જ. ૨૮ જુલાઈ, ૧૯૪૦ અ. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫

જાણીતા કવિ અને નિબંધકાર અનિલ જોશીનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ગોંડલ અને માધ્યમિક શિક્ષણ મોરબીમાં લીધું હતું. તેમણે ૧૯૬૪માં એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક તરીકે કામગીરી કરી હતી. ૧૯૭૧થી ૧૯૭૬ સુધી તેમણે ‘કૉમર્સ’ સામયિકના તંત્રી તરીકે તથા ૧૯૭૭થી ઘણાં વર્ષો સુધી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં લૅન્ગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતી ભાષાના સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. અનિલ જોશી પાસેથી આપણને ૧૯૭૦માં ‘કદાચ’ અને ૧૯૮૧માં ‘બરફનાં પંખી’ બે કાવ્યસંગ્રહ પ્રાપ્ત થયેલ છે. ‘પવનની વ્યાસપીઠે’ એ ૧૯૮૮માં પ્રકાશિત થયેલો એમનો લલિતનિબંધસંગ્રહ છે. આ સિવાય ‘સ્ટેચ્યૂ’, ‘બૉલપેન’, ‘બારીને પડદાનું કફન’, ‘દિવસનું અંધારું છે’ જેવા નિબંધસંગ્રહ એમણે લખ્યા છે. ‘ગાંસડી ઉપાડી શેઠની’ (૨૦૨૩) એમની નિખાલસ આત્મકથા છે. સાતમા-આઠમા દાયકાના નવતર કવિઓમાં અનિલ જોશીનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે. ૧૯૬૦ પછીની કવિતાની વાત કરીએ તો ગુજરાતી ગીતમાં આધુનિકતાનો ઉન્મેષ અનિલ જોશીનાં ગીતોમાં વિશેષ ઝળકે છે. પરંપરાગત ગુજરાતી ગીતને એમણે દૃઢ તર્ક અને મર્યાદિત ભાવ-અર્થબોધના રૂઢ સંદર્ભોમાંથી મુક્ત કરી એક નૂતન મુકામ પર પહોંચાડ્યું છે. ગુજરાતી ગીતકવિતાક્ષેત્રે રમેશ પારેખ અને અનિલ જોશીની જોડી આજે પણ મશહૂર છે. ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે…’ અને ‘અમે બરફનાં પંખી રે ભાઈ ! ટહુકે ટહુકે પીગળ્યાં’ એમનાં જાણીતાં ગીતો છે. અનિલ જોશીના ‘બરફનાં પંખી’ કાવ્યસંગ્રહને જયંત પાઠક પારિતોષિક, ‘સ્ટેચ્યૂ’ સંગ્રહને ૧૯૯૦નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. ૨૦૧૦માં તેઓ નરિંસહ ઍવૉર્ડથી સન્માનિત થયા છે.
અશ્વિન આણદાણી
