જ. ૨૭ જૂન, ૧૯૩૯ અ. ૪ જાન્યુઆરી, ૧૯૯૪

ભારતીય સિનેમાજગતના સંગીતનિર્દેશક, ગાયક, વાદક, એરેન્જર, મૂર્ધન્ય સંગીતકાર. એસ. ડી. બર્મન તથા કવયિત્રી મીરા દેવ બર્મનને ત્યાં જન્મેલા રાહુલ દેવ બર્મન ‘પંચમ’ના નામથી પણ જાણીતા છે. ભારતીય સંગીતને પાશ્ચાત્ય તેમ જ વિદેશી સંગીત સાથે કલાત્મક રીતે વણીને પોતાની એક અલગ ઓળખ ઊભી કરનાર આર. ડી. બર્મન દરેક જમાનામાં પ્રસ્તુત રહ્યા. વિશ્વસંગીતના અભ્યાસી પંચમે ‘રેસો-રેસો’, માદલ તથા અન્ય પરકશ્ન્સનાં વાદ્યોનો સાંગીતિક સૌંદર્ય વધારવામાં ઉપયોગ કર્યો. બાળપણમાં પિતાએ ઉસ્તાદ અલી અકબર ખાન પાસે સરોદ તેમજ પંડિત સામતા પ્રસાદ પાસે તબલાંની શિસ્તબદ્ધ તાલીમ અપાવી. શરૂઆતનાં વર્ષોમાં સંગીતનિર્દેશનમાં પિતાના સહાયક તરીકે સેવા આપી અને અનુભવ મેળવ્યો. ૧૯૬૧માં ‘છોટે નવાબ’ ફિલ્મમાં સંગીતનિર્દેશન કરીને તેમણે ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું. પિતા સાથે અનેક વખત ઑરકેસ્ટ્રામાં હાર્મોનિયમ, તબલાં અને વિવિધ વાદ્યો વગાડ્યાં. પ્રયોગશીલ એવા આર. ડી. બર્મન પરંપરાને એવી રીતે બદલતા કે ક્યાંય રસભંગ ના થાય. જે જમાનામાં રેકૉર્ડિંગમાં તકનીકી સધ્ધરતા ન હતી એ જમાનામાં આર. ડી. બર્મને રેકૉર્ડિંગમાં પ્રયોગો કર્યા. પોતાના સંગીતવાદકોને પોતાને ભોગે આર્થિક મદદ કરીને એક નિસ્વાર્થ સાચા કલાકારનો ગુણ સાકાર કરતા હતા. દરેક પ્રકારનાં રસ અને ફ્લેવર એમના સંગીતમાંથી મળતાં. ‘કિનારા’, ‘શાન’, ‘સાગર, ‘અમરપ્રેમ’, ‘કટીપતંગ’, ‘આરાધના’, ‘શોલે’ એવી અનેક ફિલ્મોમાં પંચમે સંગીતનિર્દેશન કર્યું. અનેક ફિલ્મફેર તથા લતા મંગેશકર ઍવૉર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૯૪માં એમના અવસાન પછી એમની અંતિમ ફિલ્મ ‘૧૯૪૨ અ લવસ્ટોરી’ તરત રજૂ થઈ હતી. વિવિધ ભાષા, ગાયકો તેમજ કવિઓ સાથે એમણે કામ કર્યું હતું. ગુલઝાર એમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભારતીય તેમ જ વિદેશી ટી. વી. સિરિયલ તેમજ આલબમમાં એમણે સંગીત આપ્યું. ૨૦૧૩માં ભારત સરકારે એમની સ્ટૅમ્પ પ્રકાશિત કરી. એમણે વિશિષ્ટ અવાજમાં અનેક ગીતો ગાયાં અને અભિનય પણ કર્યો. અલગ અનોખા સંગીત માટે આર. ડી. બર્મન સદાય યાદ રહેશે.
અલ્પા શાહ