જ. 11 નવેમ્બર, 1924 અ. 17 જુલાઈ, 2005

આઈ. જી. પટેલના નામે જાણીતા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર ઇન્દ્રપ્રસાદનો જન્મ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુણાવ ગામમાં થયો હતો. પિતા ગોરધનભાઈ અને માતા કાશીબહેન. તેમણે મુંબઈ યુનિવર્સિટીની વડોદરા કૉલેજમાંથી બી.એ. (ઑનર્સ) અને પછી એમ.એ.ની પદવી મેળવી. કેમ્બ્રિજ યુનિવર્સિટીની કિંગ્સ કૉલેજમાંથી પીએચ.ડી. થયા. 1949માં વડોદરા કૉલેજમાં આચાર્ય તથા અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા. 1950માં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના સંશોધન વિભાગમાં જોડાયા. પાંચ વર્ષ પછી 1954માં કેન્દ્રીય નાણામંત્રાલયના આર્થિક સલાહકાર તરીકે જોડાયા અને 18 વર્ષ ભારત સરકારમાં કોઈ ને કોઈ ઉચ્ચ પદ પર રહીને કાર્ય કર્યું. 1972માં યુનોના ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ઉપનિયામક બન્યા. 1977થી 1982 સુધી ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે કાર્ય કર્યું પછી 1982થી 1984 સુધી આઈ.આઈ.એમ., અમદાવાદના ડિરેક્ટર બન્યા. 1984થી 1990 સુધી લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના ડિરેક્ટર બન્યા. આ પદ સંભાળનાર તેઓ પહેલા ભારતીય હતા. તેઓ આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામના ભારત ખાતેના ચૅરમૅન હતા. ઑગસ્ટ, 1996થી આઈ.આઈ.એમ. અમદાવાદના ચૅરમૅન બન્યા હતા. તેઓ ગુજરાત ઇકૉનૉમિક્સ ઍસોસિયેશનના તથા ચારુતર વિદ્યામંડળના પ્રમુખ હતા. 1991માં તત્કાલીન વડાપ્રધાન પી. વી. નરસિંહરાવે તેમને ભારતના નાણામંત્રીની જવાબદારી સ્વીકારવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે સ્વીકારી નહોતી. તેમણે અર્થશાસ્ત્ર સંબંધિત અનેક પુસ્તકો લખ્યાં હતાં, જેમાં ‘એસે ઇન ઇકૉનૉમિક્સ ઍન્ડ ઇકૉનૉમિક ગ્રોથ’, ‘ઑન ધ ઇકૉનૉનિક્સ ઑફ ડેવલપમેન્ટ’, ‘પોલિસીસ ફોર આફ્રિકન ડેવલપમેન્ટ એન એન્કાઉન્ટર વિથ હાયર એજ્યુકેશન : માય યર્સ એટ લંડન ઑફ ઇકૉનૉમિક્સ’ મુખ્ય છે. 1991માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા.
અનિલ રાવલ
