જ. ૪ જૂન, ૧૮૯૯ અ. ૨૭ ઑક્ટોબર, ૧૯૬૫

ઉદ્યોગપતિ, બૅન્કર, કુશળ વહીવટકાર અને બાહોશ અર્થશાસ્ત્રી અરદેશરનો જન્મ મુંબઈમાં થયો હતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને લંડન યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ અમેરિકન ચેઇઝ બૅન્કમાં જોડાયા હતા. ભારત પરત આવી સિડનહામ કૉલેજ ઑવ્ કૉમર્સમાં એડવાન્સ બૅન્કિંગ વિષયના પ્રાધ્યાપક તરીકે પણ કામગીરી બજાવી હતી. ત્યારબાદ પંદર વર્ષમાં શૅરદલાલ તરીકે સફળતા પ્રાપ્ત કરી અને એક ગણનાપાત્ર શૅરદલાલ તરીકે તેઓ તાતા જૂથમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા. ૧૯૪૪માં બ્રેટન વુડ્ઝ ખાતે મળેલ વિશ્વ નાણાકીય અધિવેશનમાં તેઓ પ્રતિનિધિ તરીકે ગયા અને ત્યાં ભારતનો દાવો સબળતાથી રજૂ કર્યો. ૧૯૫૪માં મુક્ત સાહસ અને લોકશાહી વિચારસરણીનો પ્રચાર થાય તે માટે ફોરમ ઑવ્ ફ્રી એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી હતી. દેશના વિકાસની દૃષ્ટિએ અમુક ઉદ્યોગો સરકારે જ ચલાવવા જોઈએ. તેઓ જાહેર અને ખાનગી સ્પર્ધાના વિરોધી હતા. તેઓ ન્યૂ ઇન્ડિયા એશ્યૉરન્સ કંપની લિમિટેડ અને ટાટા ટેક્સ્ટાઇલ જૂથના ચૅરમૅન પણ રહ્યા હતા. તેમણે ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર તથા બૉમ્બે શૅરહોલ્ડર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે તથા અન્ય અનેક સંસ્થામાં કોઈ ને કોઈ સભ્યપદે રહી જે તે કંપનીની સેવા કરી હતી. ઊંડી સૂઝ ધરાવનાર અર્થશાસ્ત્રી, પ્રામાણિક સજ્જન તરીકે પ્રસિદ્ધ એ. ડી. શ્રોફ ૧૯૬૦માં તાતા સન્સ લિમિટેડના ડિરેક્ટરપદેથી નિવૃત્ત થયા હતા. ૧૯૯૯માં ભારત સરકાર તરફથી તેમના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. પત્રકાર સુચેતા દલાલે તેમની જીવનકથા ઈ. સ. ૨૦૦૦માં પ્રકાશિત કરી હતી.
શ્રદ્ધા ત્રિવેદી