પ્રાણીજગતમાં માણસ સાથે સૌથી વધારે સામ્ય ધરાવતાં પ્રાણીઓ. મનુષ્યની જેમ અપુચ્છ વાનર બુદ્ધિશાળી હોય છે. તેઓ સમૂહમાં રહે છે અને લાંબું જીવે છે. અપુચ્છ વાનરના બે પ્રકારો છે : એક પ્રકારમાં ગોરીલા, ચિમ્પાન્ઝી તથા ઉરાંગઉટાન અને બીજા પ્રકારમાં ગિબન્સ અને સિયામાંગ છે. ગોરીલાનું નિવાસસ્થાન આફ્રિકા છે. તે કૉંગો નદીના ખીણપ્રદેશનું વતની છે. તે ડુંગરાળ અને આસપાસના જળપ્રદેશવાળા વિસ્તારોમાં વસે છે. ચિમ્પાન્ઝી આફ્રિકાના બહુવર્ષાળુ વનોમાં વાસ કરનાર ચપળ અને બુદ્ધિશાળી પ્રાણી છે; જ્યારે ઉરાંગઉટાન, ગિબન્સ તથા સિયામાંગ બોર્નિયો તથા સુમાત્રાનાં વર્ષાવનોમાં રહે છે. આ પ્રાણીઓના વસવાટના પ્રદેશો પર માનવીની ખલેલ થયા કરે છે. આથી ઇન્ડોનેશિયા તેમજ મલેશિયા દેશોએ આ પ્રાણીઓને રક્ષિત પ્રાણી તરીકે જાહેર કર્યાં છે.

ઉરાંગઉટાનમાણસની જેમ આ વાનર બાહ્ય પુચ્છ વગરના હોય છે. માણસ જેવું શરીર ધરાવે છે. તેમને ૩૨ દાંત અને તીવ્ર દૃષ્ટિ હોય છે. બીજાં સસ્તન પ્રાણીઓ રંગ પારખી નથી શકતાં, જ્યારે અપુચ્છ વાનરો રંગોમાં ભેદ જોઈ શકે છે. તેમના શરીર પર ઘણા વાળ હોય છે. માદા વાનર સામાન્ય રીતે એક જ બચ્ચાને જન્મ આપે છે. બચ્ચાને મા છાતીએ વળગાડીને ફરે છે. બચ્ચું માનું દૂધ પીએ છે અને તેની પાસેથી શીખવાનું શીખે છે. તેઓ લાકડીનો ઉપયોગ કરી રાફડામાંથી ઊધઈ બહાર કાઢી તેને ખાઈ જાય છે. બચ્ચું ૪ વર્ષ જેવડું થાય પછી જ માદા બીજું બચ્ચું લાવે છે. અપુચ્છ વાનર મોટા ભાગે ફળો અને પાંદડાં ખાય છે. કોઈક વાર જીવડાં પણ ખાય છે. સવારે વહેલા ઊઠી જંગલમાં ફરીને ખોરાક મેળવે છે, બપોરે જમીન પર આરામ કરે છે, જ્યારે રાત્રે તેઓ ઝાડની ઉપર મોટો માળો બનાવી તેમાં સૂઈ જાય છે. વરસાદ તેમને ગમતો નથી. ઘણી વાર ઝાડનાં મોટાં પાંદડાંની આડશ કરી વરસાદથી બચે છે. તેઓ ગીચ જંગલોમાં વસે છે. અપુચ્છ વાનરના હાથ માનવની સરખામણીમાં લાંબા અને મજબૂત હોય છે. તેમના પગ ટૂંકા અને નબળા હોય છે. તેઓ ઝાડ પર ચઢી જાય છે અને ડાળી પર ઝૂલા પણ ખાય છે. ચારેય પગનો ઉપયોગ કરીને ચાલે છે.
અંજના ભગવતી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અપુચ્છ વાનરો, પૃ. 25)
