રસ્તા પરથી પસાર થતી નનામી જોતાં વિચાર આવે કે નનામી પર એક વ્યક્તિ સૂતી છે અને તમે જાગો છો. એ ચિર નિદ્રામાં છે અને તમે સતત જાગ્રત અવસ્થામાં ચાલો છો. આ જગત પરથી એની વિદાય નિશ્ચિત છે અને હજુ તમારી વિદાય ક્યારે છે તે અનિશ્ચિત છે, પરંતુ તમારી નિશ્ચિત વિદાય આવે તે પહેલાં આ અનિશ્ચિત જીવનનો સાર્થક ઉપયોગ કરવાની તમારી પાસે તક છે, આથી જ પ્રત્યેક વ્યક્તિનું મૃત્યુ એ તમારે માટે એક પડકાર છે અને તત્કાળ જાગ્રત થવાનો સંદેશ છે. એ નનામી પર સૂતેલા માણસ વિશે કોઈ એમ કહેશે કે ‘એ બિચારો ચાલ્યો ગયો’, તમે હજી એવા ‘બિચારા’ થયા નથી, પરંતુ જો સમયસર જીવનનો અર્થ સમજ્યા નહીં, તો તમે પણ ‘બિચારા’ બનીને વિદાય પામશો. એનો અર્થ જ એ કે અર્થી બંધાય તે પહેલાં જીવનનો અર્થ જાણી લેવો જોઈએ, નહીં તો મહાઅનર્થ થઈ જશે. રસ્તા પરથી પસાર થતી નનામી તમને સવાલ કરે છે કે તમે નામી છો કે બદનામી છો ? નામી છો તો નનામી પર વિદાય લેવી સાર્થક છે અને બદનામી છો, તો તમારી નનામી નિરર્થક છે, કારણ કે જેનું મૃત્યુ નિરર્થક એનું જીવન અર્થહીન. આખરે તો મૃત્યુ એ જીવનમાં ગાળેલા અને ગણેલા ગણિતના આંકડાઓનો અંતિમ સરવાળો છે. સ્મશાનયાત્રા એ માનવીને માટે અંતરયાત્રા બને છે. યાત્રા ઊર્ધ્વીકરણ માટે હોય છે. વ્યક્તિ જેમ જેમ યાત્રા કરતી જાય તેમ તેમ ભીતરથી ઊર્ધ્વીકરણ સાધતી જાય છે. આથી બને છે એવું કે સ્મશાને સહુ કોઈ જાય છે, સ્મશાનયાત્રામાં કોઈ જતું નથી.
કુમારપાળ દેસાઈ
