આનંદ ચંદ્ર અગ્રવાલ


જ. ૫ સપ્ટેમ્બર, ૧૮૭૪ અ. ૧૯૪૦

આનંદ ચંદ્ર અગ્રવાલ અસમના વિશ્વનાથ જિલ્લાના લેખક, કવિ, ઇતિહાસકાર, અનુવાદક અને વહીવટી અધિકારી હતા. સાંસ્કૃતિક અને બૌદ્ધિક વાતાવરણમાં ઊછરેલા આનંદ ચંદ્ર અગ્રવાલનાં માતા તેમનાં મૂળ ગુરુ હતાં. તેઓ ૧૯૩૪માં મંગળદોઈ ખાતે આયોજિત અસમ સાહિત્ય સભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આનંદ ચંદ્રના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ ‘જિલિકાની’ હતું. તેઓ મૂળ કાવ્યની સુંદરતાને નુકસાન પહોંચાડ્યા વિના શુદ્ધ અસમિયા ભાષાનો ઉપયોગ કરીને કવિતાઓને તોડતા હતા. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘જિલિકાની’માં પણ આવી ઘણી કવિતાઓ હતી. વિદેશી કવિતાના અનુવાદમાં મૂળ કાવ્યને સુંદર બનાવવાર અગ્રવાલને અસમિયા સાહિત્યમાં ‘ભંગોની કુંવર’ તરીકે ઓળખવામાં આવે છે. અગ્રવાલે ૧૯૧૦માં બે પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરેલાં જેનો ઉપયોગ અસમિયા ભાષા શીખવા માટે થાય છે. તેઓ આધ્યાત્મિક લેખો પણ લખતા હતા. તેઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા ત્યારે સિલચર, ગુવાહાટી, દિબ્રૂગઢ જેવી જગ્યાઓમાં રહ્યા હતા. તેમણે ૧૯૦૬માં પોલીસો માટે અંગ્રેજી ભાષામાં ‘પોલીસ મેન્યુઅલ’ નામનું પુસ્તક લખ્યું હતું. આ ઉપરાંત ‘એન એકાઉન્ટ ઑફ આસામ’, ‘આસપૅક્ટ ઑફ હિસ્ટરી ઍન્ડ કલ્ચર’ જેવાં ઇતિહાસનાં પુસ્તકો પણ તેમની પાસેથી મળે છે. બ્રિટિશ સરકારે તેમને રાયબહાદુરનું બિરુદ આપ્યું હતું. આનંદ ચંદ્ર અગ્રવાલ  અસમના જાણીતા કવિ ચંદ્રકુમાર અગ્રવાલના ભાઈ અને કવિ, નાટ્યકાર, સંગીતકાર, ગીતકાર, લેખક અને પ્રથમ અસમના ફિલ્મનિર્માતા જ્યોતિ પ્રસાદ અગ્રવાલના કાકા હતા.