અમેરિકાનો ઉદ્યોગસાહસિક, શોધક અને ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર સ્ટીવ જોબ્સ(જ. ૧૯૫૫, અ. ૨૦૧૧)ને જન્મથી જ દત્તક લેવામાં આવ્યો હતો. માત્ર થોડો સમય રીડ કૉલેજમાં અભ્યાસ કર્યો. ૧૯૭૪માં આંતરિક શાંતિ મેળવવા અને ઝેનનો અભ્યાસ કરવા ભારત આવ્યો. એ પછી ઍપલ કંપનીનો સહસ્થાપક બન્યો. એ પછી પણ સ્ટીવ જોબ્સના જીવનમાં એનું આખું અસ્તિત્વ હચમચી ઊઠે તેવી ઘટનાઓ બની. વીસ વર્ષની ઉંમરે સ્ટીવ વોઝનેટની સાથે પોતાના ઘરના ભંડકિયામાં એણે ઍપલ કમ્પ્યૂટર બનાવ્યું અને માત્ર દસ વર્ષમાં તો ભંડકિયામાંથી શરૂ થયેલો આ પ્રયત્ન ઍપલ કંપનીમાં પરિવર્તિત થયો. બે અબજ ડૉલર અને ચાર હજાર કર્મચારીઓ ધરાવતી ઍપલ કંપનીમાં મેકિન્ટોસ કમ્પ્યૂટર બનાવ્યું, પણ ત્રીસ વર્ષની વયે મતભેદો થતાં સ્ટીવ જોબ્સને પોતે સ્થાપેલી કંપનીમાંથી પાણીચું મળ્યું. દુનિયા આખીએ એક તમાશાની માફક આ ઘટના જોઈ, પણ સ્ટીવ જોબ્સે વિચાર્યું કે ભલે મારી અવગણના થઈ હોય છતાં કાર્યો પ્રત્યેનો મારો પ્રેમ તો એટલો જ સાબૂત છે. એણે નવેસરથી શરૂઆત કરી. ફરી નવી સર્જનાત્મક સિદ્ધિઓ પ્રાપ્ત થતી ગઈ. પછીનાં પાંચ વર્ષ એણે પોતાની કંપની ‘નેક્સ્ટ’ સ્થાપવામાં પસાર કર્યાં. એ પછી બીજી કંપની ‘પિક્સલ’ સ્થાપી અને એ કંપનીએ ‘ટૉય સ્ટોરીઝ’ નામની પહેલી કમ્પ્યૂટર ઍનિમેટેડ ફિલ્મ બનાવી. આ પ્રયાસોએ સ્ટીવ જોબ્સને દુનિયાભરમાં ખ્યાતિ અપાવી. સ્ટીવ જોબ્સનો ઍનિમેશન સ્ટુડિયો અભૂતપૂર્વ સફળતાને પામ્યો. ઘટનાઓ એવી બનતી ગઈ કે ઍપલ કંપનીએ ફરી સ્ટીવ જોબ્સને બોલાવ્યો. સ્ટીવ જોબ્સે નેક્સ્ટમાં જે ટૅકનૉલૉજી વિકસાવી હતી, તે ફરી ઍપલના પુનરુત્થાનનું કારણ બની. યુવાનીના એ સમયગાળામાં સ્ટીવ જોબ્સ એ શીખ્યો કે જિંદગીમાં ગમે તેવી આપત્તિ આવે, તોપણ હિંમત હારવી નહીં. અને માનવા લાગ્યો કે ઍપલમાંથી મળેલી રુખસદ આશીર્વાદરૂપ બની, કારણ કે જો ઍપલમાંથી એની હકાલપટ્ટી થઈ ન હોત તો આવા ટૅકનૉલૉજીના નવા વિશાળ ક્ષેત્રની ખોજ કરવાની એની સર્જનશીલતાને તક સાંપડી ન હોત.
કુમારપાળ દેસાઈ