જ. ૨૯ ઑક્ટોબર, ૧૯૨૦ અ. ૨૯ જુલાઈ, ૨૦૦૦

ભારતમાં ક્લિનિકલ ફાર્માકૉલૉજીના સ્થાપક અને વિશ્વવિખ્યાત ફાર્માકૉલૉજિસ્ટ ઉત્તમચંદ શેઠનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ ‘યુકેએસ’ તરીકે જાણીતા હતા. તેમણે માઇક્રોબાયૉલૉજીમાં બી.એસસી. કર્યું પછી શેઠ જી. એસ. મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. અને મેડિસિનમાં એમ.ડી.ની પદવી મેળવી. મેડિકલ રેસિડેન્સી પૂર્ણ કર્યા પછી મુંબઈની ટી. એન. મેડિકલ કૉલેજમાં પૅથૉલૉજી વિભાગમાં જોડાયા. ૧૯૫૦થી ૧૯૫૩ સુધી સહાયક પ્રોફેસર હતા. પછી ફાર્માકૉલૉજી વિભાગના વડા બન્યા. ૧૯૫૬થી ૧૯૭૩ સુધી શેઠ જી. એસ. મેડિકલ કૉલેજમાં પ્રોફેસર અને વિભાગના વડા અને ૧૯૭૩થી ૧૯૭૮ સુધી ડિરેક્ટર પ્રોફેસર બન્યા. નિવૃત્તિ પછી નેપાળમાં WHOના નેપાળના ફાર્માકૉલૉજીના સલાહકાર બન્યા. એ પછી આઠ વર્ષ સુધી મલેરિયા અને ફાઇલેરિયાસિસ માટે WHOમાં સલાહકાર બન્યા. તેઓ મુંબઈમાં પ્રોફેસર એમેરિટ્સ અને શેઠ જી. એસ. મેડિકલ કૉલેજ અને ભારતીય વિદ્યાભવનના સ્વામી પ્રકાશાનંદ આયુર્વેદ સંશોધન કેન્દ્રના વરિષ્ઠ સલાહકાર બન્યા. રોકફેલર ફાઉન્ડેશન ફેલોશિપ મળતાં યુ.એસ.એ. ગયા. ત્યાંથી આવીને પ્રાયોગિક અને ક્લિનિકલ ફાર્માકૉલૉજીનો પાયો નાંખ્યો. મલેરિયા માટે મેફલોક્વિનના ક્લિનિકલ વિકાસમાં એમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તેમણે ૩૫૦થી વધુ વૈજ્ઞાનિક પ્રકાશનો કર્યાં જેમાંનાં અડધાં પ્રાયોગિક સંશોધન પર આધારિત હતાં. તેમણે ભારતમાં અનેક જર્નલોનું સંપાદન કર્યું હતું. તેમણે ફાર્માકૉલૉજી વિષયમાં બે પુસ્તકો લખ્યાં, ‘સિલેક્ટેડ ટોપિક્સ ઇન એક્સપરિમેન્ટલ ફાર્માકૉલૉજી’ એમનું પ્રસિદ્ધ પુસ્તક છે. તેઓ શ્રેષ્ઠ પ્રાધ્યાપક હતા. તેમણે ફાર્માકૉલૉજી જેવા નીરસ વિષયને રસપ્રદ બનાવ્યો હતો. તેમના હાથ નીચે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એમ.એસસી., એમ.ડી. અને પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેઓ અમેરિકન કૉલેજ ઑવ્ ક્લિનિકલ ફાર્માકૉલૉજી ઍન્ડ કીમોથૅરપી અને અમેરિકન થેરાપ્યુરિક સોસાયટીના ફેલો હતા. તેમણે આપેલા યોગદાન બદલ તેમને ૧૯૬૮માં શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કાર, ૧૯૭૧માં અમૃત મોદી ઍવૉર્ડ અને ૧૯૭૮માં ડૉ. બી. સી. રૉય ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અનિલ રાવલ
