આ તો ‘ઇઝી લાઇફ’ કે ડેડ લાઇફ !


આધુનિક માનવી ‘ઇઝી લાઇફ’ની શોધમાં નીકળ્યો છે. એ વારંવાર ‘ઇઝી લાઇફ’ માટે પ્રયત્ન કરતો જોવા મળે છે, પણ હકીકતમાં તો જેણે ‘ઇઝી લાઇફ’ જોવી છે, એણે કબ્રસ્તાનને જોવાની જરૂર છે. આવું જીવન કબ્રસ્તાનમાં સૂતેલા માણસોમાં છે, જીવંત માણસોમાં નહીં. ‘ઇઝી’ એટલે શું ? જેમાં સવાર પડે અને સાંજ પડે અને પછી રાત પડે ને વળી દિવસ ઊગે. મોજ અને મસ્તીમાં માનનારી આ ‘ઇઝી લાઇફ’ પાસે જીવનનો કોઈ ઘાટ હોતો નથી અને ઘાટના અભાવે એની પાસે કોઈ મૂલ્ય હોતું નથી. આવી વ્યક્તિ કશી પ્રાપ્તિમાં માનતી નથી. મહેનત કરવી એને ગોઠતી નથી અને મથામણથી સદૈવ દૂર ભાગે છે. સગવડ એનું સર્વસ્વ હોય છે. અનુકૂળતા એની અવિરત શોધ હોય છે. સ્થૂળ આનંદ એ એનું શ્રેષ્ઠ મનોરંજન હોય છે. આનો અર્થ જ એ કે કશાય પડકાર વિનાની જિંદગી એટલે ‘ઇઝી લાઇફ’, પણ પાયાનો સવાલ એ છે કે જ્યાં કોઈ પડકાર કે સંઘર્ષ ન હોય, ત્યાં જીવનનું કેન્દ્ર બંધાતું નથી. જીવનનું સત્ત્વ તો સંઘર્ષ વચ્ચે જ બંધાય છે. મુશ્કેલીઓ જ એની માણસાઈની અગ્નિપરીક્ષા બને છે. ઝંઝાવાતો પાર કરીને આગળ આવનાર જ પરિવર્તન સર્જી શકે છે. હાથ-પગ જોડી બેઠા બેઠા સુખેથી જિંદગી કાઢનાર પાસે મસ્તી, શક્તિ કે માનવતા નહીં જડે. આજની આધુનિક જીવનપદ્ધતિએ ખાવું, પીવું અને મસ્તીથી જીવવું એટલે જીવન – એવી વ્યાખ્યા કરી છે, પરંતુ આ પ્રકારના જીવનમાં વિચારોની દૃઢતા હોતી નથી. ધ્યેય માટેનું સમર્પણ હોતું નથી. હકીકત એ છે કે જે જીવનમાં પ્રયત્ન કે પુરુષાર્થ નથી, વિચારો કે આદર્શો નથી, એ જીવન જીવન નથી. માત્ર ખોખલું અસ્તિત્વ છે. તફાવત એટલો કે આવી વ્યક્તિ મૃત બનીને કબ્રસ્તાનમાં સૂતી હોતી નથી, પરંતુ મૃત બનીને ચાર દીવાલો વચ્ચે વસતી હોય છે.