Categories
વાચન સમૃદ્ધિ

બાળપણની સ્મૃતિ જાગે છે

દક્ષિણ ભારતના પ્રસિદ્ધ કેળવણીકાર શ્રીનિવાસ શાસ્ત્રી એક વિશ્વવિદ્યાલયમાં ઉપકુલપતિ તરીકે કામગીરી બજાવતા હતા. આ વિશ્વવિદ્યાલયના કેટલાક અધ્યાપકોને વિદ્યાર્થીઓને નાની કે સામાન્ય ભૂલ બદલ દંડ કરવાની આદત હતી. કોઈ વિદ્યાર્થી વર્ગમાં એકાદ દિવસ થોડો મોડો આવે એટલે તરત દંડ ફટકારતા. કોઈ મેલાં કપડાં પહેરીને આવે તો એેને શારીરિક સજા ઉપરાંત અમુક રકમનો દંડ થતો. કોઈ એકાદ દિવસ ગેરહાજર રહે તોપણ એને દંડ ફટકારવામાં આવતો. ગુનો નાનો હોય કે મોટો, પણ તે દંડને પાત્ર ગણાતો. આવા વિદ્યાર્થીઓ શ્રીનિવાસ શાસ્ત્રી પાસે આવતા અને પોતાની વાત રજૂ કરતા. શ્રીનિવાસ શાસ્ત્રી વિદ્યાર્થીઓની મુશ્કેલીને સમજતા હતા અને તેથી ક્યારેક દંડની સજા માફ પણ કરી દેતા. ધીરે ધીરે અધ્યાપકોને કાને આ વાત ગઈ. એમણે જાણ્યું કે તેઓ જે વિદ્યાર્થીને દંડ કરે છે, એમાંથી કેટલાકનો દંડ ઉપકુલપતિ માફ કરી દે છે ! અધ્યાપકો એકત્રિત થયા. એમણે વિચાર્યું કે આવી રીતે વિદ્યાર્થીને કરેલો દંડ માફ કરવામાં આવે તો વિશ્વવિદ્યાલયની શિસ્ત કઈ રીતે જળવાય ? બીજી બાબતમાં સમાધાન થઈ શકે, પરંતુ સજા પામેલા વિદ્યાર્થીની બાબતમાં કોઈ સમાધાન હોય નહીં. જો આમ દંડ માફ કરી દેવાશે, તો આ વિદ્યાર્થીઓને કોઈની બીક રહે નહીં. તેઓ ગેરશિસ્ત આચરતાં સહેજે અચકાશે નહીં. અધ્યાપકોનું પ્રતિનિધિ મંડળ શ્રીનિવાસ શાસ્ત્રી પાસે ગયું અને એમણે એમની ફરિયાદ રજૂ કરી. શ્રીનિવાસ શાસ્ત્રીએ કહ્યું, ‘તમારી વાત સાચી છે. તમારા જેટલો હું  સંસ્થાની શિસ્તનો આગ્રહી છું, પરંતુ કોઈને દંડ કરું છું ત્યારે મને મારું બાળપણ યાદ આવે છે.’

અધ્યાપકો આશ્ર્ચર્ય પામ્યા. આમાં વળી બાળપણની સ્મૃતિની વાત ક્યાંથી આવી ? ઉપકુલપતિ શ્રીનિવાસ શાસ્ત્રીએ કહ્યું, ‘બાળપણમાં મારી આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. ફીના પૈસા માંડ માંડ એકઠા થતા હતા. પાઠ્યપુસ્તકો તો બીજાનાં લાવીને વાંચતો હતો. ધોવાના સાબુના ઘરમાં પૈસા નહીં, આથી ક્યારેક મેલાં કપડાં પહેરીને નિશાળે જવું પડતું. એક વાર આવાં મેલાં અને ગંદાં કપડાં પહેરવા માટે વર્ગશિક્ષકે મને આઠ આનાનો દંડ કર્યો. જેની પાસે સાબુ ખરીદવાના પૈસા ન હોય, તે વળી આ દંડ ક્યાંથી ભરી શકે ? એ દિવસે ખૂબ રડ્યો. શિક્ષકને વારંવાર આજીજી કરી. છેવટે પડોશીએ મદદ કરતાં દંડ ભરીને અભ્યાસ ચાલુ રાખી શક્યો. આથી જ્યારે જ્યારે કોઈ વિદ્યાર્થીને દંડ કરવામાં આવે છે, ત્યારે મને મારા બાળપણની એ ઘટના યાદ આવે છે. એ ગરીબી યાદ આવે છે. એથી વિદ્યાર્થીની પરિસ્થિતિ જાણીને હું એના દંડને માફ કરું છું. એવું ન બને કે આ દંડને કારણે એને અભ્યાસ છોડી દેવો પડે.’ પોતાના બાળપણની સ્મૃતિ વર્ણવતાં શ્રીનિવાસ શાસ્ત્રીની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી.

પોતે સહન કરેલી વેદના કે પરેશાની, બીજાને સહન કરવી ન પડે, તેની ચિંતા કરે, તે સાચો માનવ. અનુકંપા એ શીખવે છે કે બીજાના આત્મા પર  થનારી અસરનો વિચાર કરો. કોઈ લાચાર,  મજબૂર કે ગરીબ હોય, તો એની પરિસ્થિતિમાં તમારી જાતને મૂકીને જોતાં શીખો.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ટીકાકારોની રુગ્ણ મનોવૃત્તિ

પર દયા કરજો ————-

સંવેદનશીલ વ્યક્તિને આલોચના અકળાવનારી લાગે છે, કારણ કે આલોચકે એને અકળાવવા માટે જ ટીકા-ટિપ્પણના તીવ્ર પ્રહાર કર્યા હોય છે. આવા ટીકાખોરની દૃષ્ટિ અન્યની ટીકા પર જ હોય છે અને તેથી એ હંમેશાં બીજાનું બૂરું જોવા ટેવાયેલા હોય છે. નઠારાની શોધ કરતો હોય છે અને તક મળે એ કોઈ ને કોઈ રીતે ટીકા કરતો હોય છે. સફળ વ્યક્તિઓએ સૌથી મોટી સજ્જતા કેળવવાની હોય તો તે ટીકાખોરોનો સામનો કરવાની છે. ટીકાખોરો એમની માત્ર ટીકા જ કરતા નથી, પરંતુ એ ટીકાને વધુ ને વધુ જાહેર અને જાણીતી કરવાની કોશિશ કરે છે. કોઈક વાર કાનાફૂસીથી, કોઈક વાર છાનીછપની રીતે તો કોઈક વાર ખોટો રસ્તો અજમાવીને પણ એ પોતાના નિંદારસને તૃપ્ત કરતા હોય છે. આવી વ્યક્તિનું લક્ષ્ય જ બીજાની ટીકા કરવાનું હોય છે અને તેથી એ સમય જતાં પોતાના ટીકાકારોથી ઘેરાઈ જતો હોય છે ! ઓછામાં ઓછો પરિશ્રમ કરનારાઓ ટીકા કરવાનો વધુ ને વધુ શ્રમ લેતા હોય છે. મનમાં વેર અને ઝેર રાખનારાઓ એને વધારવા માટે નિંદાનો ઉપયોગ કરતા હોય છે. આગળ વધી ગયેલી વ્યક્તિને પાછી પાડવાની શક્તિ ન હોય, ત્યારે તેની આલોચના કરીને એને પાછી પાડવાનો વ્યર્થ પ્રયાસ કરતા હોય છે. વ્યક્તિએ પણ આવા ટીકાખોરોની ટીકાની ઉપેક્ષા કરવી જોઈએ. એમની રુગ્ણ મનોવૃત્તિ પરત્વે દયા ખાવી જોઈએ. એમની માનસિક દુર્દશા માટે સહાનુભૂતિ કેળવવી જોઈએ અને ટીકાખોરોને જવાબ આપવાનો સૌથી મોટો માર્ગ પ્રગતિના પથ પર વધુ ને વધુ આગળ વધવાનો છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

‘પીડ પરાઈ જાણે રે’

છત્રપતિ શિવાજીના મુખ્ય સલાહકાર અને સેનાપતિ પેશ્વા બાજીરાવ હતા. એક વીરપુરુષ તરીકે તેઓ જેટલા પ્રસિદ્ધ હતા, એટલી જ ખ્યાતિ એક સજ્જન પુરુષ તરીકે તેમને વરી હતી. પરાક્રમી બાજીરાવ પેશ્વાએ માળવા પર આક્રમણ કરીને વિશાળ પ્રદેશ પર વિજય મેળવ્યો. યુદ્ધવિજય બાદ એમની સેના પાછી ફરતી હતી, ત્યારે રસ્તામાં સેના માટેનું અનાજ ખૂટી પડ્યું. એમણે સેનાના એક સરદારને સૈનિકો સાથે જઈને આસપાસનાં ખેતરમાંથી અનાજ લાવવા કહ્યું. સરદાર અને એના સૈનિકો ચોપાસ ઘૂમતા હતા, પણ હમણાં જ યુદ્ધ થયું હોવાથી ચોતરફ વિનાશ વેરાયેલો હતો. ઘણું શોધવા છતાં સરદાર અને સૈનિકોને ક્યાંય અનાજ મળ્યું નહીં. સરદાર ગુસ્સે ભરાયો. એવામાં એણે એક વૃદ્ધ ખેડૂતને આવતો જોયો. એને બોલાવીને રોફથી કહ્યું, ‘અરે, અમે બાજીરાવ પેશ્વાના બહાદુર સૈનિકો છીએ. વિજય મેળવીને પાછા ફરી રહ્યા છીએ, પરંતુ અમારી પાસેનું અનાજ ખૂટી ગયું છે. ચાલ,  અમને કોઈ સરસ ખેતર બતાવ કે જે ધાન્યથી ભરપૂર હોય. સરદાર અને એના સૈનિકો વૃદ્ધની સાથે ચાલ્યા. થોડેક દૂર ગયા અને સરદારે જોયું તો એક ખેતરમાં સુંદર પાક થયો હતો. એ જોઈને સરદારે સૈનિકોને કહ્યું, ‘જાઓ આ ખેતરમાં અને ઘઉં લઈ આવો.’ આ સાંભળી પેલા વૃદ્ધે સરદારને અટકાવતાં કહ્યું, ‘અરે ! આનાથી પણ એક સરસ મજાનું ખેતર છે. એમાં અનાજનો પાર નથી. એટલું બધું અનાજ પાક્યું છે કે તમે પ્રસન્ન  થઈ જશો. ખાધે ખૂટશે નહીં તેટલું  અનાજ છે.’ આમ કહી એ વૃદ્ધ સેના અને સરદારની સાથે આગળ  ચાલવા લાગ્યો. થોડેક દૂર  ગયા પછી એણે એક વિશાળ ખેતર બતાવ્યું. આ જોઈને સરદાર તાડૂકી ઊઠ્યો. એણે કહ્યું, ‘અલ્યા, કોઈ દગો તો કરતો નથી ને ! ક્યાં પેલું ખેતર અને ક્યાં આ ખેતર ! અહીં અનાજ છે, પણ પેલા ખેતર જેટલું નથી.’ વૃદ્ધે નમ્રતાથી કહ્યું, ‘સરદાર, હકીકતમાં અગાઉ જોયેલું ખેતર એ અન્યનું ખેતર હતું. જ્યારે આ મારું પોતાનું ખેતર છે. મારા ખેતરનું અનાજ ચાલ્યું જાય તો કોઈ વાંધો નથી, પરંતુ મારાથી બીજાને હાનિ પહોંચાડી શકાય નહીં. મારા ખેતરમાંથી ઇચ્છો તેટલો પાક લઈ લો.’ આ વૃદ્ધ ખેડૂતને લઈને સરદાર બાજીરાવ પેશ્વા પાસે આવ્યા અને એમને આખી ઘટના કહી. બાજીરાવ પેશ્વા વૃદ્ધના હૃદયની વિશાળતા અને પરોપકારપરાયણતા પર પ્રસન્ન થઈ ગયા. એેમણે કહ્યું, ‘આવી પરોપકારી વ્યક્તિ જ રાજ્યનો પાયો છે. જે પારકાને બચાવવા માટે પોતાનું સઘળું હોમવા તૈયાર થતી હોય. આ વૃદ્ધ ખેડૂતને મારું મંત્રીપદ આપું છું.’ સમય જતાં એ વૃદ્ધ એ બાજીરાવના પ્રસિદ્ધ મંત્રી રામશાસ્ત્રીના નામથી જાણીતા બન્યા.

એ જ વ્યક્તિ જીવન સાર્થક કરે છે, જે ‘પીડ પરાઈ જાણે’ છે. એ જ સ્વાર્થની સંકુચિત  દીવાલ તોડીને પરમાર્થના વિરાટ ગગનમાં વિહરે છે.

કુમારપાળ દેસાઈ