Categories
વાચન સમૃદ્ધિ

લોકોની માગ

નોકરીની શોધમાં ન્યૂયૉર્ક આવેલા નાના છોકરા થોમસ લિપ્ટને ઘણી મહેનત કરી, પણ નોકરી મેળવવામાં સફળતા હાથ લાગી નહીં. આવે સમયે એ છોકરાને એ વાતનું સ્મરણ થયું કે જહાજમાં બેસીને એ જ્યારે ન્યૂયૉર્ક તરફ આવતો હતો, ત્યારે પ્રવાસીઓમાં સતત એક ચર્ચા ચાલતી હતી કે અજાણ્યા ન્યૂયૉર્કમાં આપણે ક્યાં જઈશું, કઈ હોટલમાં ઊતરીશું ? એ હોટલ સસ્તી હશે કે મોંઘી, સલામત હશે કે જોખમી ? નોકરી મેળવવામાં નિષ્ફળતા મળતાં થોમસ લિપ્ટને એક નવો વિચાર કર્યો. એ હોટલના માલિક પાસે ગયો અને એમને કહ્યું, ‘હું તમને મહિને પચાસ પ્રવાસીઓ લાવી આપીશ. એના બદલામાં તમારે મને ભોજન અને નિવાસની સગવડ આપવાની.’ આ છોકરાની વાત પર પહેલાં તો મૅનેજરને વિશ્વાસ બેઠો નહીં, પણ પછી કહ્યું કે, ‘પચાસ તો ઠીક છે, પણ ચાલીસ પ્રવાસીઓ લાવીશ તોય તને એક મહિના સુધી ભોજન અને નિવાસની સગવડ આપીશ.’ પેલો છોકરો સામાન મૂકીને તરત ન્યૂયૉર્કના બંદર તરફ રવાના થયો. એ બંદર પર એક જહાજ આવ્યું હતું. એમાંથી ઊતરતા પ્રવાસીઓ પાસે જઈને આ છોકરાએ પોતાની હોટલમાં કેવી કેવી સગવડો છે એની વાત કરી. એનું ભાડું કેટલું ઓછું છે તે સમજાવ્યું અને એમાં મળતી વિશેષ સગવડોનું વર્ણન કર્યું. આમ પહેલા દિવસે જ આ છોકરો એકસાથે ચાલીસ કરતાંય વધુ પ્રવાસીઓને લઈને પોતાની હોટલ પર આવ્યો. એની આ કામયાબીથી મૅનેજર ખુશ થઈ ગયો અને હોટલમાં નોકરીએ રાખી લીધો. ધીરે ધીરે આ છોકરાએ પોતીકો ધંધો વિકસાવ્યો અને પોતાની અટકની બ્રાન્ડ સાથે ચાની કંપની શરૂ કરીને ‘લિપ્ટન ચા’ને દુનિયાભરમાં જાણીતી કરી.

Categories
વાચન સમૃદ્ધિ

આપણા મનની ગ્રંથિથી વ્યક્તિને બાંધીએ નહીં

કોઈ વ્યક્તિને મળીએ ત્યારે આપણે એને એક નિશ્ચિત છાપ સાથે મળતા હોઈએ છીએ. આ માણસ કુટિલ અને કાવતરાબાજ છે અથવા તો આ વ્યક્તિ તરંગી અને ધૂની છે એવી એક ચોક્કસ છાપ સાથે બીજાને મળતા હોઈએ છીએ. આને દુનિયાદારીનું લેશમાત્ર ભાન નથી કે પછી આ માણસ જેવો ઘમંડી બીજો કોઈ નથી, એમ એને જોતાં જ આપણું ચિત્ત ગાંઠ વાળીને બેસી જાય છે. પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિત્વ વિશે આપણે આવી મનની ગાંઠ ધરાવીએ છીએ, પરંતુ આમ કરવા જતાં એ વ્યક્તિના વ્યક્તિત્વનાં ઘણાં પાસાં ચૂકી જઈએ છીએ. આપણા મનમાં એને વિશેની છાપ પ્રમાણે એની વાત સંભાળીએ છીએ અને એ વાતનું પૃથક્કરણ કરીને અંતે આપણી છાપ અનુસાર એને ઘાટ આપીને સ્વીકારીએ છીએ. એ ગમે તે કહેશે, પરંતુ આપણે એને વિશેના આપણા નિશ્ચિત ઢાંચાથી જ સાંભળીશું. પરિણામે આપણે એની વાતને પૂરેપૂરી સમજી શકતા નથી. એના વ્યક્તિત્વને પામી શકતા નથી અને આપણી ‘લેબલ’વાળી અધૂરી સમજથી એને યોગ્ય રીતે નાણી શકતા નથી. ઘણી વાર આપણે એમ માનીએ છીએ કે અમે આવી વ્યક્તિઓ વિશે કોઈ નિશ્ચિત છાપ ધરાવતા નથી, પણ હકીકતમાં આવી છાપ આપણા મનમાં હોય છે અને એ સતત આપણા વ્યવહારમાં આડે આવતી હોય છે. વ્યક્તિને યોગ્ય સંદર્ભમાં જાણવા માટે કશાય પૂર્વગ્રહ વિનાના શ્રોતા બનવું જરૂરી છે. વ્યક્તિને સમજવા પ્રયાસ કરીએ તો જ એના વ્યક્તિત્વને પામી શકીએ. વ્યક્તિને પહેલાં એની આંખે જોઈએ પછી આપણી આંખે જોવાનો પ્રયાસ કરીએ. પૂર્વગ્રહ કે પૂર્વધારણાઓનાં ચશ્માં પહેરીને વ્યક્તિને જોવા જઈએ તો ઘણી મોટી થાપ ખાઈ જઈએ તેવો સંભવ છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઈર્ષા પરાજિત થઈ

સમગ્ર યુરોપમાં પ્રસિદ્ધ એવા માઇકલૅન્જેલોની ખ્યાતિ સાંભળીને એક ચિત્રકાર સતત બેચેન રહેતો હતો. ઍન્જેલોની લોકપ્રિયતા જેમ જેમ વધતી જતી, તેમ તેમ આ ચિત્રકારનો એના પ્રત્યેનો દ્વેષ વૃદ્ધિ પામતો. એ વિચારતો કે લોકો સમજ્યા વિના માઇકલૅન્જેલોની ચિત્રકલાનાં વખાણ કરે છે. જો એ સાચા કલાપારખુ હોય, તો એમને માઇકલૅન્જેલોનાં ચિત્રોમાં ઘણી ગંભીર ક્ષતિઓ જોવા મળે.

એક દિવસ આ ચિત્રકારે વિચાર્યું કે એક એવું ચિત્ર બનાવું કે જેથી લોકો માઇકલૅન્જેલોને ભૂલી જાય અને સમગ્ર યુરોપમાં કલાકાર તરીકે મારી નામના થાય. એણે સુંદર યુવતીનું ચિત્ર બનાવવાનું શરુ કર્યું અને માઇકલૅન્જેલોને માત કરવાની ધૂન સાથે કામ કરવા લાગ્યો. ચિત્ર પૂર્ણ થયું. ચિત્રકારે એ જોયું, પણ એને એમ લાગ્યું કે આમાં કંઈક ખામી છે ! યુવતીના સૌંદર્યના અનુભવમાં કશુંક ખૂટે કે ખટકે છે. ઘણો વિચાર કર્યો, પરંતુ પોતાના ચિત્રની ક્ષતિ એ જાતે ખોળી શક્યો નહીં.

એવામાં એક કલાપ્રેમી આ બાજુથી પસાર થતો હતો. એ આ ચિત્રકાર પાસે આવ્યો. આ ચિત્રકારે માઇકલૅન્જેલોને અગાઉ ક્યારેય જોયો નહોતો, તેથી એણે વિચાર્યું કે આ કલાપ્રેમીની સલાહ લઉં, કદાચ  પોતાની ભૂલની ભાળ મળે. એણે એ કલાપ્રેમીને વાત કરી, ત્યારે એણે હાથમાં પીંછી લીધી અને યુવતીની બંને આંખોમાં કાળું ટપકું કર્યું. આંખની કીકી લાગતાં જ ચિત્ર સજીવ થઈ ગયું. એટલે પેલા ચિત્રકારે ઍન્જેલોને કહ્યું, ‘તમારો ખૂબ આભાર. તમે સોનામાં સુગંધ ભેળવી આપી. તમે છો કોણ ?’

એણે કહ્યું, ‘મારું નામ માઇકલૅન્જેલો છે.’

આ સાંભળી ચિત્રકાર હેરાન-પરેશાન થઈ ગયો. એ બોલ્યો, ‘ભાઈ, મને ક્ષમા કરો. તમારી કીર્તિ અને કલા પ્રત્યેની ઈર્ષ્યાથી તમને પરાજિત કરવા માટે હું આ ચિત્ર દોરતો હતો, પરંતુ આજે તમારી કલાદૃષ્ટિ અને સૌજન્ય જોઈને ખરેખર શરિંમદો બન્યો છું.’

કુમારપાળ દેસાઈ