Categories
વાચન સમૃદ્ધિ

માલિક કે ગ્રાહક

વિશ્વના અગ્રણી મોટર-ઉત્પાદક અને ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા હેન્રી ફૉર્ડ પોતાના વ્યવસાય અર્થે ઇંગ્લૅન્ડ ગયા. ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા હેન્રી ફૉર્ડે ખાણ, સ્ટીલ-પ્લાન્ટ, રબર-ઉત્પાદન તેમજ લડાઈના માલસામાનના ઉત્પાદનમાં રસ લીધો, પરંતુ એમણે મોટર-કારના જથ્થાબંધ ઉત્પાદનથી ક્રાંતિ કરી.  વિશ્વના બધા દેશોમાં ફૉર્ડ કારના મૉડલ ‘T’ ઉપરાંત બીજાં અનેક મૉડલો પ્રચલિત બન્યાં હતાં અને મોટરકારના ઉત્પાદનમાં ક્રાંતિ સર્જાતાં અમેરિકાના આર્થિક અને સામાજિક જીવન પર પણ ઘણો પ્રભાવ પડ્યો. વિશ્વપ્રસિદ્ધ હેન્રી ફૉર્ડ પોતાના અંગત કામ માટે લંડન શહેરમાં આવ્યા અને બ્રિટનના લોકોને એ જાણીને આશ્ર્ચર્ય થયું કે વિશ્વપ્રસિદ્ધ ફૉર્ડ-કારના નિર્માતા સ્વયં રૉલ્સ રોયસ કારમાં ફરી રહ્યા છે. કોઈએ આ અંગે એમને પૂછ્યું નહીં, પરંતુ જ્યારે તેઓ ઇંગ્લૅન્ડના સમ્રાટ જ્યોર્જ પાંચમાને મળવા ગયા, ત્યારે એમણે સવાલ કર્યો, ‘મિ. ફૉર્ડ, તમારી કારના વિજ્ઞાપનમાં તમે લખો છો કે ફૉર્ડ એ જગતની સૌથી સારામાં સારી મોટરકાર છે, તેમ છતાં ઇંગ્લૅન્ડમાં તમે તમારી કંપનીની કારને બદલે બીજી કંપનીની કારમાં કેમ ફરો છો ? આ બાબત ભારે અટપટી લાગે છે.’ ફૉર્ડે કહ્યું, ‘સમ્રાટ, એ વાત તો હું ચોક્કસ કહીશ કે મારી કાર એ વિશ્વની સૌથી ઉત્તમ કાર છે. મારા એ મતમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ તમને શું કહું ? હું મારા મૅનેજરને વારંવાર કહી ચૂક્યો છું કે મારે લંડનમાં ઘૂમવા માટે ફૉર્ડ કારની જરૂર છે, પણ એ કહે છે કે મોટર તૈયાર થતાં જ એ તરત વેચાઈ જાય છે. તેથી મારે માટે સવાલ એ છે કે ફૉર્ડ કાર ગ્રાહકને આપું કે માલિકને આપું ? આને પરિણામે હું ફૉર્ડમાં ફરી શકતો નથી અને તેથી સેકન્ડ બેસ્ટ કાર રૉલ્સ રોયસનો ઉપયોગ કરું છું.’ ફૉર્ડનો આ ઉત્તર સાંભળીને સમ્રાટ ચકિત થઈ ગયા અને લોકોને આ પ્રસંગની જ્યારે જાણ થઈ, ત્યારે ખ્યાલ આવ્યો કે ફૉર્ડની અપ્રતિમ સફળતાનું રહસ્ય શું છે.

Categories
વાચન સમૃદ્ધિ

વાચાળ જીભને બદલે શ્રવણસુખી કાન આપો

માણસ સામે ચાલીને પોતાની જાતને અળખામણી કે અણગમતી બનાવતો હોય છે. એ એટલો બધો અળખામણો બની જાય છે કે લોકો એનો ‘પીછો’ છોડાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. એને ટાળવા માટે બહાનાં ઊભાં કરે છે અને એને જોતાં જ એક પ્રકારની ‘ઍલર્જી’ અનુભવે છે. આનું કારણ એ કે એ વ્યક્તિ બીજાની સાથે વાર્તાલાપ કરતી વખતે માત્ર પોતાની જાતને જોતો હોય છે. એ બીજાને મળે છે, ત્યારે એનો હેતુ શ્રોતા બનવાને બદલે વક્તા બનવાનો હોય છે. સામેની વ્યક્તિ સાંભળે કે ન સાંભળે, તોપણ એ પોતાની કથા કહેતો રહે છે, બડાશ હાંકતો જાય છે અને અહંકારને પંપાળે છે. એ પોતાની જાતનું જ મહત્ત્વ કરતો રહે છે અને સામી વ્યક્તિને સ્થિતિસ્થાપક કે ફક્ત મૂક દર્શક માને છે. વાતચીત કરતી વખને જો સામેની વ્યક્તિને સમાદર આપવામાં નહીં આવે, તો એ વ્યક્તિને તમારો અહંકાર ખૂંચવા લાગશે. આને પરિણામે એ ઉપેક્ષા સેવતી બની જશે. સામેની વ્યક્તિને સન્માનપૂર્વક સાંભળવાની જે તૈયારી રાખે છે, એ જ એના સન્માનને પાત્ર બની શકે છે. સામી વ્યક્તિને જીભ આપવાને બદલે કાન આપવા જોઈએ. શ્રવણ એ પણ એક કલા છે અને જેમને શ્રવણની કલા મળે છે તે સામી વ્યક્તિનો સ્નેહ પામી શકે છે. પોતાની જ વાત ‘હાંકે રાખનાર’ની વાતમાં બીજાને રસ પડતો નથી. થોડી વાર સાંભળ્યા પછી બેધ્યાન બની જાય છે. શરમે કે વ્યવહારથી એને સાંભળે તોપણ બહેરો બની જાય છે. સામેની વ્યક્તિનો સ્નેહ મેળવવા માટે એના હૃદયની વાત જાણવી જરૂરી છે. એ વાત સાંભળીને તમે એના વિચાર, વર્તન અને વ્યક્તિત્વ સઘળાંનો તાગ પામી શકશો.

Categories
વાચન સમૃદ્ધિ

તું યાદ કરજે !

વારંવાર ભૂકંપગ્રસ્ત બનતા જાપાનમાં આવેલા એક ભયાનક ભૂકંપથી સર્જાયેલી તબાહીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આવેલી ટુકડીનો અગ્રણી ધરાશાયી થયેલા મકાનમાં પહોંચ્યો. એણે જોયું તો તૂટી પડેલા મકાનના કાટમાળની નીચે એક સ્ત્રીનો મૃતદેહ પડ્યો હતો. જાણે પ્રાર્થનાની મુદ્રામાં હોય તેમ શરીરને ઘૂંટણથી આગળ ઝુકાવીને પડેલી હતી. જાણે કોઈ વસ્તુને એણે હૃદયસરસી ચાંપી ન હોય ! ખંડેર બનેલા મકાનની ઈંટોના મારથી એની કમર અને એના માથા પર જીવલેણ ઈજા પહોંચી હતી. એનું શરીર તદ્દન ઠંડું પડી ગયું હતું. સહુને ખ્યાલ આવ્યો કે આ સ્ત્રી ઉપરથી પડેલા મકાનની ઈંટોને કારણે મૃત્યુ પામી છે. બચાવ-ટુકડી આગળ વધી, પરંતુ એની આગેવાની સંભાળનારના મનમાં એક વિચાર આવ્યો કે આ સ્ત્રી ઘૂંટણિયે વળીને કેમ પડી હશે ? શું કશું શોધવા પ્રયત્ન કરતી હશે કે પછી એના હાથમાં કશુંક રાખીને પોતાનો જીવ બચાવવા એને વળગી પડી હશે ? ટુકડીનો આગેવાન પાછો આવ્યો અને એણે એ સ્ત્રીના મૃતદેહની નીચેથી તપાસ કરવાનો પ્રયત્ન કરતાં એ બોલી ઊઠ્યો, ‘અરે, અહીં એક બાળક છે !’ એનો અવાજ સાંભળી આખી ટુકડી પાછી આવી અને સ્ત્રીની આસપાસ પડેલા કાટમાળને ખસેડીને જોયું તો કામળીમાં વીંટાળેલું ત્રણ મહિનાનું એક બાળક એ સ્ત્રીના મૃતદેહની નીચેથી મળી આવ્યું. બધાને ખ્યાલ આવ્યો કે નક્કી માતાએ ઉપરથી થતા ચીજવસ્તુઓ અને ઈંટોના વરસાદથી બચાવવા માટે પોતાના બાળકને આમ કામળીમાં વીંટાળીને છાતીસરસો ચાંપીને ઘૂંટણભેર ઊભી રહી હશે. પોતાના શરીરને ઢાલ બનાવીને પોતાના સંતાનને બચાવવા પ્રયત્ન કરતી હશે. ટીમના આગેવાને કામળીમાં વીંટાળેલા બાળકને ઉપાડ્યું, તો એ બાળક નિરાંતે ઊંઘતું હતું. ડૉક્ટરે તરત જ બાળકની સારવાર શરૂ કરી. કામળી કાઢીને જોયું તો બાળકની પાસે એક સેલફોન પડેલો હતો. એ ફોનના સ્ક્રીન પર લખ્યું હતું. ‘જો તું બચી જાય, તો યાદ રાખજે કે તારી માતા તને ખૂબ ચાહતી હતી.’ મોબાઇલ પરનો સંદેશો વાંચી ટુકડીના સભ્યોની આંખો આંસુથી છલકાઈ ગઈ.