Categories
વાચન સમૃદ્ધિ

ભય ભૂતકાળ કરતાં ભવિષ્યમાં વધુ જીવે છે

એ હકીકત છે કે ભય વિનાની કોઈ વ્યક્તિ તમને આ જગતમાં જડશે નહીં. નિર્ભયતાનો દાવો કરનારી વ્યક્તિ ઘણી વાર બડાશ હાંકીને એના ભયને છુપાવતી હોય છે. ગમે તેવો મહાન ખેલાડી પણ મેદાન પર જતી વખતે રમત પૂર્વે ભયથી એકાદ કંપારી અનુભવે છે. કોઈ કુશળ અદાકારને પૂછશો તો તે પણ કહેશે કે નાટકના તખ્તા પર પ્રવેશતાં પૂર્વે થોડી ક્ષણ ‘શું થશે ?’નો ભય એને સતાવતો હોય છે. અતિ તેજસ્વી વિદ્યાર્થીના મનમાં પણ પરીક્ષા પૂર્વે નિષ્ફળતાનો ભય લટાર લગાવી જતો હોય છે. એ સાચું કે કેટલાક ભયને હસી કાઢે છે અથવા તો એને વિશેષ મહત્ત્વ આપતા નથી. આવી વ્યક્તિ પણ ભીતરમાં ભય અનુભવતી હોય છે. કોઈને વસ્તુનો ભય લાગે છે, તો કોઈને વ્યક્તિનો ભય લાગે છે. કોઈને ગરીબીને કારણે ભવિષ્ય કેવું દુ:ખદ જશે એનો કાલ્પનિક ડર લાગતો હોય છે તો કોઈને પોતાની અમીરાઈ છીનવાઈ જશે તો શું  થશે એવો ભાવિનો ભય સતાવતો હોય છે. ભયને ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ વધુ પસંદ છે. આમ ભય એ એક સર્વવ્યાપક લાગણી છે, આથી નિર્ભયતાની બડાશ હાંકવાને બદલે પોતાના ભીતરના ભયને સ્વીકારીને ચાલવું જોઈએ અને માનવું જોઈએ કે પ્રત્યેક ભયગ્રસ્ત પરિસ્થિતિનો કોઈ ને કોઈ ઉકેલ હોય છે, એમ મારી ભયની ભાવનાનો પણ ઉકેલ શોધીને તેમને નિર્મૂળ કરીશ. નિર્ભયતા એ માનવમુક્તિનો પહેલો પાઠ છે. નીડરતા એ ડર કે ભય સામેનું બ્રહ્માસ્ત્ર છે અને અભય એ આધ્યાત્મિકતાનું ઉચ્ચ શિખર છે. વિચારની સ્પષ્ટતા, આચરણની દૃઢતા અને પરોપકારની ભાવના ધરાવનારને ભય કદી સ્પર્શી શકતો નથી.

Categories
વાચન સમૃદ્ધિ

વિરોધીની ચિંતા

ગ્રીસના અત્યંત પ્રભાવશાળી રાજપુરુષ, પ્રખર વક્તા અને ઍથેન્સ નગરના જનરલ પેરિક્લિસે (ઈ. સ. પૂર્વે ૪૯૫થી ઈ. સ. પૂર્વે ૪૨૯) ઍથેન્સ નગરના સમાજજીવન પર ગાઢ પ્રભાવ પાડ્યો. એને ઍથેન્સનો ‘પ્રથમ નાગરિક’ તરીકે ઓળખવામાં આવ્યો. એણે ઍથેન્સમાં કલા અને સાહિત્યની પ્રવૃત્તિને ઉત્તેજન આપીને પ્રાચીન ગ્રીસના આ નગરને શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવ્યું. પેરિક્લિસ એ લોકશાહીનો પ્રબળ પુરસ્કર્તા હતો અને ઉત્તમ શાસક હોવા છતાં પ્રજામાં એના ટીકાખોરો અને નિંદાખોરો તો હતા. એક દિવસ એના એક પ્રખર વિરોધીએ પેરિક્લિસ પર આક્ષેપોનો મારો ચલાવ્યો. સવારથી એને વિશે બેફામ વિધાનો કર્યાં. દોષારોપણ કર્યાં અને ગુસ્સાભેર એની સમક્ષ અપમાનજનક વચનો કહ્યાં. પેરિક્લિસ વિરોધીઓની ટીકાથી સહેજે અકળાતો નહીં. એ શાંતિથી  સઘળું સાંભળતો રહ્યો. એના વિરોધીએ આખી બપોર આક્ષેપબાજીમાં ગાળી અને સાંજ પડી છતાં એ અટક્યા નહીં. અંધારું થવા લાગ્યું. પેલો વિરોધી બોલી બોલીને અને હાથ ઉછાળી ગુસ્સો કરીને થાક્યો. એ ઘેર જવા લાગ્યો ત્યારે પેરિક્લિસે એના સેવકને બોલાવીને કહ્યું, ‘તું એની સાથે ફાનસ લઈને જા. અંધારામાં એને રસ્તો નહીં જડે અને ક્યાંક ભૂલો પડી જશે.’ પેરિક્લિસનાં આ વચનો સાંભળી એનો પ્રખર વિરોધી વિચારમાં પડ્યો. એના પર આક્ષેપોની ઝડી વરસાવી. કશું કહેવામાં બાકી રાખ્યું નહીં છતાં પેરિક્લિસ મારી આટલી બધી સંભાળ લે છે. આમ વિચારતાં એનો ગુસ્સો ઓગળી ગયો અને પોતાના દુર્વર્તન બદલ ક્ષમા માગી.

Categories
વાચન સમૃદ્ધિ

મૃત્યુ પછી પણ જીવતાં-ધબકતાં સત્કર્મો

આ જગત પરથી જીવનલીલા સંકેલી લીધા બાદ કશું શેષ રહે છે ખરું  કે પછી વ્યક્તિના દેહનાશની સાથોસાથ એણે પ્રાપ્ત કરેલાં યશ, સિદ્ધિ અને સમૃદ્ધિ સઘળું સમાપ્ત થઈ જાય છે ? વ્યક્તિનું અવસાન થયા પછી ધરતી પર એનું કશું બચે છે ખરું કે અગ્નિસંસ્કારની ભડભડતી આગમાં બધુંય ભસ્મીભૂત થઈ જાય છે ? નાશવંત જીવનમાં અવિનાશી હોય તો તે સત્કર્મ છે. કર્મ તો સહુ કોઈ કરે છે, કોઈ આજીવિકા માટે તો કોઈ અંગત સિદ્ધિ માટે, પરંતુ આવાં કર્મો કરનાર મૃત્યુ બાદ વિસ્મૃતિ પામે છે. કારણ કે માનવીનાં અંગત કામ તો વહેતા પ્રવાહમાં વહી જનારાં હોય છે. એ સામા પૂરે તરીને કોઈ સત્કર્મ કરનારો હોતો નથી. ગાડરિયા પ્રવાહે ચાલનાર વ્યક્તિના અસ્તિત્વની એના મૃત્યુ પછી કોઈ નોંધ પણ લેતું નથી અને એનો કોઈ અણસાર રહેતો નથી. દેહ સાથે સઘળું ભસ્મીભૂત થઈ જાય છે, જ્યારે સ્વાર્થ, સંકુચિતતા અને ભૌતિકતા જેવા અવરોધો પાર કરીને માનવી માટે કલ્યાણકારી સત્કર્મો કરનારને સહુ કોઈ યાદ કરે છે. સત્કર્મ કરવાની બે જ રીત છે, કાં તો તમે તમારી વાણી કે લેખિની દ્વારા સત્કર્મને પ્રગટ કરો અથવા તો તમે સ્વયં સત્કર્મ કરી બતાવો. આમ કાર્ય અને કલમ દ્વારા થયેલાં સત્કર્મો જ વ્યક્તિના મૃત્યુ પછી એના સ્મરણની સુવાસ આપતાં રહે છે. નાશવંત અને શાશ્વતનો ભેદ વહેલી તકે પારખી લેવો જોઈએ અને જેની નજર શાશ્વત સત્કર્મ પર છે તેની સામે નાશવંત બાબતો નાશ પામે છે. સત્કર્મ અ-મૃત છે. એ વ્યક્તિ જીવંત હોય કે દિવંગત હોય, પણ એના ભાવ સદાય વાતાવરણમાં સુવાસ પ્રેરતા હોય છે. પોતાના દેહની અને મનની શક્તિઓ સામાજિક કાર્યોમાં રેડીને કાર્ય કરનાર માનવીનાં દેહ કે મન ન હોય, તોપણ એનાં સત્કર્મ શાશ્વત રહે છે.