મનથી મોટું કોઈ ફરિયાદી નથી. મનને સદા આનંદ આવે છે ફરિયાદ કરવામાં. એને જેટલું સુખ બીજાના દોષ વર્ણવવામાં આવે છે, એટલું સુખ બીજા કશામાં મળતું નથી. ફરિયાદપ્રેમી મનની રીત પણ કેટલી માર્મિક છે ! માણસ ફરિયાદ કરતી વખતે ભાષાને કેટલી સિફતથી પ્રયોજતો હોય છે ! જેમ જેમ ફરિયાદ કરતો જાય, તેમ તેમ એની ભાષાના રંગ પણ બદલાતા હોય છે. ભાષાની સાથે આંખની કીકી પણ ઘૂમતી જશે. ક્યારેક ઠાવકાઈથી એ ફરિયાદ કરશે, તો ક્યારેક અકળાઈને એ ફરિયાદ કરશે. ફરિયાદનું ગાણું ગાવાનું મનને એટલું બધું પસંદ પડે છે કે એ જીવનની પ્રત્યેક બાબતમાંથી તમને કોઈ ને કોઈ ફરિયાદ શોધીને આપશે. ગમે તેવી ઉત્તમ વ્યક્તિ હોય, ગમે તેટલું સુઘડ આયોજન હોય કે ગમે તેટલો મોટો ઉત્સવ રચાયો હોય, પરંતુ એમાંથીય મન પાણીમાંથી પોરા કાઢવા જેવું કરશે. એનું કારણ છે કે ફરિયાદ એની બાબત બની ગઈ છે. વ્યક્તિ જેમ જેમ વધુ ફરિયાદ કરશે, તેમ તેમ એનું મન ‘નૅગેટિવ’ થતું જશે. આવી વ્યક્તિ કોઈ પણ બાબતમાંથી દોષ, ખામી, ક્ષતિ કે ભૂલ શોધી આપશે. આવું ફરિયાદી મન ધીરે ધીરે જીવન પ્રત્યે નકારાત્મક વલણનો અંચળો ઓઢી લેશે અને એક એવો સમય આવશે કે જ્યારે ફરિયાદ કરનારું મન શાબાશી આપવાનું જ સાવ ભૂલી જશે. પૉઝિટિવ મન શાંતિથી વિચારીને સ્વસ્થતાથી જવાબ આપતું હોય છે. એના ગુણદોષની પરીક્ષા કરીને પ્રત્યુત્તર આપતું હોય છે. નૅગેટિવ મન જેવું ઉતાવળું બીજું કોઈ નથી. વાત પૂરી સાંભળે એ પહેલાં એનો ઇન્કાર કરશે. તત્કાળ કોઈ બહાનું ધરી દેશે અથવા તો ભવિષ્યમાં આવનારી કોઈ મુશ્કેલીનો અંદાજ આપશે.
કુમારપાળ દેસાઈ
