ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ


જ. 20 ફેબ્રુઆરી, 1894 અ. 2 માર્ચ, 1980

બહુમુખી પ્રતિભા ધરાવનાર, સાહિત્યકાર જારોસ્લાવનો જન્મ કાલ્નિક પોલૅન્ડમાં થયો હતો. 1912માં કીવ વિશ્વવિદ્યાલયમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને સાથે સાથે સંગીતશાળામાં પણ તાલીમ લેવાનું ચાલુ રાખ્યું. 1918માં તેઓ પોલૅન્ડની રાજધાની વૉર્સોમાં રહેવા ચાલ્યા ગયા. અહીં તે ઊર્મિકવિઓના ‘સ્કમાન્દર’ નામના મંડળના સહસ્થાપક બન્યા. 1923થી 1925નાં બે વર્ષ દરમિયાન તે પાર્લમેન્ટના સ્પીકરના અંગત સચિવ રહ્યા. ત્યારબાદ વિદેશ મંત્રાલયમાં જોડાયા. 1932થી 1936 દરમિયાન તેમણે જુદી જુદી મહત્ત્વની રાજકીય કામગીરી સ્વીકારી, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી રાજકીય પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લીધી. 1953માં શાંતિ માટેની પોલૅન્ડની સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી તેમણે સંભાળી અને પાર્લમેન્ટના અધ્યક્ષ તરીકે સેવા આપી, રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયા. 1943થી 1949 અને 1959થી 1972 એમ બે વખત તે પોલૅન્ડના લેખકસંઘના અધ્યક્ષ બન્યા. 1955થી તેમણે ‘ક્રિયેશન’ (Two rezosc) નામના સાહિત્યિક માસિકના મુખ્ય સંપાદક તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમનાં કાવ્યોમાં મુખ્યત્વે પોલૅન્ડનાં પ્રકૃતિદૃશ્યની ઊર્મિકવિતાનો આવિષ્કાર છે. ગદ્યલેખનના ક્ષેત્રે પણ તેમણે નિબંધો, નાટકો, જીવનચરિત્રો, ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને ભાષાંતરો દ્વારા તમામ સ્વરૂપોમાં વૈવિધ્યપૂર્ણ ખેડાણ કર્યું છે. તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘સ્ટોરીઝ’ (1959) તથા નવલકથા ‘ફેઇમ ઍન્ડ ગ્લૉરી’ વિશેષ ઉલ્લેખનીય છે. ત્રણ ખંડોમાં આલેખાયેલી તે નવલકથામાં 1914થી 1945 દરમિયાન પોલૅન્ડમાં વ્યાપેલી અશાંતિ અને ક્ષુબ્ધતાનું નિરૂપણ છે. તેઓ ચાર વખત સાહિત્ય માટેના નોબેલ પ્રાઇઝ માટે નામાંકિત થયા હતા. તેમને અનેક પોલિશ પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતા.