Categories
વાચન સમૃદ્ધિ

સહુ કોઈ સમાન

વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા અને માર્કસવાદી વિચારસરણીના પ્રવર્તક વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ લેનિને (ઈ. સ. ૧૮૭૦થી ૧૯૨૪) આમ તો રશિયાની પોલીસને થાપ આપવા માટે ‘લેનિન’ નામ ધારણ કર્યું હતું,

પરંતુ સમય જતાં એ જ નામથી ખ્યાતનામ બન્યા. ૧૯૧૭ના ઑક્ટોબરમાં થયેલી ક્રાંતિને પરિણામે રશિયાની નવી સરકારનું નેતૃત્વ લેનિનને સોંપવામાં આવ્યું.

રશિયાના વિકાસ માટે એમણે અગત્યનું સૂત્ર આપ્યું કે ‘જે શ્રમ કરશે નહીં, તેને ખાવા પણ મળશે નહીં.’

આવા સોવિયેટ સંઘના પ્રથમ સમાજવાદી શાસક લેનિન એક રવિવારે વાળ કપાવવા માટે સલૂનમાં ગયા. એમણે જોયું તો સલૂનમાં ઘણી લાંબી લાઇન હતી. ઘણા લોકો એમનો વારો ક્યારે આવે, તેની રાહ જોઈને બેઠા હતા. સોવિયેટ સંઘના આ સર્વસત્તાધીશને જોઈને કેટલાક ઊભા થઈ ગયા અને દુકાનના માલિકે સામે ચાલીને એમનું અભિવાદન કર્યું.

દેશના સર્વોચ્ચ સત્તાધીશ લેનિન તો અત્યંત વ્યસ્ત હોય જ, તેથી અન્ય ગ્રાહકોએ વાળંદને કહ્યું, ‘અમે પછી વાળ કપાવીશું, પહેલાં કૉમરેડ લેનિનને બેસાડો.’

લેનિને મક્કમતાથી કહ્યું, ‘ના, હું કતાર નહીં તોડું. મારો વારો આવે ત્યારે હું વાળ કપાવીશ.’

આ સાંભળી બીજા ગ્રાહકોએ કહ્યું, ‘અરે, તમારી તો એક એક પળ કીમતી હોય. દેશની કેટલી મોટી જવાબદારી છે તમારા પર. માટે તમે પહેલાં વાળ કપાવી લો.

મહાન ક્રાંતિકારી, શ્રમજીવીઓના રાહબર અને વ્યવહારકુશળ લોકનેતા લેનિને કહ્યું, ‘જુઓ, આ સમાજમાં કોઈનુંય કામ બીજાથી ચડિયાતું નથી કે બીજાથી ઊતરતું નથી. મજૂર, શિક્ષક, એન્જિનિયર કે ડૉક્ટર – બધા જ દેશને માટે મહત્ત્વનું કામ કરે છે. મારા આ સિદ્ધાંતની વિરુદ્ધમાં હું કઈ રીતે તમારાથી પહેલાં વાળ કપાવવા બેસી શકું ?’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અઘરી વાણી એ પંડિતાઈનું

મિથ્યા પ્રદર્શન છે ——————

વિભૂતિઓ અને સંતોની વાણી કેટલી સરળ અને સાહજિક હોય છે ! રામની કથા હોય, મહાવીરની વાણી હોય કે બુદ્ધનું પ્રવચન યા ઈશુ  ખ્રિસ્તનો ઉપદેશ હોય, એને સમજવા માટે કોઈ વિદ્વત્તાની જરૂર પડતી નથી. નરસિંહની કવિતા, મીરાંની ભાવના, તુલસીદાસનું ‘રામચરિતમાનસ’ કે આનંદઘનનાં પદ વાંચો અને હૈયાસોંસરાં ઊતરી જાય. એના શબ્દોમાં પરમ તત્ત્વજ્ઞાન હોય છે, પરંતુ એ તત્ત્વજ્ઞાન વ્યક્તિને સરળતાથી સમજાય તેવું હૃદયસ્પર્શી રીતે વ્યક્ત થતું હોય છે. એની આસપાસ કોઈ આવરણ હોતું નથી કે જે આવરણને ભેદવા માટે પંડિતાઈની જરૂર પડે, પણ ક્યાંક પાંડિત્ય-પ્રદર્શન માટે આવી સરળતાને બદલે આડંબરને અપનાવીને ડોળભર્યું આલેખન કરવામાં આવે છે. એ પંડિત એવી વાણી બોલશે કે જે શ્રોતાઓ સમજી શકે નહીં. એને વધુ ને વધુ કઠિન બનાવવા માટે એ અજાણ્યા અને અઘરા શબ્દો પસંદ કરશે. ક્યારેક તો પારિભાષિક શબ્દોની ભરમાર આપીને શ્રોતા કે વાચકને  માટે એ વધુ  કપરું બનાવશે.  આથી પણ આગળ વધીને એ એવી તર્કજાળ રચશે કે સામેની વ્યક્તિ એમાં ગૂંચવાઈ જાય. એ પોતાની વાતને વધુ ને વધુ અઘરી બનાવીને રજૂ કરવાનો પ્રયાસ કરે છે, કારણ કે એ જેટલી અઘરી વાણી બોલે, આડંબરયુક્ત શબ્દો પ્રયોજે, પરિભાષાનો વરસાદ વરસાવે, એટલો મોટો પંડિત ગણાય છે. પણ આવી પંડિતાઈ એ પંડિતને કે એના શ્રોતાઓને ક્યારેય લાભદાયી કે ફળદાયી બનતી નથી. અંતરની ગહન અનુભૂતિ અને માનવજીવનના મર્મોને પારખતી દૃષ્ટિને કારણે વિભૂતિઓની વાણીમાં શબ્દોનું સૌંદર્ય હોય છે, પણ ભાષાનો ભભકભર્યો શણગાર હોતો નથી. સરળતાના સૌંદર્યનો અનુભવ કરવો હોય તો તે સંતોની  વાણીમાં મળી શકે, જે જીવનના ધરાતલમાંથી પ્રગટી  છે અને માનવીના હૃદયના ધરાતલને સ્પર્શે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મીઠાનો ગાંગડો મને પાછો

આપ ================

ગૌતમ ગોત્રના અરુણિ ઋષિના પુત્ર અને ધૌમ્ય ઋષિના શિષ્ય ઉદ્દાલક ઋષિ સમક્ષ એમના જ્યેષ્ઠ પુત્ર શ્વેતકેતુએ અતિ ગહન અને મહત્ત્વપૂર્ણ જિજ્ઞાસા પ્રગટ કરી. અત્યાર સુધી શ્વેતકેતુએ આત્મા સંબંધી ઘણા વિચારો અને ચર્ચાઓ સાંભળ્યાં હતાં. એ પોતાનું શરીર પ્રત્યક્ષ જોઈ શકતો હતો, કિંતુ એનો આત્મા અગોચર હતો. એના મનમાં વારંવાર શંકા જાગતી કે આ બધા આત્મનિષ્ઠ પુરુષો આત્માની ચર્ચા-વિચારણા કરે છે, પણ તે હવામાં બાચકાં ભરવા જેવી તો નહીં હોય ને ! શ્વેતકેતુએ પોતાના આત્મા વિશેનો સંશય પ્રગટ કર્યો. એના પિતા અને મહાન ઋષિ ઉદ્દાલકે એને મીઠાનો એક નાનો ગાંગડો લઈ આવવાનું કહ્યું. એ ગાંગડો ઋષિએ પાણીથી ભરેલા પાત્રમાં નાખવા કહ્યું. બીજા દિવસે ઋષિ ઉદ્દાલકે પોતાના પુત્ર શ્વેતકેતુને કહ્યું કે પેલું પાણી ભરેલું પાત્ર લાવ અને મેં આપેલો મીઠાનો ગાંગડો પાછો આપ. શ્વેતકેતુએ કહ્યું, ‘મીઠાનો એ ગાંગડો પાણીમાં નાખી દીધો છે. મીઠાનું કોઈ અલાયદું અસ્તિત્વ રહ્યું નથી. હવે તમને કેવી રીતે પાછો આપું ?’ વેદ-વેદાંગના પારંગત ઉદ્દાલક ઋષિએ કહ્યું, ‘કશો વાંધો નહીં. આ પાત્રમાં જે પાણી છે તેના ઉપરના ભાગમાંથી પાણી લઈને એક ઘૂંટડો પી જા. પછી એના સ્વાદ વિશે મને કહેજે.’ શ્વેતકેતુ ઉપરનું પાણી પી ગયો અને કહ્યું કે આ તો મીઠાનું અત્યંત ખારું પાણી છે. આથી પિતાએ કહ્યું, ‘શ્વેતકેતુ, આ પાત્રમાંથી ઉપરનું પાણી કાઢી નાખ અને વચ્ચેનું પાણી પી જા. શ્વેતકેતુએ પિતાની આજ્ઞા માથે ચઢાવી અને મધ્યભાગનું પાણી પીધું, તો એ પણ ખૂબ ખારું હતું. ઉદ્દાલક ઋષિએ ફરી કહ્યું, ‘ખેર, આ પાત્રમાં રહેલા પાણીના ઉપરના ભાગમાં ખારાશ છે, વચ્ચે ખારાશ છે. હવે એકદમ નીચે રહેલું પાણી પીઓ.’ શ્વેતકેતુએ પાત્રની સાવ નીચે રહેલા પાણીને લઈને પીવાનો પ્રયત્ન કર્યો અને બોલી ઊઠ્યો, ‘અરે, આ તો ખૂબ ખારું છે. આ સાંભળી ઋષિ ઉદ્દાલકે કહ્યું, ‘પ્રિય પુત્ર, આ બધું જ મીઠાના ગાંગડા જેવું છે. હવે તને તારી વાત સમજાશે. પાણીમાં મીઠું ઓગળી ગયું છે. મીઠું નજરે ચઢતું નથી, કિંતુ ઉપર, વચ્ચે કે નીચે – સર્વત્ર એની ખારાશ અનુભવવા મળે છે. બસ, આવી જ વાત છે આત્માની. એ શરીરમાં સતત રમણ કરતો હોય છે, છતાં આપણે તેમને જોઈ શકતા નથી.’ એ દિવસે શ્વેતકેતુને શરીર અને આત્માના ભેદની ઓળખ મળી.

માનવી જીવનભર પ્રયાસ કરે, તોપણ દેહ-આત્માના ભેદને પામી શકતો નથી. માનવજીવનનો પરમ હેતુ જ એના ભેદને પારખવાનો-પામવાનો છે !

કુમારપાળ દેસાઈ