંગળી ઊંચી કરી. એ પછી એમણે બીજો પ્રશ્ન પૂછ્યો, ‘તમારામાંથી કોઈએ ખેતરમાં બીજની જગ્યાએ ધૂળની વાવણી કરી છે ખરી ?’ યુવાન વિદ્યાર્થીઓ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ‘આવું તે થતું હશે ? ધૂળ કંઈ વાવી શકાય ખરી ?’ ફ્રેડ ફૂલર શેડે કહ્યું, ‘દોસ્તો, તમારી વાત સાવ સાચી છે. ખેતરમાં ધૂળ વાવી શકાય નહીં, કારણ કે એ પહેલેથી જ ત્યાં મોજૂદ હોય છે, ખરું ને !’ વિદ્યાર્થીઓએ આ વાતનો સ્વીકાર કર્યો. ફ્રેડ ફૂલર શેડે કહ્યું, ‘ભૂતકાળની બાબતોને વારંવાર ઉખેળીને વર્તમાનને જીવવાનો પ્રયાસ કરવો નહીં. અતીતમાં દફનાવેલી બાબતોને તમે સતત બહાર લાવવાનો પ્રયાસ કરશો, તો તે તમારા ખેતરમાં ધૂળ વાવવા જેવું ગણાશે. એનો કશો જ અર્થ નથી.’