જ. 19 ડિસેમ્બર, 1852 અ. 9 મે, 1931

વિજ્ઞાન નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રથમ અમેરિકન વિજ્ઞાની આલ્બર્ટ અબ્રાહમ માઇકલ્સનનો જન્મ પોલૅન્ડના સ્ટ્રજેલ્નોમાં થયો હતો. 1855માં માતાપિતા સાથે અમેરિકા ગયા. તેઓ કૅલિફૉર્નિયાના મર્ફી કૅમ્પ અને વર્જિનિયામાં મોટા થયા હતા. તેમનું હાઈસ્કૂલનું શિક્ષણ સાનફ્રાન્સિસ્કોમાં થયું. ઉચ્ચશિક્ષણ માટે યુ.એસ. નેવલ એકૅડેમીમાં પ્રવેશ મેળવ્યો. 1873માં સ્નાતક થયા. 1880માં તેમણે વ્યતિકરણમાપક (Interferometer) નામનું ઉપકરણ તૈયાર કર્યું. જેના વડે તેઓ કાલ્પનિક માધ્યમ ઈથરમાં પ્રકાશનો વેગ માપવા માગતા હતા. આ પ્રકાશીય ઉપકરણ આજે માઇકલ્સન ઇન્ટરફેરૉમીટર તરીકે ઓળખાય છે. 1883માં ક્લેવલૅન્ડમાં કેસ સ્કૂલ ઑફ ઍપ્લાઇડ સાયન્સમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. 1889માં મૅસેચૂસેટ્સમાં ક્લાર્ક યુનિવર્સિટીમાં જોડાયા. 1892માં શિકાગોની યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રથમ વડા બન્યા હતા. તેમણે અમેરિકન વિજ્ઞાની એડવર્ડ મૉર્લે સાથે મળીને પ્રયોગો કર્યા જે માઇકલ્સન-મૉર્લે પ્રયોગ તરીકે જાણીતો છે. પ્રકાશની ગતિ પરના તેમના પ્રયોગોએ ભૌતિકશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. 1920માં તેમણે અને ફ્રાન્સિસ જી. પીસે સૂર્ય સિવાયના તારાના વ્યાસનું પ્રથમ માપન કર્યું. માઇકલ્સને ખગોળશાસ્ત્રીય ઇન્ટરફેરૉમીટરની પણ શોધ કરી. તેમણે વિજ્ઞાનક્ષેત્રે આપેલા યોગદાન બદલ 1907માં તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રમફૉર્ડ પુરસ્કાર, મેટ્યુચી મેડલ, કોપ્લી મેડલ, એલિયર ક્રેસન મેડલ, હેનરી ડ્રેપર મેડલ, ડુડેલ મેડલ પુરસ્કાર જેવાં અનેક સન્માનો તેમને પ્રાપ્ત થયાં હતાં. ચંદ્ર પરના એક ખાડાનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.
અનિલ રાવલ
