જ. ૧૬ જુલાઈ, ૧૯૦૯ અ. ૨૯ ઑગસ્ટ, ૧૯૯૬

અરુણાનો જન્મ બંગાળી બ્રાહ્મણ પરિવારમાં ઉપેન્દ્રનાથ ગાંગુલીને ત્યાં થયો હતો. પિતા પત્રકાર અને બ્રહ્મોસમાજના અગ્રણી હોવાથી અરુણાને ઉચિત સંસ્કાર મળ્યા. તેમણે નૈનીતાલમાં અભ્યાસ પૂરો કરી ગોખલે કૉલેજમાં અધ્યાપન કાર્ય કર્યું તે ઉપરાંત રાજકીય ચળવળમાં પણ ભાગ લેતાં હતાં. આ દરમિયાન તેઓ કૉંગ્રેસના અગ્રણી એવા અસફઅલીના પરિચયમાં આવ્યાં અને ૧૯૨૮માં તેમની સાથે લગ્ન કર્યાં. ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહમાં જોડાતાં તેમની ધરપકડ થઈ અને જેલવાસ થયો. જેલના કેદીઓ પર થતા જુલમો સામે ભૂખહડતાળ કરી. અંતે અંગ્રેજોને તેમની માંગણીઓ સ્વીકારવી પડી, પરંતુ અંગ્રેજોએ કપટ કરી અરુણાજીને કાળકોટડીની સજા કરી. છેવટે બીજી મહિલા કેદીઓએ તેમને સાથ આપ્યો, તેથી નછૂટકે અંગ્રેજાએ અરુણાજીને છોડવાં પડ્યાં. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલન વખતે ૯મી ઑગસ્ટે ધ્વજવંદનનો કાર્યક્રમ ગોવાલિયા ટૅન્ક(મુંબઈ)ના ચોગાનમાં હતો. તે સમયે સરકારે ગાંધીજી, અસફઅલી સહિત દેશના અગ્રણી નેતાઓની ધરપકડ થઈ હોવાથી તે કામ અરુણાજીએ કરવાનું નક્કી કર્યું. તેમણે વીરતાપૂર્વક ત્રિરંગો ફરકાવી, સલામી આપી અંગ્રેજોને ભારત છોડી દેવાનો પડકાર આપ્યો. તેમના માટે વૉરંટ નીકળ્યું, આથી સમયસૂચકતાથી અરુણાજી ભૂગર્ભમાં ચાલ્યાં ગયાં અને સાડા ત્રણ વર્ષ સુધી ત્યાંથી ચળવળ ચલાવી. ક્રાંતિકારી હોવાથી સરકારી કામકાજમાં અસહકાર કરતાં. અંગ્રેજો સામે ખૂબ લડત આપી અને મચક ન આપી. દેશ આઝાદ થયા પછી દિલ્હીમાં પ્રથમ મેયર થયાં. ‘ઇન્કિલાબ’ પત્રિકાનાં સંપાદક થયાં. તેઓને ૧૯૬૪માં લેનિન શાંતિ પારિતોષિક, ઇંદિરા ગાંધી પુરસ્કાર, નહેરુ પુરસ્કાર, ૧૯૯૨માં ‘પદ્મવિભૂષણ’ અને બીજાં અનેક સન્માન પ્રાપ્ત થયાં. તેઓને ૧૯૯૭માં મરણોત્તર ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારતરત્ન’થી સન્માનિત કર્યાં હતાં. તેમની સ્મૃતિમાં ૧૯૯૮માં ટપાલટિકિટ, દિલ્હીમાં તેમના નામે માર્ગ અને ‘અરુણા અસફઅલી સદભાવના ઍવૉર્ડ’ દર વર્ષે આપવામાં આવે છે.
અશ્વિન આણદાણી