આચાર્ય મહાપ્રજ્ઞ


જ. ૧૪ જૂન, ૧૯૨૦ અ. ૯ મે, ૨૦૧૦

જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના દસમા આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીનું મૂળ નામ નથમલ હતું. અગિયાર વર્ષની વયે દીક્ષા લીધા બાદ હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની જેવી ભાષાઓ તથા જૈન તત્ત્વ, આગમ, ઇતિહાસ, દર્શન, સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને એ પછી પોતાના અધ્યયનક્ષેત્રને વ્યાપક બનાવીને આધુનિક વિજ્ઞાન, આયુર્વેદ, રાજનીતિ, અર્થશાસ્ત્ર, સામ્યવાદ અને સમાજવાદ આદિનું ગહન અધ્યયન કર્યું. એમણે ધર્મક્ષેત્રે પ્રસરેલી ખોટી માન્યતાઓ અને દાંભિક ક્રિયાકાંડો સામે જાહેર સભાઓમાં વેધક પ્રહાર કર્યો. ધ્યાનની એક વિશિષ્ટ પદ્ધતિ પ્રેક્ષાધ્યાન આપી, જેમાં માનવીની દૂષિત વૃત્તિઓનું પરિમાર્જન કરવાના પ્રયોગોને પ્રસ્તુત કર્યા અને પાંચસોથી વધુ પ્રેક્ષાધ્યાનની શિબિરો દ્વારા હજારો લોકોનાં જીવનમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્ટ્રેસ દૂર કરી શાંતિનો અનુભવ કરાવ્યો. ઉચ્ચકોટિના ચિંતક અને મનીષીએ જૈન આગમો વિશે, ભગવાન મહાવીર વિશે અને જૈનદર્શન વિશે મહત્ત્વનાં પુસ્તકો લખ્યાં. પ્રારંભે સંસ્કૃત ભાષામાં શીઘ્ર કવિતા કરતા હતા. એમણે ૨૭૧ પુસ્તકો લખ્યાં. અહિંસાયાત્રા કરીને દેશનાં સેંકડો ગામોમાં અહિંસક જીવનશૈલી અને વ્યસનમુક્તિ, આજીવિકા શુદ્ધિ અને આજીવિકા પ્રશિક્ષણ દ્વારા સામાજિક પરિવર્તન કર્યું. અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા પ્રસંગે એમણે સાંપ્રદાયિક સદભાવના દ્વારા એકતાનો પ્રયાસ કર્યો હતો, તો ૨૦૦૩માં સૂરતના ચાતુર્માસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાથે રાષ્ટ્રના આધ્યાત્મિક ઉત્થાન અને સૌહાર્દ માટે એક સંસ્થાની સ્થાપના કરી, રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ તેમને વારંવાર મળવા આવતા હતા. લંડનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી દ્વારા બ્રિટિશ પાર્લમેન્ટમાં અહિંસા ઍવૉર્ડ, ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર, મધર ટેરેસા ઍવૉર્ડ જેવા ઍવૉર્ડ એમને પ્રાપ્ત થયા હતા. ૯મી મેએ તેઓ રાજસ્થાનના સરદાર શહેરમાં કાળધર્મ પામ્યા. એમની બહુવિધ પ્રતિભામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનો ત્રિવેણીસંગમ જોવા મળે છે. રાષ્ટ્રકવિ દિનકરજીએ એમને આધુનિક યુગના વિવેકાનંદ કહ્યા હતા, તો અટલ બિહારી બાજપેયી, પં. દલસુખ માલવણિયા, શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ આદિ એમનાથી પ્રભાવિત હતા.