ધ્યેયસિદ્ધિ માટે આગળ નજર રાખીને ચાલવાનું સહુ કોઈ કહે છે, પરંતુ હકીકતમાં ધ્યેયસિદ્ધિ માટે પાછલા પગે ચાલવાની આવડત હોવી જોઈએ. ધ્યેય નક્કી કરીને માત્ર આગળ ચાલનારને સિદ્ધિ મળતી નથી, પરંતુ એક વાર ધ્યેય નક્કી કરીને જે પાછલા પગે ચાલીને વિચાર કરે છે કે કઈ કઈ ક્ષમતા અને યોગ્યતા પ્રાપ્ત કરું તો આ સિદ્ધિ મળે, તેવી વ્યક્તિ સફળ થાય છે. આવી વ્યક્તિ પોતાની ધ્યેયપ્રાપ્તિનો નકશો તૈયાર કરે છે એટલે કે એને એકસોના આંકડે પહોંચવું હોય તો પહેલાં પાછળ જઈને એકના આંકડાથી શરૂઆત કરવાની હોય છે. આનો અર્થ એ કે ધ્યેયપ્રાપ્તિ માટે યોગ્ય આયોજન કરવું પડે છે. એની પાસે કેટલી શક્તિ અને સાધનસામગ્રી છે અને કેટલી શક્તિ અને સાધનસામગ્રીની એને જરૂર પડશે. કયા કયા સમયે કેટલું કાર્ય સિદ્ધ થવું જરૂરી છે કે જેથી એ એના અંતિમ મુકામે સમયસર પહોંચી શકે. રસ્તામાં આવનારી પ્રત્યેક મુશ્કેલીઓ વિશે એ આગોતરો વિચાર કરી રાખશે અને પછી એણે એકેએક પગલે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવાનો છે અને એને માટે એને કેવી સજ્જતા કેળવવાની છે એનો વિચાર કરીને સમગ્ર કાર્યનું આયોજન કરશે, કારણ કે એ જાણે છે કે રાતોરાત સિદ્ધિ સાંપડતી નથી. એનો પંથ ઘણો લાંબો હોય છે. એમાં એક પછી એક પગલાં ભરીને આગળ વધવાનું હોય છે. કોઈ છલાંગ લગાવીને સિદ્ધિ મેળવી શકાતી નથી. અને એ રીતે પોતાની આજની, આવતી કાલની અને ધ્યેયપ્રાપ્તિ થાય ત્યાં સુધીની જરૂરિયાતોનો વિચાર કરી લેતા હોય છે. માત્ર વિચાર કરવાથી, શુભેચ્છા વ્યક્ત કરવાથી કે સદભાવનાથી સિદ્ધિ સર્જાતી નથી. એને માટે લાંબા ગાળાનું આયોજન, વ્યવસ્થિત પ્રયત્ન અને શક્તિનો વાસ્તવિક અંદાજ જરૂરી છે.
કુમારપાળ દેસાઈ