અજંતાની ગુફાઓ


ભારતીય ભિત્તિચિત્રોની કલાશૈલી ધરાવતી પ્રખ્યાત બૌદ્ધ ગુફાઓ.

ભારતીય ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત અજંતાની ગુફાઓમાં મળી આવેલાં ચિત્રોથી થાય છે એમ કહી શકાય. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી ૧૦૩ કિમી. અને જલગાંવ રેલવે-સ્ટેશનથી ૫૫ કિમી.ના અંતરે આ ગુફાઓ આવેલી છે. અજંતાની ગુફાઓ બૌદ્ધોને લગતી છે. ‘અજંઠા’ નામના ગામ પાસે આ ગુફાઓ હોઈ એ નામે તે જાણીતી થઈ છે. બાઘોરા નદીના વહેળાની સામે પર્વતને કંડારીને અર્ધચંદ્રાકારે ૨૯ જેટલી ગુફાઓને કોતરી કાઢવામાં આવી છે. આ ગુફાઓ વર્ષો સુધી ઝાડીઝાંખરાંને કારણે ઢંકાયેલી અને અવાવરું રહી; પરંતુ આ ગુફાઓ શોધવાનું શ્રેય ઈ. સ. ૧૮૧૯માં મદ્રાસ સેનાના જનરલ જેમ્સને ફાળે જાય છે. તેમને અને તેમના સાથી સૈનિકોને આ ગુફાઓ અકસ્માતે જ મળી ગઈ હતી. આ ગુફાઓમાંથી ૧થી ૧૮ નંબરની ગુફાઓ દક્ષિણાભિમુખી અને બાકીની પૂર્વાભિમુખી છે. તેમાં ૯, ૧૦, ૧૯ અને ૨૬ નંબરની ગુફાઓ ચૈત્ય મંદિરરૂપ છે. અજંતાની બધી જ ગુફાઓમાં બૌદ્ધ પરંપરાની કળા જોવા મળે છે. તે ઈ. સ. પૂ. ૨૦૦થી ઈ. સ. ૬૫૦ દરમિયાન ત્રણ તબક્કે કંડારાયેલી છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી અજંતાની ગુફાઓ

ભારતીય ભિત્તિચિત્રોની કલાશૈલીનો અહીં ૮૦૦ વર્ષનો ઇતિહાસ રજૂ થયો છે. દૃશ્યકલાનાં ત્રણ સ્વરૂપ – સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલાનો અહીં ત્રિવેણીસંગમ થયો છે. આ ગુફાઓમાંથી નં. ૧, ૨, ૧૬ અને ૧૭મી ગુફામાંનાં ચિત્રો ઉત્તમ ગણાય છે, જેમાંનાં ઘણાં જળવાઈ રહ્યાં છે. આ ગુફાઓમાં ભગવાન બુદ્ધના વિવિધ જીવન-પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. ગુફા નં. ૧નું બોધિસત્ત્વ(પદ્મપાણિ)નું ચિત્ર સર્વોત્તમ છે. હાથમાં નીલકમલ ધારણ કરીને ત્રિભંગમાં ઊભેલા બોધિસત્ત્વના મુખારવિંદ પર ચિંતન, મનોમંથન અને કરુણાના ભાવો અદ્ભુત રીતે અભિવ્યક્ત થયા છે. અજંતાની ગુફાનાં ચિત્રોની વિશેષતા એ છે કે ૮૦૦ વર્ષ સુધી આ ચિત્રકામ થયું હોવા છતાં તેના આલેખનમાં એકસૂત્રતા સચવાઈ છે. ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળે આ ચિત્રોની પ્રતિકૃતિ કરીને તેનો ‘અજંતાના કલામંડપો’ નામે સંગ્રહ આપ્યો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અજંતાની ગુફાઓ, પૃ. 14)