Categories
વાચન સમૃદ્ધિ

અનોખી સજા

અમેરિકાના ૩૪મા પ્રમુખ ડ્વાઇડ ડેવિડ આઇઝનહોવર (ઈ. સ. ૧૮૯૦થી ૧૯૬૯) મૂળે એક યશસ્વી સૈનિક હતા. પ્રથમ-દ્વિતીય વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે બહાદુરી અને દૂરંદેશી દાખવી હતી. સમય જતાં અમેરિકામાં અત્યંત લોકપ્રિય એવા આઇઝનહોવર સર્વોચ્ચ સેનાપતિ અને પંચતારક જનરલ બન્યા. ૧૯૫૨માં તેમણે કોરિયાના યુદ્ધમાં યુદ્ધમોકૂફી કરાવી અને ૧૯૫૭માં એમના સૂચનથી આંતરરાષ્ટ્રીય અણુપંચની રચના કરવામાં આવી. એ પછી સામ્યવાદ સામે મોરચો ઊભો કરવા માટે જુદા જુદા દેશો સાથે લશ્કરી કરારો કર્યા. આઇઝનહોવર કડક શિસ્તના હિમાયતી હતા. બીજા વિશ્વયુદ્ધ સમયે એમણે અમેરિકાનાં લશ્કરી દળોનું નેતૃત્વ સંભાળ્યું અને સૈન્યને સંગઠિત રહીને દુશ્મનોનો સામનો કરવા સતત સલાહ આપી. અમેરિકાની સેનામાં બે લશ્કરી અધિકારીઓ એવા હતા કે જેઓ એકબીજા સાથે સતત લડતા-ઝઘડતા રહેતા. પરસ્પરને માટે એમની આંખોમાં ઝેર હતું અને તેથી સાવ સામાન્ય બાબતમાં પણ ઉશ્કેરાઈને એકબીજા સામે અપશબ્દો બોલવા લાગતા અને ક્યારેક મારામારી કરવા સુધી પહોંચી જતા. સેનાપતિ આઇઝનહોવરે આ બંને સૈનિકોને સમજાવવા પ્રયત્ન કર્યો. સેનાની શિસ્તની વાત કરી. સેનામાં વિખવાદ હોય તો વિફળતા મળે એ સિદ્ધાંત સમજાવ્યો. આ સઘળું કહ્યું, છતાં બધું પથ્થર પર પાણી ! પેલા બે સૈનિકોએ ફરી તોફાન કર્યું એટલે સેનાપતિ આઇઝનહોવરે એમને સજા ફરમાવી. એક અધિકારીને કાચની દીવાલ ધરાવતી સરકારી બરાકને બહારથી સાફ કરવાની સજા કરી, તો બીજાને અંદરની બાજુથી એ કાચ સાફ કરવાની સજા કરી. કાચ ચોખ્ખા કરવા માટે બંનેને સાથે રહીને એટલી બધી મહેનત કરવી પડી કે સમય જતાં એમનાં મન ચોખ્ખાં થઈ ગયાં.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સામેની વ્યક્તિને પહેલો દાવ

આપો =========================

પોતાની વાતને આવેશ આગ્રહપૂર્વક પ્રસ્તુત કરતી વ્યક્તિ બીજાને પોતાની વાત સમજાવવામાં ભાગ્યે જ સફળ થતી હોય છે. તમારો વિચાર અન્ય કોઈ વ્યક્તિ સ્વીકારે એમ ઇચ્છતા હો, તો પહેલાં તમારે શાંત ચિત્તે, એકાગ્રતાથી એ વ્યક્તિના વિચારો સાંભળવા જોઈએ. તમે એનું હૃદગત્ જાણી શકશો અને એની દલીલ કે એનાં કારણો સમજવા મળશે. આવે સમયે મોટા ભાગની વ્યક્તિઓ અધવચ્ચેથી જ એ દલીલ કે કારણોને તોડીને પોતાની વાત રજૂ કરતી હોય છે. આ આક્રમણ એવું જોખમી છે કે જેને પરિણામે સામી વ્યક્તિ તમારી વાત સ્વીકારે એવી કોઈ શક્યતા રહેતી નથી. આથી અન્ય વ્યક્તિને બરાબર સાંભળવી, એનો મુદ્દો કે વિચાર સમજવાનો સાચા દિલથી પ્રયાસ કરવો અને પછી તમારી વાત રજૂ કરવી. આમ પહેલો દાવ સામી વ્યક્તિને આપવો જોઈએ, પછી તમારે દાવમાં ઊતરવું જોઈએ. પરંતુ આપણે ત્યાં બને છે એવું કે વ્યક્તિ પોતે પહેલો દાવ આંચકી લે છે અને તેમને પરિણામે સામસામી દલીલબાજી, વિરોધ કે વિસંવાદ સિવાય બીજું કશું રહેતું નથી. સામી વ્યક્તિને સાંભળવાથી એની સાથે એક પ્રકારનો સેતુ બંધાશે. એ વ્યક્તિને પણ એમ લાગશે કે તમે એના વિચારોને આદર આપો છો. એને સમજવા કોશિશ કરો છો. આમ કરીને તમે એનો સાથ મેળવી શકશો, પરંતુ તમારી જ દલીલો જોરશોરથી રજૂ કરીને સામી વ્યક્તિને પરાજિત કરવા ચાહતા હશો, તો તમે જ અંતે પરાજિત થઈ જશો. સામી વ્યક્તિના મુદ્દાઓ સાંભળ્યા પછી એમાંથી જરૂરી મુદ્દાઓ સ્વીકારવા જોઈએ. તમારા સ્વીકારની વાત પણ પ્રગટપણે કરવી જોઈએ. એ પછી જ્યાં વિરોધી વિચાર હોય ત્યાં પણ પહેલાં એના વિચારનો આદર કરીને પછી પોતાની વાત મૂકવી જોઈએ. એવું પણ બને કે તમારા બધા જ મુદ્દાઓ સ્વીકારાય નહીં. સંવાદ સાધવા એક-બે મુદ્દે સમાધાનની તૈયારી રાખવી પડે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સાપેક્ષતાના સિદ્ધાંતનો પુરાવો

જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇને (૧૮૭૯-૧૯૫૫) ન્યૂટનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત પછી સાપેક્ષતાનો વિશેષ ચડિયાતો સિદ્ધાંત શોધ્યો. જર્મનીમાં જન્મેલા આ વિજ્ઞાનીએ ૧૯૦૯થી ૧૯૧૮ના ગાળામાં જગતને સાપેક્ષતાનો આ વ્યાપક સિદ્ધાંત આપ્યો. આઇન્સ્ટાઇનની આ નવી શોધથી વિજ્ઞાનની તત્ત્વપ્રણાલીમાં મોટી ઊથલપાથલ થઈ ગઈ. આઇન્સ્ટાઇનનો આ સિદ્ધાંત નિસર્ગનું વધુ સાચું વર્ણન કરે છે એમ સ્વીકારાયું, એટલું જ નહીં, પણ આને પરિણામે ક્રાંતિકારી સૂઝ અને ઊંડી સમજ ધરાવતા વિજ્ઞાની તરીકે આઇન્સ્ટાઇનને યુરોપમાં વ્યાપક પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા હાંસલ થયાં. આઇન્સ્ટાઇન જે કોઈ દેશમાં પ્રવચન આપવા જતા, ત્યાં એને પ્રતિભાસંપન્ન વિજ્ઞાની તરીકે આદર મળતો હતો. આઇન્સ્ટાઇને પણ કોઈ સ્થળે પોતે વિદેશી છે, એવી અનુભૂતિ કરી નહોતી. માનવતા એ આઇન્સ્ટાઇનનો પ્રથમ ગુણ હોવાથી સર્વત્ર સમાન આદર પામ્યા હતા. આ અલગારી વિજ્ઞાનીએ જોયું કે એમના સાપેક્ષતાના સિદ્ધાંતનો સર્વત્ર આદર થાય છે અને સહુ કોઈ ‘આઇન્સ્ટાઇન અમારા દેશના છે’ એમ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે, ત્યારે આઇન્સ્ટાઇને એક વખત કટાક્ષમાં કહ્યું, ‘આજે ભલે હું અમેરિકામાં વસતો હોઉં, પરંતુ જર્મનીમાં એક જર્મન વિજ્ઞાની તરીકે મારો આદર થાય છે અને ઇંગ્લૅન્ડમાં મને એક વિદેશી યહૂદી તરીકે સન્માનવામાં આવે છે. પરંતુ જો મારો આ સિદ્ધાંત ખોટો સાબિત થાય તો જર્મન લોકો મને ધુત્કારીને કહેશે કે આ તો એક પરદેશી યહૂદી છે અને અંગ્રેજ લોકો મને એમ કહીને ધુત્કારશે કે આ તો એક જર્મન છે.’ આટલું કહીને આઇન્સ્ટાઇને હસતાં હસતાં ઉમેર્યું, ‘આ મારા સાપેક્ષતાના સિદ્ધાંતનો એક વધુ પુરાવો જ છે ને !’

કુમારપાળ દેસાઈ