જ. ૨૧ ઑગસ્ટ, ૧૯૧૫ અ. ૨૪ ઑક્ટોબર, ૧૯૯૧

ભારતીય ઉર્દૂ નવલકથાકાર, ટૂંકી વાર્તા-લેખિકા અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતાં લેખિકા. ઇસ્મત ચુગતાઇનો જન્મ ઉત્તરપ્રદેશના બદાયૂંમાં થયો હતો. નાનપણથી જ બંડખોર સ્વભાવ ધરાવતાં ઇસ્મતે ઘર અને સમાજનો ઉગ્ર વિરોધ છતાં શાળા અને કૉલેજનું પણ શિક્ષણ લીધું. ૧૯૩૮માં લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી અને ૧૯૩૯માં અલીગઢ યુનિવર્સિટીમાંથી બી.ઍડ્.ની ડિગ્રી મેળવી. આમ બબ્બે ડિગ્રી મેળવનાર તેઓ પ્રથમ ભારતીય મુસ્લિમ મહિલા હતાં. તેઓ બરેલીની મુસ્લિમ ગર્લ્સ સ્કૂલમાં શિક્ષિકા બન્યાં અને એક વર્ષ બાદ મુંબઈની મુસ્લિમ ગર્લ્સ સ્કૂલમાં સુપરિન્ટેન્ડેન્ટ બન્યાં. આ સાથે તેમણે ટૂંકી વાર્તાઓ લખી સાહિત્યક્ષેત્રે પણ પદાર્પણ કર્યું. ઉર્દૂ સામયિક ‘સાકી’ માટે ‘ફસાદી’ નામનું નાટક એ તેમનું પ્રથમ પ્રકાશિત લેખન હતું. તેમની શરૂઆતની કૃતિઓમાં ‘બચપન’, ‘કાફિર’ અને ‘ઘીત’નો સમાવેશ થાય છે. આદર્શવાદના સ્થાને વાસ્તવિકતાને મહત્ત્વ આપતા સમાજમાં પ્રવર્તતા દંભ, મહિલાઓ પર લાદવામાં આવતાં નિયંત્રણો, કુંઠિત જીવનમાંથી ઉદભવતા અવૈધ સંબંધો અને દૂષણોનો ચિતાર વેધકતાથી નિરૂપતાં. પરદામાં રહેતી સ્ત્રીઓની ઈર્ષા અને જાતીય વિકૃતિઓને રજૂ કરતી પોતાની વાર્તા ‘લિહાફ’ (રજાઈ) ૧૯૪૪માં તેમણે પ્રગટ કરી ત્યારે સાહિત્યકારોમાં ઊહાપોહ થયો અને લાહોર અદાલતમાં અશ્લીલતા નિરૂપવાના આરોપ બદલ કેસ ચાલ્યો. આ ઉપરાંત ‘ચૌથી કા જોડા’, ‘દો હાથ’ અને ‘બેકાર’ જેવી વાર્તાઓ જાતીય સંબંધોને સ્પર્શે છે. તેમણે ‘ગર્મ હવા’, ‘સોને કી ચિડિયા’ અને ‘જિદ્દી’ તથા ‘આરઝૂ’ ફિલ્મો માટે પટકથા પણ લખેલી. શાહિદ લતીફ નામના પટકથાલેખક સાથે લગ્ન કરી ‘ફિલ્મ ઇન્ડિયા કૉર્પોરેશન’ નામની કંપની સ્થાપી પાંચ ફિલ્મોનું નિર્માણ કર્યું. તેમણે ૮ વાર્તાસંગ્રહો, ૭ નવલકથાઓની રચના કરી છે અને ઘણાના અંગ્રેજી અનુવાદો પણ થયા છે. તેમને ઉર્દૂ સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ગાલિબ પુરસ્કાર’, ‘ઇકબાલ સંમેલન’ અને ‘સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ’ પણ એનાયત થયેલ છે. તેમની વાર્તા ‘ગર્મ હવા’ને શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મ અને ફિલ્મફેર ઍવૉર્ડ મળેલ છે. ૧૯૭૬માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી તેમને સન્માનિત કરવમાં આવ્યાં હતાં.
રાજશ્રી મહાદેવિયા
