આજુબાજુ ઘેરાયેલી આફતોની વચ્ચે વિરલ ભડવીર કોઈ સાથે ન આવે તોપણ ‘એકલો જાને રે’ના ભાવ સાથે આગળ પ્રયાણ આદરે છે. ચોપાસની મુશ્કેલીઓથી એ સહેજે મૂંઝાતો નથી. પોતાના નિર્ધારિત પથ પરથી સહેજે ડગતો નથી. આવા સાહસ કરતાં પણ વધુ કપરું સાહસ છે માનવીનું ભીતરી પ્રયાણ. બાહ્ય સાહસને માટે નિશ્ર્ચિત રસ્તો હોય છે. જુદા જુદા માર્ગોનો દોરેલો નકશો હોય છે. જ્યારે આત્માના માર્ગે ચાલનાર એકાકીને માટે કોઈ નિર્ધારિત પંથ હોતો નથી કે ચોક્કસ આંકેલો નકશો હોતો નથી. એમાં હોય છે માત્ર પ્રયાણનું સાહસ, પ્રાપ્તિની ઝંખના અને ધ્યેય તરફની એકાગ્ર દૃષ્ટિ. આ માર્ગે વ્યક્તિ જેમ જેમ આગળ ધપે છે તેમ તેમ એ જ જાળાંઝાંખરાં વચ્ચેથી આગવી, પોતીકી કેડી કંડારતો જાય છે. એ ભીતરના અપરિચિત પ્રદેશને પાર કરતો અગ્ર-ગતિ કરે છે. માર્ગમાં એને અજ્ઞાન અને અંધકાર અવરોધે છે. તૃષ્ણાઓ અને વૃત્તિઓ જકડીને મુશ્કેટાટ બાંધી રાખવાની કોશિશ કરે છે. અવિદ્યા અને દુરિત એને ભયભીત બનાવી પાછા ફરવા કહે છે. આકર્ષણો ને ઉપસર્ગો એને ઘેરી વળે છે. ક્ષણિકની લીલા બધે ફેલાઈ જાય છે અને બાહ્ય સુખોનું માધુર્ય આસપાસ રેલાઈ જાય છે. સાધક આવી જ્ઞાત દુનિયામાંથી ભીતરની અજ્ઞાત દુનિયામાં પ્રયાણ આદરે છે. આ એવી યાત્રા છે કે જ્યાં એક સ્ટેશન પછી બીજું સ્ટેશન હશે એની ખબર નથી. એક આત્માનુભૂતિ અંતરને કેવો વળાંક આપશે એનો કોઈ અંદાજ નથી. બાહરી દુનિયામાં તો ક્યારેક સાહસ કરવું પડતું, પણ આંતરજગતમાં તો પળે પળે નવી પરિસ્થિતિ અને નવા પડકારોનો સામનો કરવો પડે છે અને એ રીતે તે ભીતરની દિશા ભણી આગળ ધપતો રહે છે અને એક એવા મુકામ પર પહોંચે છે જ્યાં પ્રસન્ન પ્રકાશમયતાનો અનુભવ થાય છે.
કુમારપાળ દેસાઈ
