જ. 16 ફેબ્રુઆરી, 1920 અ. 10 માર્ચ, 1984

હિન્દી ફિલ્મજગતના અભિનેતા, લેખક, નિર્દેશક આઈ. એસ. જોહરનો જન્મ પાકિસ્તાનના તાલગંગમાં થયો હતો. આઈ. એસ. જોહરનું મૂળ નામ ઇંદ્રજિત સિંહ જોહર હતું. હિન્દી ફિલ્મોમાં હાસ્યઅભિનેતા તરીકે તેઓ જાણીતા હતા. લગભગ 50 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં ભારતીય દર્શકોને હાસ્યનું મનોરંજન આપવાનું એમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. એમને ભારતના ચાર્લી ચૅપ્લિન ગણવામાં આવતા હતા. રાજનીતિ તથા અર્થશાસ્ત્રમાં સ્નાતક, અનુસ્નાતક તથા એલએલ.બી.નો અભ્યાસ કરનાર આઈ. એસ. જોહર શિક્ષિત અભિનેતા તરીકે પણ જાણીતા હતા. અભિનયનો શોખ એમને માયાનગરી મુંબઈ લઈ આવ્યો. જ્યાં બી. આર. ચોપરા એમના મિત્ર બન્યા. 1949માં ‘એક થી લડકી’ ફિલ્મ સાથે લેખન તથા અભિનય બંને ક્ષેત્રે એમણે પદાર્પણ કર્યું. 1951માં બી. આર. ચોપરા માટે ફિલ્મ ‘અફસાના’નું લેખન કર્યું, જેની સફળતાએ બી. આર. ચોપરાને એક અલગ ઊંચાઈ તરફ દિશા આપી. સામાજિક પ્રશ્નો સામે કટાક્ષભર્યો અવાજ ઉઠાવવા માટે આઈ. એસ. જોહર લેખન અને અભિનયને માધ્યમ બનાવતા. હાસ્ય નિષ્પત્તિ માટે એમનો એક આગવો અંદાઝ હતો. 1962માં લૉરેન્સ ઑફ અરેબિયા, 1958માં ‘હેરી બ્લૅક’ તથા ‘ડેથ ઑન ધ નાઇલ’ જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં અભિનય કરીને એમણે એક અલગ ઓળખ ઊભી કરી હતી. 1970માં ‘જોની મેરા નામ’માં ત્રણ ભૂમિકામાં અભિનય કરીને દર્શકોને ખૂબ મનોરંજન આપવા બદલ એમને ફિલ્મફેર ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘તીન દેવીયાં’, ‘બઢતી કા નામ દાઢ઼ી’, ‘નાસ્તિક’, ‘જોહર-મહેમૂદ ઇન ગોવા’, ‘જોહર-મહેમૂદ ઇન હૉંગકૉંગ’ જેવી અનેક ફિલ્મોમાં એમનો અભિનય દર્શકોના ચિત્તમાં ચિરંજીવ બન્યો. અંગત જીવનમાં તેઓ પાંચ વખત લગ્નગ્રંથિથી બંધાયા હતા. વિચક્ષણ લેખન, સહજ હાસ્યઅભિનય તથા નિર્દોષ અંગભંગિઓ આઈ. એસ. જોહરની વિશેષતા હતાં. ભારતીય ફિલ્મ દર્શકો એમને સદાય યાદ રાખશે.
અલ્પા શાહ
