અપેક્ષાની વિદાય સાથે જ પ્રસન્નતાનું આગમન થશે


વર્તમાન સમયમાં માનવીએ પ્રસન્નતા પ્રત્યે નકરી લાપરવાહી દાખવી છે અને એને પરિણામે એ જે ઇચ્છે તે વસ્તુ મળે છે, પરંતુ પ્રસન્નતા સાંપડતી નથી. એનું દૃશ્ય હતાશાના બોજથી, નિષ્ફળતાના ભારથી, ચિંતાઓના ઢગથી, દ્વેષના ડંખથી અને અપેક્ષાઓના બોજથી લદાયેલું હોય છે. પરિણામે એ સતત અપ્રસન્ન, બેચેન અને ધૂંધવાયેલો રહે છે. એના મનમાં ક્યારેક અપેક્ષાઓ જાગે છે, તો ક્યારેક કોઈના પ્રત્યે ઘૃણા અને ભૂત-ભાવિની ચિંતા એના મન પર આસન જમાવી દે છે. પ્રસન્નતા કહે છે કે જેના તરફ પારાવાર ઘૃણા હોય, એવી વ્યક્તિને સામે ચાલીને પ્રેમનું અમૃત આપવા જાવ. ઘૃણા કે તિરસ્કાર એવાં છે કે જે ચિત્તના સિંહાસન પર એક વાર બેસી જાય તો પછી ત્યાંથી ઊઠવાનું નામ લેતાં નથી. એક વાર એને ચિત્તના સિંહાસન પરથી ઉઠાડી મૂકો, તો લાગણીની ખિલખિલાટ વસંતનો અનુભવ થશે. વેરની ગાંઠ વાળવી સહુને ગમે છે, પણ એ ગાંઠને છોડીને સ્નેહની ગાંઠ મારવી એ જ પ્રસન્નતા પામવાનો સાચો ઉપાય છે. કલ્પના કરો કે જે હૃદયમાં કોઈનાય પ્રત્યે વેર, દ્વેષ કે ઘૃણા નહીં હોય, તે હૃદય કેવું લીલુંછમ અને રળિયામણું હશે ! આપણે વધુ આપીને ઓછાની અપેક્ષા રાખવાને બદલે ઓછું આપીને વધુ મેળવવાની સ્પૃહા રાખીએ છીએ અને એ સ્પૃહા સંતોષાય નહીં એટલે હૃદયમાં કટુતા રાખીએ છીએ. ‘એનું મેં આટલું કામ કર્યું’ કે ‘એને મેં આટલી મદદ કરી’ એ વાતને ભૂલી જવાને બદલે વારંવાર વાગોળીએ છીએ અને બમણા વળતરની ઇચ્છા રાખીએ છીએ. હકીકતમાં જેટલી અપેક્ષા ઓછી, એટલો આનંદ વધુ. અતિ અપેક્ષા એ તીવ્ર આઘાતનું કારણ બને છે. ઘરના બારણેથી અપેક્ષાને વિદાય આપશો, તો પ્રસન્નતા સામે ચાલીને મળવા આવશે.