જ. ૨૮ ઑગસ્ટ, ૧૯૨૮ અ. ૧૩ માર્ચ, ૨૦૦૪

ભારતીય શાસ્ત્રીય પરંપરાના જાણીતા સિતારવાદક. સંગીતનિર્દેશક, સિતારવાદક ઉસ્તાદ ઇનાયતખાં તથા શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા નસીરન બેગમના પુત્ર વિલાયતખાં મોખરાના સિતારવાદકોમાં સ્થાન ધરાવે છે. માતા-પિતા – બંનેનાં કુટુંબો પેઢીઓથી સંગીતની સાધના તેમજ વ્યવસાયમાં હોવાને કારણે વિલાયતખાંના જીવનનું એકમાત્ર ધ્યેય સંગીત હતું. સંગીતોપયોગી કંઠ ધરાવવા છતાં વિલાયતખાં કંઠ્ય સંગીતને બદલે સિતારવાદન તરફ વળે એવી એમનાં માતાની ઇચ્છાને વશ એમણે સિતારવાદનની તાલીમ લેવાની શરૂઆત કરી. દાદાના નામથી બનેલું ઇમદાદખાની ઘરાનું વિલાયતખાંની સિતાર સાથે વધુ લોકપ્રિય બન્યું. તેર વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં એમની ઉપર કૌટુંબિક જવાબદારીઓ આવી પડવાને કારણે કિશોર વયમાં અનેક કષ્ટો વેઠવાં પડ્યાં. જે દુ:ખોની પીડાની અનુભૂતિને કારણે એમના સંગીતમાં લાગણી પણ વાચા પામતી હતી એવું તેઓ કહેતા. પિતાના અવસાન પછી કાકા વાહિદખાં તથા નાના બંદેહસન પાસે સંગીતની તાલીમ લીધી. ગાયકી અંગેનું સિતારવાદન એ એમની આગવી ઓળખ હતી. અત્યંત સ્વાભિમાની તેમજ અલગ મિજાજના સિતારવાદક એવા વિલાયતખાંએ ભારત સરકાર તરફથી મળતા પદ્મભૂષણના સન્માનનો અસ્વીકાર કર્યો હતો. ‘આફતાબ-એ-સિતાર’, ‘ભારત સિતાર સમ્રાટ’, ‘સન ઑફ ધ સિતાર’ જેવાં સન્માનો એમણે સ્વીકાર્યાં હતાં. એમના પુત્ર શુજાતહુસેનખાં, હિદાયતખાં પણ ખ્યાતનામ સિતારવાદક છે. સત્યજિત રેની ફિલ્મ ‘જલસાઘર’માં વિલાયતખાં દ્વારા સ્વરબદ્ધ થયેલું પશ્ચાદભૂ સંગીતે ફિલ્મની કલાત્મકતાને વધુ નિખારી હતી. વિલાયતખાંના શિષ્યોમાં કાશીનાથ મુખરજી, અરિંવદ પરીખ, હસુ પટેલનો સમાવેશ થાય છે. ફેફસાંના કૅન્સરની બીમારીના કારણે એમનું અવસાન થયું હતું.
અલ્પા શાહ
