ચાર વખત અને બાર વર્ષ સુધી પદે રહેનાર અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ(૧૮૮૨થી ૧૯૪૫)નો અંગત સચિવ પ્રમુખની એક આદતથી પરેશાન થઈ ગયો. સચિવ ડિક્ટેશન લઈને પત્ર ટાઇપ કરીને રૂઝવેલ્ટની પાસે લાવતો, ત્યારે રૂઝવેલ્ટ કાં તો એમાં કોઈ સુધારો કરતા અથવા તો એમાં કશુંક સુધારીને લખતા, ક્યારેક તો થોડું નવું લખાણ લખીને ટાઇપ કરેલા કાગળ સાથે જોડી દેતા. સચિવને એમ થાય કે રૂઝવેલ્ટ શા માટે પત્ર લખાવતાં પૂર્વે મનમાં વિગતો વ્યવસ્થિત ગોઠવીને લખાવતા નથી. આમ વારંવાર બનતું હતું. એક વાર સચિવે પત્ર લખ્યો. ટાઇપ કરીને રૂઝવેલ્ટ પાસે હસ્તાક્ષર લેવા આવ્યો એટલે રૂઝવેલ્ટે એમાં એક-બે વાક્યોનો ઉમેરો કર્યો. સચિવ અકળાઈ ઊઠ્યો. એણે હિંમત કરીને પૂછી લીધું, ‘આપ પત્રમાં જે લખાવવા માંગતા હો, તે ડિક્ટેશનમાં જ કેમ લખાવી દેતા નથી ? ટાઇપ કરેલા કાગળમાં આવું હાથ-લખાણ સારું લાગતું નથી. આ સાંભળી પ્રમુખ રૂઝવેલ્ટ હસ્યા અને પ્રેમથી બોલ્યા, ‘દોસ્ત ! આ માન્યતા તારી ભૂલભરેલી છે. ટાઇપ કરેલા કાગળમાં હું સ્વ-હસ્તાક્ષરમાં કંઈ લખું, તો તે પત્રને બગાડનારી બાબત નથી, પરંતુ એની શોભા વધારનારી છે. મારા હસ્તાક્ષરમાં લખાયેલા આ શબ્દો જોઈને એ વ્યક્તિને એમ થશે કે આ માત્ર ઔપચારિક પત્ર નથી. એને એમ લાગશે કે રાષ્ટ્રપતિએ જાતે લખીને એના પ્રત્યે ખાસ સ્નેહ દાખવ્યો છે. આમ હસ્તાક્ષરમાં થોડું લખવાથી એ પત્ર આત્મીય અને સૌહાર્દપૂર્ણ બને છે. પ્રમુખનો અંગત સચિવ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો અને એના મનમાં રૂઝવેલ્ટ પ્રત્યેનો આદર વધી ગયો. અમેરિકાના પ્રમુખનો હોદ્દો ધારણ કરનારી વ્યક્તિ અન્યની લાગણીની કેટલી બધી માવજત કરે છે, એ જોઈને આશ્ચર્ય થયું. પોલિયોને કારણે શારીરિક તકલીફો ધરાવતા ફ્રેન્કલિન રૂઝવેલ્ટ ૧૯૩૨, ૧૯૩૬, ૧૯૪૦ અને ૧૯૪૪માં ડેમૉક્રૅટિક પક્ષ તરફથી પ્રમુખપદના ઉમેદવાર તરીકે ચૂંટાયા અને અમેરિકાના રાજકીય ઇતિહાસમાં ચાર વખત પ્રમુખપદે ચૂંટાનાર સર્વપ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે.
કુમારપાળ દેસાઈ