અખલાક મોહમ્મદ ખાન


જ. ૧૬ જૂન, ૧૯૩૬ અ. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૨

એક ભારતીય શિક્ષણવિદ, દિગ્ગજ ઉર્દૂ કવિ અને હિન્દી ફિલ્મ ગીતકાર અખલાક મોહમ્મદ ખાન તેમના તખલ્લુસ ‘શહરયાર’ દ્વારા વધુ જાણીતા હતા. તેમનો જન્મ બરેલીના આઓનલા ખાતે એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. બાળપણમાં શહરયાર રમતવીર બનવા માંગતા હતા, પરંતુ તેમના પિતાની ઇચ્છા હતી કે તેઓ પોલીસમાં જોડાય. આથી શહરયાર ઘરેથી ભાગી ગયા અને તેમણે ખલીલ-ઉર-રહેમાન આઝમી નામના પ્રખ્યાત ઉર્દૂ વિવેચક અને કવિ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. તેમણે ૧૯૫૮માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિષય સાથે બી.એ. પાસ કર્યું હતું. ૧૯૬૧માં તેમણે ઉર્દૂમાં એમ.એ. પાસ કરી એ જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પૂર્ણ કર્યું હતું. શહરયારે ૧૯૬૧માં અંજુમન તરક્કી-એ-ઉર્દૂના સાપ્તાહિક મૅગેઝિન ‘હમારી ઝુબાન’ના લેખક તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૬૬માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઉર્દૂના લેક્ચરર તરીકે જોડાયા અને ૧૯૮૬માં પ્રોફેસર બની ૧૯૯૬માં નિવૃત્ત થયા હતા. તેમણે સાહિત્યિક સામયિક ‘શેર-ઓ-હિકમત’માં કવિતા અને તત્ત્વજ્ઞાનનું સહસંપાદન કર્યું હતું. શહરયાર સૌથી વધુ જાણીતા છે તેમની પસંદગીની ફિલ્મોના ગીતકાર તરીકે. ૧૯૭૮માં ‘ગમન’ ફિલ્મ માટે લખેલી ગઝલ ‘સીને મેં જલન, આંખો મેં તુફાન સા ક્યું હૈ’ તો ફિલ્મ ‘ઉમરાવજાન’ માટે લખેલી ‘દિલ ચીઝ ક્યા હૈ’, ‘યે ક્યા જગહ હૈ’ અને ‘ઇન આંખો કી મસ્તી કે’ જેવી ગઝલો બોલિવૂડમાં શ્રેષ્ઠ ગીતાત્મક કૃતિઓમાંની એક છે. શહરયારને તેમના કાવ્યસંગ્રહ ‘ખ્વાબ કા દર બંદ હૈ’ ૧૯૮૭ માટે ઉર્દૂ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો છે. તો ફિરાક અને બહાદુરશાહ ઝફર જેવા ઍવૉર્ડ બાદ ૨૦૦૮માં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ ચોથા ઉર્દૂ સર્જક છે.