Categories
વાચન સમૃદ્ધિ

તુલના કરવી એટલે દુ:ખને નિમંત્રણ આપવું

વ્યક્તિના જીવનમાં આવતી પ્રત્યેક સમસ્યા વ્યથાનું સરનામું લઈને આવતી હોય છે. આવે સમયે એ ક્યારેક વર્તમાન સમસ્યાને ભૂલવા માટે પાછલા પગે દોડીને ભૂતકાળમાં આશરો લેતી હોય છે. ભૂતકાળનાં એ સુખોનું સ્મરણ એની વર્તમાનની વેદના વધુ ઘેરી બનાવે છે. એને એનું ગામડું, બાળપણનું નિર્દોષ વાતાવરણ, ગોઠિયાઓ સાથેની ધીંગામસ્તી અને મુગ્ધાવસ્થાનો આનંદ યાદ આવે છે અને એની તુલનામાં વર્તમાન જીવન અતિ વ્યથાજનક લાગે છે. તુલના એ ખતરનાક ખેલ છે. એ ક્યારેય સંપૂર્ણ હોતી નથી અને તેથી અપૂર્ણ સરવાળાઓ કરીને વ્યક્તિ તુલના કરતી હોય છે. જીવનના બે સમયગાળાની, બે પરિસ્થિતિની કે બે વ્યક્તિની સરખામણી ક્યારેય પૂર્ણ રૂપે સાચી હોતી નથી, આમ છતાં ભૂતકાળમાં વસનાર આવી તુલનાઓથી જીવતો હોય છે અને ધીરે ધીરે આ ભૂતકાળ એના વર્તમાન જીવન પર ઉદાસીનું આવરણ ઓઢાડી દે છે. વર્તમાન સમસ્યાઓને માટે માત્ર અનુભવો ઉપયોગમાં આવે છે, ભૂતકાળ નહીં. વ્યક્તિ જેમ ભવિષ્યનાં દિવાસ્વપ્નો જોતી હોય છે, એ જ રીતે એ ભૂતકાળનાં વિસરાયેલાં સ્વપ્નોને ફરી ફરી ઘૂંટવાનો શોખ ધરાવે છે. મન આસપાસની ભૂતકાળની દીવાલ હતાશા, નિરાશા અને નિષ્પ્રાણ વાતાવરણ સર્જે છે. ધીરે ધીરે વ્યક્તિ વર્તમાનને અને સમસ્યાને ભૂલીને ભૂતકાળની આશ્રિત બની જાય છે. ભૂતકાળનું સ્મરણ એને વર્તમાનનું વિસ્મરણ કરાવે છે અને એના ભવિષ્યનો છેદ ઉડાડે છે. વીતેલા યુગની વાતોના નિ:સાસાથી એ જીવે છે અને એની એ બેચેની એના આજના યુગને ખારો બનાવે છે. ભલે એ ભૂતકાળ આપણો હોય, પરંતુ એ વીતી ગયેલી વાત છે. આજે આપણે કંઈ એ ભૂતકાળ નથી. ભૂતકાળની વિદાયમાં જ ભવિષ્યનું આગમન છુપાયેલું છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અનોખી સજા

અમેરિકાના ૩૪મા પ્રમુખ ડ્વાઇડ ડેવિડ આઇઝનહોવર (ઈ. સ. ૧૮૯૦થી ૧૯૬૯) મૂળે એક યશસ્વી સૈનિક હતા. પ્રથમ-દ્વિતીય વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે બહાદુરી અને દૂરંદેશી દાખવી હતી. સમય જતાં અમેરિકામાં અત્યંત લોકપ્રિય એવા આઇઝનહોવર સર્વોચ્ચ સેનાપતિ અને પંચતારક જનરલ બન્યા. ૧૯૫૨માં તેમણે કોરિયાના યુદ્ધમાં યુદ્ધમોકૂફી કરાવી અને ૧૯૫૭માં એમના સૂચનથી આંતરરાષ્ટ્રીય અણુપંચની રચના કરવામાં આવી. એ પછી સામ્યવાદ સામે મોરચો ઊભો કરવા માટે જુદા જુદા દેશો સાથે લશ્કરી કરારો કર્યા. આઇઝનહોવર કડક શિસ્તના હિમાયતી હતા. બીજા વિશ્વયુદ્ધ સમયે એમણે અમેરિકાનાં લશ્કરી દળોનું નેતૃત્વ સંભાળ્યું અને સૈન્યને સંગઠિત રહીને દુશ્મનોનો સામનો કરવા સતત સલાહ આપી. અમેરિકાની સેનામાં બે લશ્કરી અધિકારીઓ એવા હતા કે જેઓ એકબીજા સાથે સતત લડતા-ઝઘડતા રહેતા. પરસ્પરને માટે એમની આંખોમાં ઝેર હતું અને તેથી સાવ સામાન્ય બાબતમાં પણ ઉશ્કેરાઈને એકબીજા સામે અપશબ્દો બોલવા લાગતા અને ક્યારેક મારામારી કરવા સુધી પહોંચી જતા. સેનાપતિ આઇઝનહોવરે આ બંને સૈનિકોને સમજાવવા પ્રયત્ન કર્યો. સેનાની શિસ્તની વાત કરી. સેનામાં વિખવાદ હોય તો વિફળતા મળે એ સિદ્ધાંત સમજાવ્યો. આ સઘળું કહ્યું, છતાં બધું પથ્થર પર પાણી ! પેલા બે સૈનિકોએ ફરી તોફાન કર્યું એટલે સેનાપતિ આઇઝનહોવરે એમને સજા ફરમાવી. એક અધિકારીને કાચની દીવાલ ધરાવતી સરકારી બરાકને બહારથી સાફ કરવાની સજા કરી, તો બીજાને અંદરની બાજુથી એ કાચ સાફ કરવાની સજા કરી. કાચ ચોખ્ખા કરવા માટે બંનેને સાથે રહીને એટલી બધી મહેનત કરવી પડી કે સમય જતાં એમનાં મન ચોખ્ખાં થઈ ગયાં.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સામેની વ્યક્તિને પહેલો દાવ

આપો =========================

પોતાની વાતને આવેશ આગ્રહપૂર્વક પ્રસ્તુત કરતી વ્યક્તિ બીજાને પોતાની વાત સમજાવવામાં ભાગ્યે જ સફળ થતી હોય છે. તમારો વિચાર અન્ય કોઈ વ્યક્તિ સ્વીકારે એમ ઇચ્છતા હો, તો પહેલાં તમારે શાંત ચિત્તે, એકાગ્રતાથી એ વ્યક્તિના વિચારો સાંભળવા જોઈએ. તમે એનું હૃદગત્ જાણી શકશો અને એની દલીલ કે એનાં કારણો સમજવા મળશે. આવે સમયે મોટા ભાગની વ્યક્તિઓ અધવચ્ચેથી જ એ દલીલ કે કારણોને તોડીને પોતાની વાત રજૂ કરતી હોય છે. આ આક્રમણ એવું જોખમી છે કે જેને પરિણામે સામી વ્યક્તિ તમારી વાત સ્વીકારે એવી કોઈ શક્યતા રહેતી નથી. આથી અન્ય વ્યક્તિને બરાબર સાંભળવી, એનો મુદ્દો કે વિચાર સમજવાનો સાચા દિલથી પ્રયાસ કરવો અને પછી તમારી વાત રજૂ કરવી. આમ પહેલો દાવ સામી વ્યક્તિને આપવો જોઈએ, પછી તમારે દાવમાં ઊતરવું જોઈએ. પરંતુ આપણે ત્યાં બને છે એવું કે વ્યક્તિ પોતે પહેલો દાવ આંચકી લે છે અને તેમને પરિણામે સામસામી દલીલબાજી, વિરોધ કે વિસંવાદ સિવાય બીજું કશું રહેતું નથી. સામી વ્યક્તિને સાંભળવાથી એની સાથે એક પ્રકારનો સેતુ બંધાશે. એ વ્યક્તિને પણ એમ લાગશે કે તમે એના વિચારોને આદર આપો છો. એને સમજવા કોશિશ કરો છો. આમ કરીને તમે એનો સાથ મેળવી શકશો, પરંતુ તમારી જ દલીલો જોરશોરથી રજૂ કરીને સામી વ્યક્તિને પરાજિત કરવા ચાહતા હશો, તો તમે જ અંતે પરાજિત થઈ જશો. સામી વ્યક્તિના મુદ્દાઓ સાંભળ્યા પછી એમાંથી જરૂરી મુદ્દાઓ સ્વીકારવા જોઈએ. તમારા સ્વીકારની વાત પણ પ્રગટપણે કરવી જોઈએ. એ પછી જ્યાં વિરોધી વિચાર હોય ત્યાં પણ પહેલાં એના વિચારનો આદર કરીને પછી પોતાની વાત મૂકવી જોઈએ. એવું પણ બને કે તમારા બધા જ મુદ્દાઓ સ્વીકારાય નહીં. સંવાદ સાધવા એક-બે મુદ્દે સમાધાનની તૈયારી રાખવી પડે.

કુમારપાળ દેસાઈ