Categories
વાચન સમૃદ્ધિ

નૅગેટિવ વિચારના ‘સ્ટેજ’ આવે છે

નૅગેટિવ (નકારાત્મક) વિચારો એક એવું કૅન્સર છે કે જે લાગુ પડ્યા પછી સતત ફેલાતું રહે છે અને જેમ કૅન્સરમાં કથળતી હાલતના એક પછી એક ‘સ્ટેજ’ આવે છે, એ રીતે નૅગેટિવ વિચારોના એક પછી એક વધુ નુકસાનકારક તબક્કાઓ આવે છે અને વ્યક્તિ એનો શિકાર બની જાય છે. ભીતરમાં બે અવાજ રહેલા હોય છે. એક અવાજ પૉઝિટિવ હોય છે અને બીજો નૅગેટિવ હોય છે. પૉઝિટિવ વિચારધારા ધરાવનાર માણસને બે રાત વચ્ચે એક ઝળહળતો દિવસ દેખાય છે. નૅગેટિવ વ્યક્તિને બે રાત વચ્ચે ‘સૅન્ડવિચ દિવસ નજરે પડે છે. નૅગેટિવ વિચારો ચેપી રોગના જંતુઓ જેવા છે, જે શરીરમાં ખૂબ ઝડપથી પ્રસરી જાય છે, એને માટે એ દાખલા, દલીલો ઊભાં કરશે. એ કામ તદ્દન વ્યર્થ હોવાનું માનશે. એમાં આવનારી મુશ્કેલીઓ જોઈને એને અશક્ય ગણીને આઘું હડસેલી મૂકશે. જ્યારે પૉઝિટિવ વિચાર કરનાર એમાં આવનારા અવરોધોનો સામનો કઈ રીતે કરવો એનો વિચાર કરશે. નિષ્ફળતા જોઈને અટકી જવાને બદલે સફળતાની શક્યતાઓ પર દૃષ્ટિ ઠેરવે છે. પ્રયત્ન કરવામાં વાંધો શો ? એમ માનીને એ નિષ્ફળતાના ખ્યાલને અળગો કરે છે. નૅગેટિવ વિચારો ભયનો અને શંકાનો શ્વાસ લેતા હોય છે, જ્યારે પૉઝિટિવ વિચારો મહેનતનો અને ધૈર્યનો શ્વાસ લેતા હોય છે. નૅગેટિવ વિચારો એ પીછેકૂચ કરવાના પેંતરાઓ વિચારે છે, જ્યારે પૉઝિટિવ વિચારો આગેકૂચના ઉત્સાહ સાથે આગળ વધતા હોય છે. ‘જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ’ તે ન્યાયે નૅગેટિવ વિચાર કરનારને દુનિયામાં આક્રંદ અને રુદન સંભળાય છે, તો પૉઝિટિવ વિચાર કરનારની આખી દુનિયા ખિલખિલાટ હસતી હોય છે.

Categories
વાચન સમૃદ્ધિ

દેશબંધુત્વ લાજે !

મહાન તત્ત્વજ્ઞાની અને મહાત્મા ગાંધીજીની વિચારધારા પર પ્રભાવ પાડનાર સૉક્રેટિસે ( જન્મ ઈ. સ. પૂર્વે ૪૬૯, અવસાન ઈ. સ. પૂર્વે ૩૯૯ ) ગ્રીસના ઍથેન્સ મહાનગરના સૈન્યમાં પ્રભાવક કામગીરી બજાવી હતી. કડકડતી ઠંડીમાં જ્યારે બીજા સૈનિકો બૂટ-મોજાં પહેરીને બહાર નીકળતા, ત્યારે સૉક્રેટિસ ખુલ્લા પગે બીજાના જેટલી ઝડપે જ કૂચ કરતો હતો. એ દિવસો સુધી ભૂખ્યો રહી શકતો અને થાકવાનું તો નામ જ લેતો નહીં. આવા સૉક્રેટિસે પેલોપોનીસીયન યુદ્ધમાં ભાગ લીધો. આ યુદ્ધ સત્યાવીસ વર્ષ સુધી ચાલ્યું. ઍથેન્સ તરફથી સૉક્રેટિસે એમ્ફીપોલિસ, ડેલિયમ, પીટિડીઆ એવાં ત્રણ યુદ્ધોમાં ભાગ લીધો હતો. એક યુદ્ધમાં ઍથેન્સ પીછેહઠ કરી રહ્યું હતું, ત્યારે બધા સૈનિકો યુદ્ધભૂમિ છોડીને નાસી રહ્યા હતા. આ યુદ્ધમાં ઍથેન્સનો વીર સૈનિક ઝેનોફન ઘાયલ થઈને યુદ્ધભૂમિ પર પડ્યો હતો. ભાગતા સૈનિકોમાંથી કોઈને ઝેનોફન તરફ નજર નાખવાની ફુરસદ નહોતી, પરંતુ સૉક્રેટિસે ઘાયલ ઝેનોફનને પોતાની પીઠ પર ઊંચકી લીધો અને એ પછી ઍથેન્સ નગર તરફ દોડવા લાગ્યો. સૉક્રેટિસના એક સાથી સૈનિકે સૉક્રેટિસને કહ્યું પણ ખરું, ‘દુશ્મન દળો પાછળ આવી રહ્યાં છે. જો એમના હાથમાં તું ઝડપાઈ જઈશ, તો જીવતો બચવાનો નથી, માટે આ ઝેનોફનને છોડીને દોડવા માંડ.’ સૉક્રેટિસે કહ્યું, ‘એ મારે માટે શક્ય નથી. ત્યારે સૈનિકે એનું કારણ પૂછ્યું અને સૉક્રેટિસે જવાબ વાળ્યો, ‘જુઓ, આપણે યુદ્ધ ખેલવા નીકળ્યા છીએ. સૈનિકને કદી મોતનો ભય હોય નહીં, એટલે મને શત્રુસેના ઝડપી લેશે અને મારું મૃત્યુ થશે એ બાબતની મને પરવા નથી. બીજી વાત એ કે દેશને ખાતર લડવા નીકળેલા આપણે માટે દેશ સર્વોપરી હોય છે. જો હું મારા સાથી અને આપણા વીર દેશબંધુ ઝેનોફનને મારા જીવ બચાવવાના સ્વાર્થને ખાતર ઘાયલ દશામાં છોડીને નાસી છૂટું, તો મારું દેશબંધુત્વ ક્યાં રહે ? મારી ઍથેન્સ તરફથી વફાદારી લજવાય. તમે જાવ, હું એને લઈને જ આવીશ.’

Categories
વાચન સમૃદ્ધિ

અપેક્ષા એ અન્યના સ્વાતંત્ર્ય પર તરાપ છે !

ઇચ્છા અને અપેક્ષાઓના યુદ્ધમાં વ્યક્તિ ખુવાર થઈ જાય છે. એ સતત પોતાના સ્વજનો પાસે અમુક અપેક્ષાઓ રાખે છે. પુત્ર, પત્ની, મિત્ર કે સહયોગી પર એણે પોતાની અપાર અપેક્ષાઓ ટેકવી હોય છે અને તેઓએ એ મુજબ જ વર્તન કરવું જોઈએ તેમ માને છે. પત્ની અપેક્ષા મુજબ વર્તન કરે નહીં તો પતિને દુ:ખ થાય છે. મિષ્ટાન્ન ખાવાની પતિની ઇચ્છા સંતૃપ્ત ન થાય તો એની અપેક્ષાઓ ઘવાતાં ભારે દુ:ખ પહોંચે છે. દરેક પિતા તેજસ્વી અને પ્રભાવશાળી પુત્ર હોય એમ ઇચ્છે છે, પરંતુ સાથોસાથ એ પરમ આજ્ઞાંકિત હોય તેવી અપેક્ષા રાખે છે. પ્રતિભાશાળી અને આજ્ઞાંકિત વચ્ચે વિરોધ પણ જાગે છે, કારણ કે જે પ્રતિભાશાળી હોય છે, એ નિશ્ચિત ચોકઠામાં રહી શકતો નથી. લાદેલાં બંધનો કે દોરેલી લક્ષ્મણરેખામાં કાર્ય કરવું એને માટે મુશ્કેલ હોય છે. એટલે એક બાજુ પુત્ર નવાં નવાં શિખરો સર કરે એવી અપેક્ષા રાખે છે બીજી બાજુ એ પુત્ર આપણી સાથે આપણને ગમતું જ વર્તન કરે એમ ઇચ્છીએ છીએ. અપેક્ષા એ અન્યના સ્વાતંત્ર્ય પર સૂક્ષ્મ રીતે લગાવાતી તરાપ છે. માગણી એ અપેક્ષાની જીવાદોરી છે. માગણીની લાગણી સંતોષાય તો અપેક્ષાને સાતા વળે છે. પણ જો માગણીની લાગણી સંતોષાય નહીં તો અપેક્ષા બૂમરેંગ થાય છે અને આઘાત અનુભવેલું હૃદય પ્રત્યાઘાતોથી શીર્ણ-વિશીર્ણ થઈ જાય છે. અપેક્ષાને મનમાં રાખવી જોઈએ, પરંતુ એને હૃદયના સિંહાસન પર બેસાડવી જોઈએ નહીં. મનમાં રહેલી અપેક્ષાનું વિસ્મરણ થઈ શકે, પરંતુ હૃદયના સિંહાસને બઠેલી અપેક્ષા તો સતત સ્મરણથી નિરાશા, કટુતા અને નિ:સાસાને જ નિમંત્રે છે.