જ. 1 જાન્યુઆરી, 1912 અ. 18 નવેમ્બર, 1988

ગુજરાતી સાહિત્યના સંનિષ્ઠ અધ્યાપક, તટસ્થ અને સમતોલ વિવેચક તથા સંપાદક શ્રી અનંતરાય રાવળનો જન્મ અમરેલીમાં મણિશંકર રાવળને ત્યાં થયો હતો. તેઓ માત્ર બે વર્ષના હતા ત્યારે માતા ગુમાવી દીધેલી. તેમને દાદીએ ઉછેરેલાં. તેમનું વતન વળા (વલભીપુર) પણ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં લીધેલું. ઈ. સ. 1928માં મૅટ્રિક અને 1932માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી સાથે બી.એ. થયા. યુનિવર્સિટીમાં પ્રથમ આવવા બદલ તેમને હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક મળેલું. ઈ. સ. 1934માં એમ.એ. પ્રથમ વર્ગ સાથે કર્યું. 1932થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો. ઈ. સ. 1934ના ઑગસ્ટથી અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા અને ઈ. સ. 1959 સુધી ત્યાં જ કાર્ય કર્યું. 1959-60 દરમિયાન જામનગરની ડી. કે. વી. કૉલેજમાં આચાર્યપદે રહ્યા. ત્યારબાદ ગુજરાત રાજ્યના ભાષા-વિભાગમાં ભાષા-નિયામક તરીકે કાર્ય કર્યું. 1970માં ત્યાંથી નિવૃત્ત થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1977ના એક વર્ષ માટે ભવનના નિયામક પણ થયેલા. ગોવર્ધનરામ ત્રિપાઠી અને ન્હાનાલાલ તેમના પ્રિય સર્જકો હતા. 1933 તેમની લેખનપ્રવૃત્તિનો આરંભ થયેલો. વિવેચન, અનુવાદ અને સંપાદન મળી તેમની પાસેથી 45 જેટલા ગ્રંથો મળ્યા છે. વિષયની સર્વગ્રાહી ચર્ચા અને મુદ્દાસર સઘન રજૂઆત તેમના વિવેચનની વિશેષતા છે. ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાળ’ એ તેમનો વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને ઉપયોગી થાય તેવો અભ્યાસગ્રંથ છે. તેમની પાસેથી નવેક સંપાદનો અને બેત્રણ અનુવાદગ્રંથો મળ્યા છે. ર. વ. દેસાઈની ‘ગ્રામલક્ષ્મી’ નવલકથાનો તેમણે સંક્ષેપ કરેલો. તેમને તેમની સમગ્ર સાહિત્યની સેવાના સંદર્ભમાં ઈ. સ. 1955નો રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. આ ઉપરાંત દિલ્હી સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર તથા નર્મદ ચંદ્રક પણ તેમને મળેલ. 1980માં વડોદરા ખાતે ગુ. સા. પરિષદના અધિવેશનના તેઓ પ્રમુખ હતા. તેમના અવસાન બાદ સ્મારક સમિતિ તરફથી વિવેચન ઍવૉર્ડ અને અધ્યાપક ઍવૉર્ડ અપાય છે.
શ્રદ્ધા ત્રિવેદી
